Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણઆ રવિવાર રહ્યો ભાજપ અને કોંગ્રેસ માટે નાટ્યાત્મક રીતે વ્યસ્ત: બહાર આવી...

    આ રવિવાર રહ્યો ભાજપ અને કોંગ્રેસ માટે નાટ્યાત્મક રીતે વ્યસ્ત: બહાર આવી યાદીઓ, કહી ખુશી કહી ગમ તો ક્યાંક રાજીનામાં

    બંને પક્ષોએ પ્રથમ તબક્કાની બેઠકો માટે બાકી રહેલા ઉમેદવારોની અંતિમ યાદીઓ બહાર પાડી હતી. જે બાદ ભાજપ અને કોંગ્રેસમાં ઘણા નેતાઓ નારાજ થયા હતા. કેટલાયે રાજીનામુ આપ્યું હતું તો ઘણાએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

    - Advertisement -

    રવિવાર (13 નવેમ્બેર)નો દિવસ ગુજરાતની બંને મુખ્ય રાજકીય પાર્ટીઓ માટે ખુબ વ્યસ્ત રહ્યો હતો. આખા દિવસમાં ભાજપ અને કોંગ્રેસમાં ઘણા નાટ્યાત્મક ઘટનાક્રમો સામે આવ્યા હતા. નોંધપાત્ર હકીકત એ છે કે આજે એટલે કે સોમવાર (14 નવેમ્બર)ના દિવસે પ્રથમ તબક્કાના ઉમેદવારો માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

    બંને પક્ષોએ પ્રથમ તબક્કાની બેઠકો માટે બાકી રહેલા ઉમેદવારોની અંતિમ યાદીઓ બહાર પાડી હતી. જે બાદ ભાજપ અને કોંગ્રેસમાં ઘણા નેતાઓ નારાજ થયા હતા. કેટલાયે રાજીનામુ આપ્યું હતું તો ઘણાએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

    કોંગ્રેસે બે યાદી બહાર પાડી 39 ઉમેદવારો જાહેર કર્યા

    કોંગ્રેસે રવિવારે પોતાના ઉમેદવારોની બે યાદીઓ બહાર પાડી હતી. તેને પહેલા 6 ઉમેદવારોની યાદી બહાર પાડી અને બાદમાં 33 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. આમ રવિવારે કોંગ્રેસે 39 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા.

    - Advertisement -

    આ યાદી અંતર્ગત થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયેલા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વડગામથી ટિકિટ અપાઈ હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાને અંકલાવથી ટિકિટ અપાઈ હતી.

    ક્યાંક મનામણાં તો ક્યાંક રિસામણાં

    કોંગ્રેસે રવિવારે એ પહેલા થયેલ વિરોધને ડામવાનો પ્રયત્ન પણ કર્યો હતો. નોંધનીય છે કે આગલી યાદીમાં બોટાદ બેઠક પર રમેશ મેરને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જે બાદ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ નારાજ થયેલા જોવા મળ્યા હતા. તેમણે પોતાના સમર્થકો સાથે અશોક ગહેલોતની મુલાકાત કરીને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો તેમને ઉમેદવારી નહિ મળે તો તેઓ કોંગ્રેસની વિરોધમાં ઉતરશે. આખરે તેમનું અલ્ટીમેટમ કામ કરી ગયું અને કોંગ્રેસે નવી યાદીમાં બોટાદથી રમેશ મેરને હટાવીને મનહર પટેલને ટિકિટ આપી હતી.

    પરંતુ બધી જગ્યાએ આ પ્રકારે મનામણાં નહોતા થઇ શક્યા. કોડીનારના કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય મોહનભાઇ વાળા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ ધીરસિંહ બારડ કોડીનાર સીટ પર ટિકિટ વિતરણથી નારાજ જોવા મળ્યા હતા. પરંતુ કોંગ્રેસ તેમને અંત સુધી મનાવી નહોતી શકી અને છેવટે બંનેએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દીધા હતા.

    ભાજપના વઢવાણના ઉમેદવાર બદલાયા, મધુ શ્રીવાસ્તવે પાર્ટી છોડી

    એકબાજુ કોંગ્રેસમાં ટિકિટ માંગવા માટે પડાપડી થઇ રહી હતી અને ટિકિટ ન મળવા પર વિરોધ અને રાજીનામા પડી રહ્યા હતા. તે જ સમયે ભાજપના એક ઉમેદવારે તેમની ટિકિટ પાછી લઇ લેવાની વિનંતી કરી હતી. વાત છે વઢવાણ વિધાનસભા સીટની. અહીં ભાજપે જીગ્ના પંડ્યાને પોતાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. પરંતુ રવિવારે પંડ્યાએ ગાંધીનગર કમલમ ખાતે આવીને પોતાની ટિકિટ પાછી લઈને અન્ય કોઈને આપવાની વિનંતી કરી હતી. જે બાદ ભાજપ દ્વારા વઢવાણ બેઠક પર જગદીશ મકવાણાને ઉમેદવારી સોંપી હતી.

    પણ ભાજપમાં પણ રવિવારે બધું ઠીક નહોતું રહ્યું. ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી એમાં વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ચાલુ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના સ્થાને અશ્વિનભાઈ પટેલને ઉમેદવારી અપાઈ હતી જેના કારણે નારાજ થયેલા મધુ શ્રીવાસ્તવે અંતે ભાજપમાંથી રાજીનામુ આપી દીધું હતું.

    મધુ શ્રીવાસ્તવ આ જ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે. શક્યતા એ પણ છે કે તેઓ શિવસેનાના ઉમેદવાર તરીકે પણ અહીંથી ચૂંટણી લડી શકે છે.

    આમ રવિવાર (13 નવેમ્બર)નો દિવસ ગુજરાતનાં રાજકારણના પરિપ્રેક્ષમાં ખુબ વ્યસ્ત અને નાટ્યાત્મક રહ્યો હતો. નોંધનીય છે કે આજે એટલે કે સોમવારે (14 નવેમ્બર) પહેલા ચરણની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે આથી રિસામણાં-મનામણાં માટે ઓછો સમય બચ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં