અગામી વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ કફોડી બની ગઈ છે, ક્યાંક કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે તો ક્યાંક મોટા નેતાઓ કોંગ્રેસને ત્યજી રહ્યા છે, તેવામાં બનાસકાંઠાના પાલનપુરમાં તો જનતાએ જ કોંગ્રેસને નકારી દીધી છે. પાલનપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય સામે જનઆક્રોશ એ હદે વધ્યો છે કે સ્થાનિક મતદાતાઓએ બેનરો લગાવીને કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટરો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
અહેવાલો અનુસાર પાલનપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે, જેને લઈને મત માગવા ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલને વિલા મોઢે પરત ફરવાની નોબત આવી હતી. પાલનપુરના જનતા નગરમાં લોકોએ મહેશ પટેલ અને કોર્પોરેટરના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આખા વિસ્તારના મતદારોએ બેનર લગાવીને કોંગ્રેસનો વિરોધ કર્યો હતો. આ બેનરોમાં લખેલું છે કે, “મહેશ પટેલ અને તેમના સાથી કોર્પોરેટરે મત માગવા માટે આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં. પોતાના અપમાનના જવાબદાર તમે જ રહેશો.” આ દરમિયાન લોકોનું કહેવું છે કે ચૂંટાઈ આવ્યાના પાંચ વર્ષ બાદ પણ તેમના વિસ્તારમાં કોઈ વિકાસ કાર્યો થયાં નથી.
જનતાનગરના લોકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત
અહેવાલોમાં જણાવ્યાં અનુસાર પાલનપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય સામે જનઆક્રોશ ફાટી નીકળવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ધારાસભ્ય મહેશ પટેલ ચૂંટાઈ આવ્યા પછી પણ તેમને રોડ-રસ્તા, પાણી, અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી નથી પાડી શક્યા. જાણવા મળ્યા મુજબ ધારાસભ્યના શાસનમાં કોઈ જ વિકાસના કામો થયા નથી, આ વિસ્તારના લોકો પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત છે. ત્યારે ફરી કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર મહેશ પટેલને ટિકિટ આપી દેતા તેઓ અગામી સમયમાં પણ કોઈ વિકાસ કાર્ય કરે તેવો ભરોસો તેઓને નથી.