પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં આવેલી સ્વાત વેલીના એક પોલીસ શસ્ત્રાગારમાં બ્લાસ્ટ થયો છે. આ શસ્ત્રાગાર પોલીસ સ્ટેશનમાં જ હતો અને તે એટલો જબરદસ્ત હતો કે તેમાં 13 વ્યક્તિઓના મોત થયા હોવાની પુષ્ટિ ખુદ પાકિસ્તાન પોલીસ કરી રહી છે.
સોમવાર મોડી સાંજે થયેલા આ બ્લાસ્ટમાં 50 લોકો પણ ઘવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ક્ષેત્રના પોલીસ વડા અખ્તર હયાતે પોતાના નિવેદનમાં કહ્યું છે કે સ્વાત વેલીમાં આવેલી આતંકવાદ વિરોધી પોલીસની ઓફીસમાં આ બ્લાસ્ટ થયો છે. અહીં એ નોંધપાત્ર છે કે 2009માં પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવેલા ઓપરેશન અગાઉ આ સમગ્ર વિસ્તાર વિદ્રોહીઓના કબજામાં હતો.
શસ્ત્રાગારમાં થયેલા વિસ્ફોટની સંખ્યા અનેકગણી હતી અને વિસ્ફોટ થયા બાદ અહીં આગ પણ લાગી હતી. આ પોલીસ સ્ટેશન કબાલ નામનાં નાનકડા નગરમાં આવેલું છે અને તે અફઘાનિસ્તાનની સીમાને અડીને આવેલા ખૈબર પખ્તુન્ખવા રાજ્યમાં છે.
બ્લાસ્ટ થયાની શરૂઆતમાં એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આ એક આતંકવાદી હુમલો છે અને તેને તહરીકે તાલીબાન પાકિસ્તાન દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. અગાઉ પણ વિદ્રોહીઓનું આ જૂથ પાકિસ્તાનમાં ઠેરઠેર હિંસક હુમલાઓ કરી ચુક્યું છે અને તેના લક્ષ્ય પર મુખ્યત્વે પાકિસ્તાન પોલીસ જ હોય છે.
પરંતુ બાદમાં આ મામલો કદાચ વિદ્રોહીઓના હુમલાનો નહીં પરંતુ અકસ્માત અથવાતો શોર્ટ સર્કિટને લીધે પણ હોઈ શકે એવું કહેવામાં આવ્યું હતું. અખ્તર હયાતે પોતાના નિવેદનમાં બાદમાં સુધારો કરીને કહ્યું હતું કે “અત્યારે તો એવું નથી લાગતું કે કોઈ બહારી હુમલાને કારણે આ વિસ્ફોટ થયો હોય. પરંતુ શસ્ત્રાગારમાં શોર્ટ સર્કીટ થઇ હોઈ શકે અને તેને લીધે અહીં સાચવવામાં આવેલા શસ્ત્રો એક પછી એક ફૂટ્યાં હોય અને આગ લાગી હોય એ શક્ય છે. આ વિસ્ફોટ એટલા પ્રચંડ હતા કે સમગ્ર બિલ્ડીંગ તૂટી પડ્યું છે.”
ફક્ત પોલીસ જ નહીં પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ આ વિસ્ફોટ બાબતે પોતાની પ્રતિક્રિયા જણાવવામાં અવઢવમાં રહ્યા હોય એવું દેખાયું હતું. શરીફે બ્લાસ્ટ બાદ કરેલી ટ્વીટમાં લખ્યું હતું કે તેઓ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરે છે. અમારી પોલીસ એ હુમલાખોરો વિરુદ્ધ સુરક્ષાની પ્રથમ પંક્તિ છે અને અમે આ પ્રકારના હુમલાખોરોને છોડીશું નહીં.
Clarification
— Shehbaz Sharif (@CMShehbaz) April 24, 2023
The nature of the blast is being investigated and as soon as the security agencies reach the conclusion, it will be shared with the nation.
પરંતુ આ ટ્વીટ કર્યાના એક કલાક બાદ જ શરીફે બીજી ટ્વીટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી અને સુરક્ષા એજન્સીઓ જ્યારે પણ આ કારણ શોધી આપશે હું તેને આપની સાથે શેર કરીશ.