નિર્ધારિત ધોરણ કરતાં વધુ વજન હોવાના કારણે ઓલમ્પિક ફાઇનલમાં ભાગ લેવામાં અયોગ્ય જાહેર થયેલાં ભારતીય પહેલવાન વિનેશ ફોગાટનું શનિવારે (17 ઑગસ્ટ, 2024) નવી દિલ્હી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જંતર-મંતરના ‘પહેલવાન આંદોલન’માં જોવા મળેલા સાક્ષી મલિક અને બજરંગ પુનિયા પણ ત્યાં હાજર હતા. રોહતકથી ચોથી વખત સાંસદ બનેલા કોંગ્રેસ નેતા દીપેન્દ્ર સિંઘ હુડ્ડા પણ આ દરમિયાન કારમાં હાજર હતા. તેમણે કાર પર ઊભા રહીને રેલી પણ કાઢી હતી. તે કારના બોનેટ પર તિરંગાનું ચિહ્ન પણ હતું.
આ દરમિયાન બજરંગ પુનિયાના વ્યવહારથી લોકોએ તેમની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર ફરી રહેલા ફોટો અને વિડીયોમાં એવું જોવા મળ્યું હતું કે, રેલી દરમિયાન બજરંગ પુનિયા કારના બોનેટ પર ઊભા હતા. તેઓ જ્યાં ઊભા હતા, ત્યાં નીચે રાષ્ટ્રધ્વજ તિરંગાનું નિશાન બનેલું હતું. કારના બોનેટ પર જ્યાં તિરંગાનું નિશાન હતું, તેના પર જ બજરંગ પુનિયા જૂતાં પેરીને ઊભા હતા. ભીડ વચ્ચે કાર એરપોર્ટની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી. દરમિયાનના ફૂટેજ સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા.
Hey @BajrangPunia, you should be ashamed for standing over Our National Pride; Tiranga….
— Mr Sinha (@MrSinha_) August 17, 2024
You'll get Congress ticket anyways, no need to do this to impress the Italian family. pic.twitter.com/puQkoerl4G
આશ્ચર્યની વાત તે છે કે, આ દરમિયાન ત્યાં ઉભેલા કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા, સાક્ષી મલિક અથવા તો વિનેશ ફોગાટે પણ તેમને રોકવાનો પ્રયાસ ન કર્યો. આ દરમિયાન સતત નારાબાજી પણ થઈ રહી હતી. મીડિયાના લોકો પણ સતત હોબાળો કરી રહ્યા હતા. અંતે બજરંગ પુનિયાએ મીડિયાકર્મીઓ પાસેથી માઇક લઈને વિનેશ ફોગાટની સામે રાખી દીધા હતા. બીજી તરફ બજરંગ પુનિયાના સમર્થકો તેમનો બચાવ કરી રહ્યા છે અને તેને અજાણતા થયેલી ભૂલ ગણાવી રહ્યા છે. પરંતુ, તેમ છતાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, રાષ્ટ્રધ્વજ બોનેટ પર લગાવ્યો જ કેમ?
ઉપરાંત વિનેશ ફોગાટે નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, “અમારી લડાઈ હજુ સુધી ખતમ નથી થઈ.” તે સિવાય હરિયાણાના બલાલી ગામમાં પણ તેમના સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. વિનેશ ફોગાટે તે દરમિયાન કહ્યું હતું કે, આંદોલન સમયની તે પોતાની તસવીર જુએ છે, તો તેને ખૂબ દુઃખ થાય છે. જ્યારે તેમના કોચ વૉલર એકૉસે કહ્યું કે, તેમને લાગતું હતું કે, વજન ઓછું કરવાના ચક્કરમાં વિનેશ ફોગાટનું મોત પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટનું વજન માત્ર 100 ગ્રામ વધુ હતું, જેના કારણે તેમને ફાઇનલ ગેમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.