બોલિવુડ એક્ટર સલમાન ખાનને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે ગુરુવારે (30 માર્ચ, 2023) અભિનેતાને એક કેસમાં ક્લીન ચિટ આપીને 2019 માં એક પત્રકાર દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદને રદ કરવાનો આદેશ આપ્યો હતો. પત્રકાર અશોક પાંડેએ સલમાન અને તેમના બોડીગાર્ડ નવાઝ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમના પર ફોન આંચકી લઈને ગેરવર્તન અને મારપીટનો પણ આરોપ લગાવ્યો હતો.
જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેન્ચે આજે સલમાન ખાન અને નવાઝ શેખ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો સ્વીકાર કરતાં આ આદેશ આપ્યો હતો. કોર્ટે ખાન અને શેખ સામે જારી કરેલા સમન્સને પણ રદ કર્યા હતા. અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશને પડકારતા સલમાન ખાને માર્ચ 2022 માં હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ સમન્સ પત્રકાર અશોક પાંડેની ફરિયાદના આધારે જારી કરવામાં આવ્યા હતા, જેમણે આરોપ લગાવ્યો હતો કે સલમાન અને તેમના બોડીગાર્ડે તેમને ધમકી આપી હતી અને હુમલો કર્યો હતો. જે બાદ આજે સલમાન ખાનને બોમ્બે હાઈકોર્ટ દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી હતી.
#BREAKING
— Live Law (@LiveLawIndia) March 30, 2023
Bombay High Court quashes a case against actor SALMAN KHAN & his bodyguard accused of snatching a journalist’s phone and for unruly behaviour while the scribe attempted to take a picture of the actor cycling on a Mumbai-street.@BeingSalmanKhan #SalmanKhan pic.twitter.com/DvRkIE8jaU
ફરિયાદમાં જણાવ્યા અનુસાર સલમાન ખાન અને શેખે એપ્રિલ 2019માં પત્રકાર સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેની પર હુમલો કર્યો હતો. સલમાન ખાન મુંબઈમાં સાઈકલ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન અશોકે તેમના વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું. સલમાનને આ વાત પસંદ ન પડી અને તેઓ ગુસ્સે થઇ ગયા હતા અને પત્રકારોનો ફોન આંચકી લીધો હતો. બીજી તરફ અભિનેતાએ એવો દાવો કર્યો હતો કે પાંડેની ફરિયાદમાં વિરોધાભાસ છે અને તેમણે તેને કશું જ કહ્યું ન હતું. બીજી તરફ, સલમાનના બોડીગાર્ડે પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે આ વ્યક્તિ સલમાન ખાનની પરવાનગી વગર તેનો પીછો કરી રહ્યો હતો. તે તેમનો વીડિયો પણ બનાવી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પત્રકારે સલમાન ખાન વિરુદ્ધ મુંબઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ કલમ 323, 392, 426, 506 અને 34 હેઠળ લૂંટ, હુમલો અને ગુનાહિત ધાકધમકી બદલ ફરિયાદ નોંધાવી હતી. સાથે જ પત્રકારના વકીલે કહ્યું હતું કે સલમાન ખાને તેમના ક્લાયન્ટના મોબાઇલમાંથી તેમનો ડેટા પણ ડિલીટ કરી દીધો હતો.