23 નવેમ્બરના રોજ ભારતના ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો જાહેર કર્યાં. જેમાં ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) નવ વિધાનસભા બેઠકો પણ સામેલ છે. યુપીની પેટાચૂંટણીમાં (By-Election Results) મુરાદાબાદની કુંદરકી વિધાનસભા બેઠક (Kundarki Assembly Seat) ભારે ચર્ચાનો વિષય રહી છે. મુસ્લિમ બાહુલ્ય કુંદરકીમાં 11 મુસ્લિમ ઉમેદવારો (11 Muslim candidates) સામે એકમાત્ર ભાજપના હિંદુ ઉમેદવારે (Hindu candidate) ભવ્ય જીત નોંધાવી છે. એટલું જ નહીં, પરંતુ આ વિધાનસભા બેઠકના સમાજવાદી પાર્ટી સહિતના અન્ય ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે.
મહત્વની વાત તો તે છે કે, મુરાદાબાદની કુંદરકી વિધાનસભા બેઠક પર 60% વસ્તી મુસ્લિમ સમુદાયની છે. ભાજપે 31 વર્ષના લાંબા સમય બાદ આ બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો છે. કુંદરકીમાં ભાજપના ઉમેદવાર રામવીર સિંઘ ઠાકુરે કુલ 2.22 લાખ મતોમાંથી 1.7 લાખથી વધુ મત મેળવીને મોટા અંતરથી જીત નોંધાવી છે. તેમની સામે વિવિધ પાર્ટીના 11 મુસ્લિમ ઉમેદવારો હતા. તેમ છતાં તેમણે કુંદરકી વિધાનસભા બેઠક ભાજપના ખાતે કરી છે.
11 મુસ્લિમ ઉમેદવાર, માત્ર ભાજપે ઉતાર્યા હિંદુ ઉમેદવાર
કુંદરકી પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હાજી મોહમ્મદ રિઝવાન સૌથી મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા. તે સિવાય બસપાએ આ બેઠક પરથી રફ્તુલ્લાહ જાનને મેદાને ઉતાર્યા હતા અને AIMIMએ હાફિઝ વારીસ અને આઝાદ સમાજ પાર્ટીએ ચાંદ બાબુને ઉતાર્યા હતા. આ બેઠક પર 11 મુસ્લિમ ઉમેદવારોની વચ્ચે માત્ર ભાજપે જ હિંદુ ઉમેદવાર રામવીર સિંઘ ઠાકુરને મેદાને ઉતાર્યા હતા અને પરિણામ આજે લોકોની સામે છે.
મહત્વની વાત તો તે છે કે, વિધાનસભાની પેટાચૂંટણીમાં રામવીર સિંઘ ઠાકુરે મુસ્લિમ સમુદાયના 11 ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડીને કુંદરકી બેઠક પર 1,70,371 મતો સાથે ચૂંટણી જીતી છે. જેમાં 98માંથી 68 પોસ્ટલ બેલેટ પણ સામેલ છે. તેનાથી જાણી શકાય છે કે, તેઓ સરકારી કર્મચારીઓ સહિત વિસ્તારના દરેક લોકો વચ્ચે એક લોકપ્રિય ચેહરો હતા. જ્યારે, સપા ઉમેદવાર મોહમ્મદ રિઝવાનને માત્ર 25,580 મત મળ્યા, તેઓ રામવીર ઠાકુર સામે 1,44,791 વોટથી હાર્યા છે. AIMIM અને આઝાદ સમાજ પાર્ટીના ઉમેદવારોને ક્રમશઃ 8,111 અને 14,194 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ.
ઉત્તર પ્રદેશમાં કુલ 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 6 પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. સમાજવાદી પાર્ટીની બે બેઠકો પર, જ્યારે એક પર RLDની જીત થઈ હતી.