આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PS બિભવ કુમાર પર લગાવેલા મારપીટના આરોપો મામલે હવે પાર્ટીએ તેમની ઉપર જ દોષનો ટોપલો ઢોળી દીધો છે. શુક્રવારે (17 મે) AAP નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે સ્વાતિ માલીવાલ પર પરવાનગી વગર કેજરીવાલના ઘરમાં ઘૂસવાના અને બિભવ કુમાર વગેરે સાથે ઊંચા અવાજે વાત કરીને ગેરવર્તન કરવાના આરોપ લગાવ્યા. બીજી તરફ, દર વખતની જેમ આ આખા મામલામાં ભારતીય જનતા પાર્ટીને ઘસડી લાવીને આ કેજરીવાલને બદનામ કરવા માટે BJPનું ષડ્યંત્ર હોવાનું પણ કહી દીધું.
આતિશીએ કહ્યું કે, “જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. જેના કારણે ભાજપે એક ષડ્યંત્ર રચ્યું અને આ ષડ્યંત્ર હેઠળ સ્વાતિ માલીવાલને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે 13 મેની સવારે મોકલવામાં આવ્યાં. આ ષડયંત્ર પાછળનો ઇરાદો હતો કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવા. સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનું મહોરું હતાં.”
તેમણે ત્યારબાદ સ્વાતિ માલીવાલ પર એપોઈન્ટમેન્ટ વગર મુખ્યમંત્રીના નિવાસસ્થાને જવાનો આરોપ લગાવી દીધો. આતિશીએ કહ્યું, “સ્વાતિ માલીવાલ 13 મેના રોજ અપોઈન્ટમેન્ટ લીધા વગર મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યાં. તેમનો ઇરાદો હતો કે મુખ્યમંત્રી પર આરોપ લગાવવામાં આવે. પરંતુ મુખ્યમંત્રી ત્યારે ઉપલબ્ધ ન હતા. તેથી તેઓ બચી ગયા.”
સ્વાતિએ ફરિયાદમાં કેજરીવાલના PS પર નિર્દયતાથી માર મારવાના આરોપ લગાવ્યા છે, પરંતુ આતિશીએ તેમની ઉપર જ દોષનો ટોપલો ઢોળ્યો અને એક નાનકડા વિડીયોને ટાંકીને કહી દીધું કે તેનાથી સ્વાતિનાં જુઠ્ઠાણાં દેશ સામે આવી ગયાં છે. સાથે સ્વાતિ માલીવાલે પોલીસને આપેલી ફરિયાદમાં લગાવેલા આરોપોને લઈને કહ્યું કે, આજે સામે આવેલો વિડીયો વિપરીત વાસ્તવિકતા દર્શાવે છે અને જેમાં જોવા મળે છે કે સ્વાતિ માલીવાલ સુરક્ષાકર્મીઓ અને બિભવ કુમારને ધમકાવે છે અને અપશબ્દોનો ઉપયોગ કરે છે.
માલીવાલ પર પોલીસ અને બિભવ કુમારને ધમકાવવાનો આરોપ લગાવીને આતિશીએ કહ્યું કે, તેમણે ક્યાંય નહતું કહ્યું કે કોઈએ તેમની સાથે મારપીટ કરી છે કે હુમલો કર્યો છે. અંતે વિડીયોનો જ આધાર લઈને કહી દીધું કે તેનાથી સ્પષ્ટ થાય છે કે સ્વાતિ માલીવાલે લગાવેલા આરોપો તદ્દન નિરાધાર અને ખોટા છે.
આતિશીએ દાવો કર્યો કે, બિભવ કુમારે પણ દિલ્હી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે અને 13 મેના રોજ શું બન્યું હતું તે જણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યા કે સ્વાતિ માલીવાલ કોઇ પણ પ્રકારની પરવાનગી વગર મુખ્યમંત્રી આવાસ ખાતે પહોંચી ગયાં હતાં અને ત્યાં જઈને મુખ્યમંત્રીને મળવાની જીદ કરી હતી. સાથે એમ પણ પૂછ્યું કે શું સ્વાતિ માલીવાલને ખબર નથી કે મુખ્યમંત્રીના ઘણા વ્યસ્ત કાર્યક્રમો હોય છે અને દર વખતે ઉપલબ્ધ નહીં હોય. તો શું કારણ હતું કે તેઓ કારણ વગર ઘૂસી ગયાં અને મુખ્યમંત્રીને મળવાની માંગ કરી.
આતિશીએ સ્વાતિ માલીવાલ પર જ બિભવ કુમાર સાથે ‘ઊંચા અવાજે’ વાત કરવાના આરોપ લગાવી દીધા
સ્વાતિ માલીવાલે ફરિયાદમાં બિભવ કુમાર પર પોતાની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ આતિશી અનુસાર, સ્વાતિએ બિભવ સાથે ‘ઉંચા અવાજે’ વાત કરી હતી. આગળ દાવો કર્યો કે સ્વાતિએ ઘરની અંદર જવાના પ્રયાસ કર્યા ત્યારે બિભવે તેમને અટકાવ્યાં તો તેમને તેમણે ધક્કો માર્યો હતો! ત્યાંથી બિભવ કુમારે સુરક્ષાકર્મીઓને બોલાવ્યા હતા. ટૂંકમાં, આતિશીનું કહેવું છે કે સીએમ આવાસમાં સ્વાતિ માલીવાલ સાથે કોઇ મારપીટની ઘટના ન બની અને બિભવ કુમારે સ્વાતિ સાથે કોઇ દુર્વ્યવહાર નથી કર્યો.
આ સમગ્ર ઘટનામાં ભારતીય જનતા પાર્ટી આમ તો ક્યાંય આવતી નથી, પરંતુ તેમ છતાં દર વખતની કુટેવની જેમ આ વખતે પણ આતિશીએ ભાજપનું નામ લઈને કહ્યું કે આ કેજરીવાલને ફસાવવાનું કાવતરું હતું અને ચહેરો સ્વાતિ માલીવાલને બનાવવામાં આવ્યાં. યાદ રહે કે સ્વાતિ માલીવાલ પણ આમ આદમી પાર્ટીનાં જ નેતા છે અને રાજ્યસભા સાંસદ છે. ઉપરાંત, તેઓ ઘણાં વર્ષોથી કેજરીવાલના સંપર્કમાં છે.
Reporter- Why is CM silent on this issue?… Why is CM silent on this issue!
— 𝗔𝗸𝗮𝘀𝗵 𝗦𝗵𝗮𝗿𝗺𝗮 (@kaidensharmaa) May 17, 2024
Atishi- Sorry!
Reporter- Why is CM silent on this issue?
Atishi- Dekhie.. Iss poore.. Ye jo poora aapka sawal hai.. Ki Sanjay Singh ne kya kaha…
😑😑😑#SwatiMaliwal pic.twitter.com/m2Akkk1NO4
ઉલ્લેખનીય છે કે આ ઘટનાના 24 કલાક બાદ આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંઘે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે બિભવ કુમારે સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મુખ્યમંત્રી તેની તપાસ કરી રહ્યા છે. પરંતુ હવે આતિશી તદ્દન જુદી વાત કહી રહ્યાં છે. જ્યારે તેમને પ્રેસ કૉન્ફરન્સમાં પૂછવામાં આવ્યું ત્યારે દાવો કર્યો કે સંજય સિંઘને પહેલાં એક જ પક્ષ વિશે જાણ હતી અને હવે બીજો પક્ષ પણ સામે આવ્યો છે.
માત્ર 11 મિનીટ પ્રેસ કૉન્ફરન્સ સંબોધ્યા બાદ આતિશીને પૂછવામાં આવ્યું કે અરવિંદ કેજરીવાલ શા માટે આ મુદ્દા પર મૌન છે, તો તેમણે વાતને અવળે પાટે ચડાવી દીધી અને ત્યારબાદ અડધેથી ઉઠીને ચાલ્યા ગયાં હતાં.