મુંબઈની 6 બેઠકો પર આગામી 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન યોજાનાર છે. દરમ્યાન, ભાજપે મુંબઈની ઉત્તર મધ્ય બેઠક પર દેશના જાણીતા સરકારી વકીલો પૈકીના એક ઉજ્જવલ નિકમને લોકસભા ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. આ એ જ ઉજ્જવલ નિકમ છે જેમણે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસીના માંચડા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેઓ કસાબ સામેના કેસમાં સરકારી વકીલ હતા. આ બેઠક પર ભાજપે ગત લોકસભા ચૂંટણીમાં પૂનમ મહાજનને મેદાને ઉતાર્યાં હતાં. તેમના સ્થાને હવે ઉજ્જવલ નિકમને ટિકીટ આપવામાં આવી છે.
BJPએ શનિવારે (27 એપ્રિલ, 2024) લોકસભા ઉમેદવારોની 15મી યાદી જાહેર કરી. આ યાદીમાં માત્ર ઉજ્જવલ નિકમનું જ નામ હતું. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈની ઉત્તર મધ્ય લોકસભા બેઠક પર છેલ્લા ઘણા સમયથી તેમનું નામ ચર્ચાઈ રહ્યું હતું. તેમના નામની જાહેરાત થતાંની સાથે જ અટકળોનો અંત આવ્યો છે. મુંબઈની ઉત્તર મધ્ય લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર વર્ષા ગાયકવાડ અને ઉજ્જવલ નિકમ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.
#LokSabhaElections2024 | BJP fields Special Public Prosecutor during 26/11 Mumbai Terror attack case, Ujjwal Nikam as its candidate from Mumbai North Central.
— ANI (@ANI) April 27, 2024
BJP's Poonam Mahajan is the sitting MP from the constituency. pic.twitter.com/0FbzDxDpQ6
કોણ છે ઉજ્જવલ નિકમ?
ભારતીય જનતા પાર્ટીએ જે ઉજ્જવલ નિકમને પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા છે, તેઓ વ્યવસાયે વકીલ છે. વકીલાતની દુનિયામાં તેમનું ખૂબ મોટું નામ હોવાનું કહેવામાં આવે છે. તેમણે દેશના અનેક મહત્વપૂર્ણ કેસો પર કામ કર્યું છે. અનેક આરોપીઓ અને આતંકવાદીઓને તેઓ સજા અપાવી ચૂક્યા છે. તેમની ઉપલબ્ધિઓ વિશે વાત કરીએ તો વર્ષ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટ અને 2008માં થયેલા 26/11 મુંબઈ હુમલામાં આતંકવાદીઓને સજા અપાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ સિવાય પણ અનેક હાઈપ્રોફાઈલ કેસમાં તેઓ સક્રિય ભૂમિકા નિભાવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ઉત્તર મધ્ય મુંબઈની લોકસભા બેઠક પર ભાજપે પૂનમ મહાજનને ચૂંટણી લડાવી હતી. તે સમયે કોંગ્રેસે સંજય દત્તનાં બહેન પ્રિયા દત્તને મેદાને ઉતાર્યાં હતાં. તે ચૂંટણીમાં પૂનમ 486672 મત મેળવીને વિજેતા બન્યાં હતાં. આ લોકસભામાં ભાજપે ઉજ્જવલને ઉમેદવાર ઘોષિત કર્યા છે. નોંધનીય છે કે પૂનમ મહાજનના પિતાની હત્યા થઇ તે કેસમાં તેમના તરફે વકીલ ઉજ્જવલ જ હતા. તેમણે જ પ્રમોદ મહાજન હત્યા કેસમાં સરકાર તરફે વકીલાત કરી હતી.