વટવામાં બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર શરુ થઈ ચુક્યો છે. મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો અચાનક ગોઠવાયેલા હિંમતનગરના પ્રવાસના કારણે 7 વાગ્યે શરુ થવાવાળો દિવ્ય દરબાર 8 વાગ્યે શરુ થયો હતો. ત્યારે દરબાર જ્યાં યોજાયો છે તે વટવાના શ્રીરામ મેદાનમાં બપોરથી જ જનમેદની ઉમટી પડી છે. વરસાદને કારણે બાબાનો અમદાવાદમાં ઓગણજ ખાતેનો કાર્યક્રમ કરાયો અને અમદાવાદમાં વટવા ખાતે દરબાર યોજવાનું નક્કી કર્યું હતુ. મીડિયા રિપોર્ટ અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે હિંમતનગર એક ફેક્ટરીના ઉદ્ધાટન માટે ગયા હતા. જ્યાંથી પરત આવતા મોડું થતા દરબાર મોડો શરૂ થયો હતો.
અહેવાલો અનુસાર વટવામાં બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર શરુ થયો ત્યારથી માંડીને અત્યાર સુધી શ્રીરામ મેદાનમાં જનમેદની ઉમટી પડી છે. સામાન્ય નગરજનો સાથે જ ભાજપના અનેક મોટા નેતાઓએ દરબારમાં હાજરી આપી હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી અને વટવા વિધાનસભાના જ પૂર્વ ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, વટવાના હાલના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ, ઠક્કરબાપા નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા હાજર થયા હતા. ઉપરાંત કરણી સેનાના કેટલાક સભ્યો પણ દિવ્ય દરબારમાં આવ્યા હતા.
બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારની શરૂઆત પહેલા જ પોતાના નાનકડા પ્રવચનમાં કહ્યું કે, “હું કોઇ ઇશ્વર, ભગવાન કે સંત નથી. હું હિંદુઓને જગાડવા આવ્યો છું, હિંદુ ધર્મના લોકોએ અન્ય જગ્યાએ જવાની કોઇ જ જરૂર નથી. ભારતમાં હવે તાંત્રિકોની દુકાન બંધ થવી જોઇએ, ભારતમાં રહેવું હશે તો સીતારામ રહેવું પડશે.” આ સાથે જ પોતાના વક્તવ્યમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિલ્હીમાં થયેલા સાક્ષી હત્યાકાંડની નિંદા પણ કરી હતી.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના પ્રવચનમાં આગળ જણાવ્યું હતું કે તેઓ માન-સમ્માન મેળવવા નથી આવ્યા, પરંતુ તેઓ દરેક ભારતીયોના હ્રદયમાં હનુમાન વસાવવા આવ્યા છે. હવે હિંદુ માત્ર જાગી જ નથી રહ્યો, પરંતુ તે ભાગી પણ નથી રહ્યો.
નોંધનીય છે કે રાજકોટ ખાતે પણ બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.