બોમ્બે હાઈકોર્ટે નાસિકના 22 વર્ષીય વિદ્યાર્થી નિખિલ ભામરેની મુક્તિ અંગે મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે અને જે ટ્વિટમાં શરદ પવારનું નામ પણ લખવામાં આવ્યું નથી તે માટે વિદ્યાર્થીની ધરપકડ કરવા બદલ કોર્ટે ઉદ્ધવ સરકારને ફટકાર લગાવી છે. ભામરેને NCP સુપ્રીમો શરદ પવાર પર કથિત રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ જેલ થઇ છે. આ વર્ષે મે મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે મુક્તિ માટે હાઈકોર્ટમાં અપીલ કરી છે.
અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે ઉદ્ધવ સરકારને ફટકાર લગાવતા પૂછ્યું કે શું તેઓ દરેક વાંધાજનક લાગતા ટ્વિટ મુદ્દે સંજ્ઞાન લઈને કાર્યવાહી કરશે? વિદ્યાર્થીની ધરપકડ મામલે કોર્ટે કહ્યું કે, એનસીપી પ્રમુખ પોતે પણ એવું ઇચ્છતા નહીં હોય કે એક વિદ્યાર્થી જેલમાં રહે.
જસ્ટિસ એસએસ શિંદેની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે વિદ્યાર્થી નિખિલ ભામરે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલને તેની મુક્તિ સામે કોઈ વાંધો છે કે કેમ તે જણાવવા માટે ગૃહ વિભાગ પાસેથી નિર્દેશ મેળવવા માટે જણાવ્યું હતું. અરજીમાં નિખિલે તેની સામે નોંધાયેલા કેસને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. વિદ્યાર્થીની અરજીને ધ્યાનમાં લેતા કોર્ટે નોંધ્યું કે જે સોશિયલ મીડિયા પોસ્ટના કારણે તેની ધરપકડ કરવામાં આવી તેમાં કોઈ પણ વ્યક્તિ વિશેષનું નામ લખવામાં આવ્યું નથી. આ પરીક્ષાના કારણે નિખિલ પરીક્ષા પણ આપી શક્યો ન હતો.
Bombay High Court pulls up Maharashtra govt over arrest of student for alleged defamatory posts against NCP president Sharad Pawar, asks if govt would take cognizance of every tweet it deems offensive
— Press Trust of India (@PTI_News) June 13, 2022
જસ્ટિસ શિંદેએ મહારાષ્ટ્ર સરકારને ઠપકો આપતાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પોસ્ટમાં કોઈનું નામ નથી અને તમે (સરકાર) કોઈને એક મહિના માટે જેલમાં રાખો છો. આ અધિકાર તમને કોણે આપ્યો?”
ન્યાયાધીશે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું, “રોજ હજારો પોસ્ટ કરવામાં આવે છે. શું તમે દરેક ટ્વિટની નોંધ લેશો?” કોર્ટે કહ્યું કે આ પ્રકારની FIR યોગ્ય નથી. અન્ય કેટલાક વિદ્યાર્થીઓને પણ આ રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે આવી વ્યક્તિ સામે કેસ નોંધવો એ કોઈપણ સોશિયલ મીડિયા પોસ્ટ કરતાં શરદ પવારની પ્રતિષ્ઠા માટે વધુ નુકસાનકારક છે.
કોર્ટે મહારાષ્ટ્ર સરકારને સમજાવતા કહ્યું કે, “જો તમે આ પ્રકારની કાર્યવાહી કરશો તો દેશનો બીજો સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિના નામને નુકસાન પહોંચશે. આ તેમને પણ પસંદ નહીં આવે. કોર્ટ નથી ઇચ્છતી કે તેમના વ્યક્તિત્વના સન્માનમાં ઘટાડો થાય.”
કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે 16 જૂનની તારીખ નક્કી કરી છે. કોર્ટે સરકારી વકીલને વિદ્યાર્થીની મુક્તિ પર ગૃહ વિભાગ તરફથી નો-ઓબ્જેક્શન સ્ટેટમેન્ટ મેળવવા માટે જણાવ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે જો ગૃહ વિભાગ વિદ્યાર્થીની મુક્તિ માટે તૈયાર થાય તો રાજ્યની છબી બચી જશે.
ઉલ્લેખનીય છે કે નિખિલ ભામરે નામના 22 વર્ષના વિદ્યાર્થીની 11 મેની સાંજે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે 6 FIR નોંધાઈ હતી. આરોપ છે કે તેણે શરદ પવાર પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જોકે કોર્ટમાં મામલો ગયો ત્યારે કોર્ટે નોંધ્યું કે તેમાં કોઈ વ્યક્તિનો ઉલ્લેખ નહોતો. ટ્વીટમાં લખ્યું હતું કે, ‘બારામતીના ગાંધી, બારામતીમાં નાથુ ગોડસે બનાવવાનો સમય આવી ગયો છે.’ બારામતી શરદ પવારનું વતન હોવાથી આ ટ્વિટ તેમની સાથે જોડી દેવામાં આવી હતી અને આઈપીસી કલમ 153, 153A, 500, 501, 504, 505, 506 હેઠળ કેસ નોંધાયા બાદ નાશિકની ડિંડોરી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.