એક મોટા ફેરફારમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ કેટલાક રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ અને આવતા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા ચાર રાજ્યો માટે નવા પક્ષ પ્રમુખોની જાહેરાત કરી છે. સાથે જ અન્ય ઘણા રાજ્યોના પક્ષ પ્રમુખોની જેમ ગુજરાતના સીઆર પાટીલને યથાવત રખાયા છે.
અહેવાલો અનુસાર જી કિશન રેડ્ડીને તેલંગાણાના બીજેપી અધ્યક્ષ તરીકે, ડી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે, ભૂતપૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડના નવા પ્રદેશ અધ્યક્ષ અને સુનીલ જાખડને પંજાબના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, જાખડ અગાઉ પંજાબમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.
G Kishan Reddy has been appointed as BJP state president of Telangana, D Purandeshwari appointed as the state president of Andhra Pradesh BJP, former CM Babulal Marandi becomes the state president of Jharkhand, Sunil Jakhar – the party's state president of Punjab. pic.twitter.com/j4QSxZbFim
— ANI (@ANI) July 4, 2023
નવા પ્રદેશ પ્રમુખો
- ઝારખંડ : બાબુલાલ મરાંડી
- પંજાબ : સુનીલ જાખડ
- તેલંગાણા : જી કિશન રેડ્ડી
- આંધ્ર પ્રદેશ : ડી પુરંદેશ્વરી
ભાજપે તેલંગાણામાં ચૂંટણી પ્રબંધન સમિતિના અધ્યક્ષ તરીકે ઈટાલા રાજેન્દ્રની નિમણૂકની પણ જાહેરાત કરી હતી. નોંધનીય છે કે તેલંગાણામાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મહાસચિવ (સંગઠન) બી એલ સંતોષની અધ્યક્ષતામાં થયેલી બેઠકો વચ્ચે પાર્ટીમાં સંગઠનાત્મક ફેરબદલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, જે બાદ આ નિર્ણય સામે આવ્યો છે.
ગુજરાત ભાજપ પાટીલની આગેવાનીમાં જ લોકસભા ચૂંટણી લડશે
આ પહેલા ચર્ચા ચાલી રહી હતી કે ભાજપનું કેન્દ્રીય મંડળ દેશના 5 રાજ્યોના પક્ષ પ્રમુખોને બદલી શકે છે. તેવામાં એવી અટકળો પણ વહેતી થઇ હતી કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના સ્થાને કોઈ નવો ચહેરો આવી શકે છે.
પરંતુ 4 રાજ્યોના પક્ષ પ્રમુખોના નામની જાહેરાત થતા જ એવું માની શકાય છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વે ગુજરાતને ચલાવવાની જવાબદારી અને વિશ્વાસ સીઆર પાટીલ પર જ રાખ્યો છે. માટે હવે 2024માં આવનાર દેશની લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપ સીઆર પાટીલની આગેવાનીમાં જ લડશે.