દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી અને કાલકાજી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર આતિશી માર્લેનાએ (Atishi) ક્રાઉડ ફન્ડિંગ કેમ્પેઈન (Crowd Funding) લૉન્ચ કર્યું છે. તેમણે મતદારો અને દેશના અન્ય લોકો સમક્ષ તેમને દાન આપવા માટેની અપીલ કરી અને કહ્યું કે ચૂંટણી લડવા માટે તેમને 40 લાખ રૂપિયાની જરૂર છે, જે આ દાનમાંથી જ મેળવશે અને ચૂંટણી લડશે.
આ અપીલ કરતાં આતિશી એવો પણ દાવો કરે છે કે બીજી પાર્ટીઓ મોટા-મોટા ઉદ્યોગપતિઓ પાસેથી દાન મેળવે છે અને સરકાર બની ગયા બાદ તેમના માટે જ કામ કરતી રહે છે. પરંતુ આમ આદમી પાર્ટી એવી નથી. 2013, 2015, 2020માં પણ પાર્ટી જનતાના દાનના જોરે જ ચૂંટણી લડી હોવાનો દાવો પણ તેઓ કરે છે.
#WATCH | Delhi CM & AAP leader Atishi begins her crowdfunding campaign for #DelhiElection2025
— ANI (@ANI) January 12, 2025
She says, "…People donated money to support AAP's honest politics. We don't take money from big businessmen for elections. AAP government works for the common people. For my election… pic.twitter.com/DEM9keTGeT
આતિશીએ દાન ઉઘરાવવા માટે એક પોર્ટલ પણ લૉન્ચ કર્યું છે અને લોકોને કહ્યું કે, તેઓ તેના માધ્યમથી દાન આપી શકશે. તેમણે ‘ઈમાનદાર રાજકારણ’ને સમર્થન આપવા માટે દાન આપવા લોકોને અપીલ કરી.
હવે અહીં આતિશીનો દાવો છે કે તેમની પાર્ટી ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લેતી નથી. પણ હકીકત એ છે કે આમ આદમી પાર્ટી ભારતના ઇતિહાસની એકમાત્ર એવી પાર્ટી છે, જે ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બની છે. ભૂતકાળમાં અનેક પાર્ટીના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને તેઓ જેલમાં પણ ગયા છે. પણ કોઈ પાર્ટીને આરોપી બનાવવામાં આવી હોય તેવો એકમાત્ર કિસ્સો આમ આદમી પાર્ટી સાથે બન્યો છે.
દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં AAP પણ આરોપી
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં આરોપીઓની યાદીમાં એક નામ AAPનું પણ છે. ED પાર્ટી સામે ચાર્જશીટ પણ દાખલ કરી ચૂકી છે. આરોપ છે કે એક્સાઈઝ પોલિસી બનાવીને ખાનગી ધંધાદારીઓને લાભ પહોંચાડવા માટે AAP સરકારે ઘાલમેલ કરી હતી. જેના માટે દક્ષિણ ભારતના એક ઉદ્યોગપતિઓના જૂથ પાસેથી ₹100 કરોડની લાંચ લેવામાં આવી હતી. આ જૂથને કેસમાં ‘સાઉથ ગ્રુપ’ કહેવામાં આવ્યું છે.
કેજરીવાલ અને તેમની ગેંગ પર આરોપ છે કે તેમણે સાઉથ ગ્રૂપ પાસેથી 100 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી અને તેમાંથી અમુક રકમ ગોવામાં વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે પણ વાપરવામાં આવી હતી.
તાજેતરમાં જ એક્સાઈઝ પોલિસી પર CAGના રિપોર્ટની વિગતો સામે આવી, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ પોલિસીના કારણે દિલ્હી સરકારને ₹2000 કરોડનું નુકસાન થયું છે. ઉપરાંત, નીતિના અમલીકરણમાં શું ગોટાળો કરવામાં આવ્યો હતો તે પણ વિગતવાર જણાવવામાં આવ્યું.
તેમ છતાં મજાની વાત એ છે કે પાર્ટીના નેતા અને એક મુખ્યમંત્રી કેમેરાની સામે આવીને કોઈ પણ ચિંતા કર્યા વગર બોલી શકે છે કે અમે ઈમાનદાર રાજકારણ કરીએ છીએ!