સરહદ પર ભારત સાથે ઘર્ષણ અને લડાઈ કરી રહેલું ચીન હવે ભારતીય દવાઓ પર નભતું જોવા મળી રહ્યું છે. કારણ કે કોરોનામાં મરી રહેલા ચીની નાગરિકો ભારતીય દવાઓ કાળાબજારમાંથી પણ ખરીદવા તૈયાર છે. હાલત એવી છે કે ચીનમાં પ્રતિબંધિત ભારતીય દવાઓની કાળાબજારી વધી રહી છે. આ તેવી દવાઓ છે જેનું વેચાણ કરવું એ ચીનમાં સજાપાત્ર ગુનો છે. તે છતાં ચીનના લોકો જેનરિક કોરોના વાયરસ દવાઓ બ્લેકમાં ખરીદી રહ્યા છે. કોરોનાની નવી લહેરે ચીનમાં વેચાતા એન્ટિવાયરલ્સની માંગ સામે દવાઓનો પુરવઠો ખૂબ ઓછો છે.
મળતા અહેવાલો અનુસાર, ચીને આ વર્ષે બે કોવિડ-19 એન્ટિવાયરલને મંજૂરી આપી છે – અજવુડિન અને ફાઈઝરની પેક્સલોવિડ. જેમાં અજવુડિન એ ચાઈનીઝ ફાર્માસ્યુટિકલ કંપની જેન્યુઈન બાયોટેકની એચઆઈવી દવા છે. જોકે, આ બંને દવાઓ પણ અમુક હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. તો બીજી તરફ આ દવાઓનો પુરવઠો ઓછો હોવાને કારણે અને તેની ઉપર તેની કિંમત ખૂબ જ ઊંચી છે, તેવામાં ઘણા લોકોને ભારતમાંથી સસ્તી પરંતુ ગેરકાયદેસર રીતે આયાત કરાયેલ જેનેરિક દવાઓ ખરીદવાની ફરજ પડી છે. જેથી ચીનમાં પ્રતિબંધિત ભારતીય દવાઓની કાળાબજારી વધી છે.
ભારતીય દવાઓ લેવા માટે મેસેજ વાયરલ
અહેવાલમાં જણાવાયું છે કે ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો પર “કોવિડ વિરોધી ભારતીય જેનરિક દવાઓ 1,000 યુઆન ($144) પ્રતિ બોક્સમાં વેચાય છે” જેવા ટોપિક ટ્રેન્ડ કરી રહ્યા છે. યુઝર્સ એકબીજાને મેસેજ કરીને પૂછે છે કે તેઓ આ દવા કેવી રીતે મેળવી શકે છે. એવા પણ રિપોર્ટ્સ છે કે ભારતમાંની ચાર પ્રકારની જેનરિક એન્ટી-કોવિડ દવાઓ ચીનના બજારમાં ગેરકાયદેસર રીતે વેચાઈ રહી છે. આમાં પ્રિમોવીર, પેક્સિસ્ટા, મોલનુનાટ અને મોલનાન્ટ્રીસ નામના બ્રાન્ડ હેઠળ વેચાય છે.
ચાઇનીઝ અને ભારતીય દવાઓના ભાવમાં મોટો ફરક
કેટલાક અહેવાલોનું કહેવું છે કે જ્યાં પેક્સલોવિડની કિંમત પ્રતિ બોક્સ 2,980 યુઆન છે, ત્યારે તેની સામે ભારતીય દવાનું એક બોક્સ 530 થી 1,600 યુઆનમાં મળી જાય છે. પ્રિમોવિર અને પેક્સિસ્ટા પેક્સલોવિડના જેનેરિક વર્ઝન છે, જ્યારે મોલનુનેટ અને મોલનાટ્રિસ મર્કના મોલનુપીરાવીરના જેનેરિક વર્ઝન છે.
ભારત કોરોનાથી લડવા સુસજ્જ
આ બાબતે લેન્સેટ કમિશનના સભ્ય ડૉ. સુનિલા ગર્ગે જણાવ્યું હતું કે, “વાયરસ કોઈ સીમાઓ નથી જાણતો. આપણે સાવચેત રહેવું જોઈએ. સરકારે તાત્કાલિક પગલાં શરૂ કર્યા છે. અમને ચીન તરફથી પારદર્શિતાની જરૂર છે, અને રસીકરણ પર ખૂબ જ સાવધ રહી ધ્યાન આપવાની જરૂર છે. ભારતમાં કેટલાક BF.7 ના કેસ સામે આવ્યા છે. આપણે સાવચેત અને સાવધ રહેવું પડશે. મને આશા છે કે કોરોનાની ચોથી વેવ ન આવે.”
આખા ચીનમાં દવાની ગંભીર અછત, હોસ્પિટલોમાં ભીડ, સ્મશાનભૂમિ અને શબઘરની બહાર લાંબી લાઈનોના અનેક વીડિયો વાયરલ થયા છે. જ્યારે ચાઇનીઝ સરકારે તેના ગત સપ્તાહના અહેવાલમાં તેમના દેશમાં માત્ર સાત મોતની માહિતી આપી હતી. 20 ડિસેમ્બરના રોજ આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે માત્ર ન્યુમોનિયા અને શ્વાસ સંબંધી તકલીફોને કારણે થયેલા મૃત્યુને કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુ તરીકે ગણવામાં આવશે.