સંસદના વિશેષ સત્ર દરમિયાન અંતિમ દિવસે ચંદ્રયાન પર ચર્ચા વખતે ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ આપેલ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો અને આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તેમણે BSP સાંસદ દાનિશ અલી માટે આપત્તિજનક શબ્દો વાપર્યા છે. આ બાબતને લઈને ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ સ્પીકરને પત્ર લખીને વાસ્તવિકતા જણાવી હતી. એ પછી હવે વધુ એક સાંસદે દાનિશ અલી વિરુદ્ધ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. પત્ર લખનાર સાંસદ રવિ કિશને કહ્યું છે રમેશ બિધૂડીના શબ્દો યોગ્ય ન હતા જ, પરંતુ દાનિશ અલીનું વર્તન પણ યોગ્ય ન હતું. સાથે તેમણે તેમના ભૂતકાળના પણ અમુક અનુભવો જણાવ્યા.
ભાજપ આઈટી સેલ હેડ અમિત માલવિયાએ સાંસદ રવિ કિશનનો આ પત્ર શૅર કર્યો છે. જેમાં રવિ કિશને જણાવ્યું કે, 21 સપ્ટેમ્બર 2023ના રોજ લોકસભામાં ભારતના ચંદ્રયાન 3 મિશન પર ચર્ચા દરમિયાન કેટલીક અસંસદીય ઘટના બની હતી, જેમાં રમેશ બિધૂડી દ્વારા કુંવર દાનિશ અલી વિરુદ્ધ કેટલાક વાંધાજનક અને અયોગ્ય શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. તેઓ આગળ જણાવે છે કે, આ મામલે હું જણાવવા માંગું છું કે દાનિશ અલી દ્વારા સતત ટોકવાના કારણે અને સંબોધનમાં અડચણો પેદા કરવાના કારણે રમેશ બિધૂડીએ આ શબ્દો વાપર્યા હતા અને તે પણ ઉગ્ર ચર્ચા દરમિયાન બન્યું હતું.”
सांसद निशिकांत दुबे के पत्र के बाद अब श्री रवि किशन ने भी दानिश अली की बदज़बानी और अभद्रता को लेकर लोकसभा अध्यक्ष श्री ओम बिड़ला को पत्र लिखा है। उनके पत्र से यह साबित होता है कि दानिश अली Serial Offender है और हाल ही में संसद में हुई घटना का कारण भी! रवि किशन जी ने यह माँग की है… https://t.co/kXiaDHgMlg pic.twitter.com/oot4X7eYS7
— Amit Malviya (@amitmalviya) September 24, 2023
રવિ કિશને તેમના પત્રમાં વધુમાં કહ્યું કે, રમેશ બિધૂડીના શબ્દો અયોગ્ય અને અસ્વીકાર્ય છે અને લોકશાહીના મંદિરનાં (સંસદનાં) ઉચ્ચ ધોરણો અનુસાર નથી. પરંતુ સાથોસાથ એક સંસદ સભ્યે બીજા સભ્ય માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કેમ કરવો પડ્યો તે બાબતની પણ ઊંડાણપૂર્વકની તપાસ કડવામાં આવે તે જરૂરી છે.
દાનિશ અલીએ ભાજપ સાંસદ પર કરી હતી વ્યક્તિગત ટિપ્પણી
ભાજપ સાંસદે લોકસભા સ્પીકરને જે પત્ર લખ્યો છે તેમાં એ પણ કહેવાયું છે કે, “ભૂતકાળમાં બે વખત તેમણે (દાનિશ અલીએ) ગૃહમાં મારી વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે હું ગૃહમાં મારુ પ્રાઇવેટ સદસ્યતા બિલ એટલે કે વસ્તી નિયંત્રણ બિલ, 2019 રજૂ કરી રહ્યો હતો ત્યારે દાનિશ અલીએ મને રોકવાનો પ્રયાસ કર્યો હતો.” રવિ કિશન અનુસાર, જનસંખ્યા નિયંત્રણ બિલ રજૂ કરી રહેલા રવિ કિશનને અટકાવતાં દાનિશ અલીએ કહ્યું હતું કે, બિલ પણ એ સભ્ય રજૂ કરી રહ્યા છે જેમનાં પોતાનાં ચાર સંતાનો છે. ભાજપ સાંસદનું કહેવું છે કે આ વર્તન અસ્વીકાર્ય છે અને લોકસભા સ્પીકરના કાર્યાલય દ્વારા તેની યોગ્ય તપાસ થવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે, દાનિશ અલી વિરુદ્ધ રમેશ બિધૂડી દ્વારા વાપરવામાં આવેલા શબ્દો અસ્વીકાર્ય છે પરંતુ જે રીતે પોલિટિકલ એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે અને મીડિયાનું ધ્યાન ખેંચવામાં આવી રહ્યું છે, તે આપત્તિજનક છે. તેમણે પત્રમાં સ્પીકરને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં શનિવારે (23 સપ્ટેમ્બર, 2023) ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભા સ્પીકરને પત્ર લખીને જણાવ્યું હતું કે દાનિશ અલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે ભાજપ સાંસદ બિધૂડીએ પિત્તો ગુમાવ્યો હતો. તેમણે કહ્યું કે, દાનિશ અલી સતત તેમને ટોકતા રહેતા હતા અને ત્યારબાદ પીએમ મોદી માટે ‘નીચે કો નીચ નહીં કહેંગે તો ક્યા કહેંગે’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે પણ કહ્યું હતું કે, રમેશ બિધૂડીના શબ્દોનો બચાવ ન થઈ શકે પરંતુ બીજી બાજુની તપાસ પણ એટલી જ જરૂરી છે.