મુંબઈમાં કોંગ્રેસ નેતા અસલમ શેખના 1000 કરોડના ફિલ્મ સ્ટુડિયો પર બુલડોઝર ફરી વળ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ કાર્યવાહી BMC દ્વારા કરવામાં આવી છે. અસલમ શેખે મડ-માર્વે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આ તોતિંગ બાંધકામ કરાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી રહી ચૂકેલા અસલમ શેખના આ સ્ટુડીયોમાં આદિપુરુષ અને રામસેતુ જેવી બોલીવુડ ફિલ્મોનું શુટિંગ થઈ ચૂક્યું છે.
મીડિયા અહેવાલો મુજબ મુંબઈમાં કોંગ્રેસ નેતા અસલમ શેખના 1000 કરોડના ફિલ્મ સ્ટુડિયો પર બુલડોઝર કાર્યવાહીના આદેશ મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રાલય અને NGT દ્વારા આપવામાં આવ્યા હતા. જે બાદ BMCએ 1000 કરોડના આ ફિલ્મ સ્ટુડિયો પર બુલડોઝર ફેરવી નાંખ્યું હતું. કેટલાક અહેવાલોમાં તેમ જણાવવામાં આવ્યું છે કે NGT દ્વારા અહીં અસ્થાયી સ્ટુડિયો બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ તેની જગ્યાએ લોખંડ અને કોંક્રીટનો સ્થાયી સ્ટુડિયો ઉભો કરી દેવામાં આવ્યો હતો.
#WATCH | BMC action against “illegally built” film studios in Madh area of Mumbai following court orders pic.twitter.com/Orn1k7W1j4
— ANI (@ANI) April 7, 2023
ભાજપના નેતા કિરીટ સોમૈયાની ફરિયાદ બાદ થઈ કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈમાં 49 ગેરકાયદેસર સ્ટુડિયો અને 22 ગેરકાયદેસર બંગલાઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી છે. તેમણે જ મહારાષ્ટ્ર પર્યાવરણ મંત્રાલયમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ બાદ મંત્રાલયને સ્ટુડિયો ગેરકાયદેસર હોવાની ફરિયાદ સાચી જણાતા કાર્યવાહી કરવામાં આવી હતી.
मढ मालाड येथील अनधिकृत स्टुडिओंवर आज सकाळी हतोडा !
— Kirit Somaiya (@KiritSomaiya) April 7, 2023
असलम शेख, आदित्य ठाकरे, ठाकरे सरकारचा आशीर्वादाने 2021 मधे डझन भर अनधिकृत स्टुडिओ बांधण्यात आले
आज पासून तोडण्याचे काम सुरू
मी देखील 11 वाजता visit करणार @BJP4India @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/bkfLmiC4Qv
આ કાર્યવાહી દરમિયાન કિરીટ સોમૈયા કાર્યવાહી સ્થળે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે આ સ્ટુડિયો ઠાકરે સરકારના ‘સ્ટુડિયો માફિયા’નો જ એક ભાગ છે. તેમણે જણાવ્યું કે, “આદિત્ય ઠાકરે પોતે અહીં આવ્યા હતા અને તેમના આશીર્વાદથી આ સ્ટુડિયો બનાવવામાં આવ્યો હતો. BMC કમિશનર ઇકબાલ ચહલને ઘણા સમય પહેલાંથી ગેરકાયદેસર સ્ટુડિયો વિશે ખબર હતી. પરંતુ તેઓએ કાર્યવાહી કરી ન હતી. ત્યારબાદ અમે કોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે BMCને પૂછ્યું કે ગેરકાયદેસર બાંધકામની મંજૂરી કેવી રીતે આપવામાં આવી. મેં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ મામલે તપાસના આદેશ આપવા વિનંતી કરી છે.”
તેમણે ઉમેર્યું કે “ઠાકરે સરકારનું ભ્રષ્ટાચાર સ્મારક આજે ધ્વંસ થયું છે. સરકારી જમીન પર ગેરકાયદે રીતે બાંધવામાં આવેલો આ સ્ટુડિયો પૂર્વમંત્રી આદિત્ય ઠાકરે અને અસલમ શેખના કહેવાથી બનાવવામાં આવ્યો હતો. અમે બે વર્ષથી આ ગેરકાયદેસર બાંધકામ સામે સંઘર્ષ કરી રહ્યા હતા.” નોંધનીય છે કે આ સ્ટુડિયોમાં રામસેતુ અને આદિપુરુષ ફિલ્મનું શુટિંગ કરવામાં આવ્યું હતું.