પ્રયાગરાજમાં ત્રણ યુવકોએ માફિયા ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરી નાંખી છે. આરોપીઓ મીડિયાકર્મીના વેશમાં આવ્યા હતા અને બાઈટ લેવાના બહાને અતીક અને અશરફને ગોળી મારી હતી અને ત્યારબાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. આરોપીઓની ઓળખ લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ તરીકે થઈ છે.
અહેવાલ અનુસાર, પોલીસની પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “માફિયા અતીકનું પાકિસ્તાની ખૂફિયા એજન્સી આઈએસઆઈ અને લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શન હતું. તેણે અને તેની ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી હતી. તેથી અમે બંનેની હત્યા કરી નાખી.” હવે આ ત્રણેય શૂટરોના પરિવારજનોનાં નિવેદન પણ સામે આવ્યા છે.
લવલેશના પિતાએ કહ્યું: ‘અમારો કોઈ સંબંધ નથી’
મીડિયા અહેવાલો મુજબ, બાંદા જિલ્લાના લવલેશ તિવારીના પિતાએ પોતાના દીકરાને નશાખોર કહ્યો હતો. તેમણે કહ્યું કે, તેમનો દીકરા લવલેશ સાથે છેલ્લા ઘણાં સમયથી કોઈ સંબંધ નથી. લવલેશ પર એક યુવતીને તમાચો મારવાનો કેસ પણ ચાલી રહ્યો છે. લવલેશના પિતા યજ્ઞ તિવારીએ પોલીસને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. તેની માતાએ પોતાના દીકરાને બજરંગ બલીનો ભક્ત અને લોકોની મદદ કરનારો કહ્યો હતો.
અરુણ પર GRP કોન્સ્ટેબલની હત્યાનો આરોપ છે
અતીકની હત્યામાં બીજો આરોપી અરુણ મૌર્ય છે, જે કાસગંજના બઘેલા પુખ્તાનો રહેવાસી છે. કહેવાય છે કે, તેના પર એક GRP કોન્સ્ટેબલની હત્યાનો આરોપ છે. અરુણના ઘરમાં એક વૃદ્ધ મા છે જે આ ઘટના વિશે કંઈ નથી જાણતી. અરુણ અને એની મા એક ઝૂંપડીમાં રહે છે જેના પર છત પણ નથી. હાલ પોલીસ અરુણની પૂછપરછ કરી રહી છે.
ये अतीक अहमद की हत्या करने वाले अरुण मौर्य का घर है, गरीबी इंसान को अपराध के रास्ते पर लेकर जाती है, घर में एक बूढ़ी मां है।
— Dr. Richa Rajpoot (@doctorrichabjp) April 16, 2023
सरकार चाहकर भी ना इनकी सम्पत्ति कुर्क कर सकती है न बुल्डोजर चला सकती है … pic.twitter.com/7HgaywQshJ
સની સિંહ વિરુદ્ધ 17 કેસ નોંધાયેલા છે
ત્રીજો શૂટર સની સિંહ હિસ્ટ્રીશીટર છે તેવું રિપોર્ટ્સ કહે છે. તેના પર પહેલાંથી જ 17 કેસ નોંધાયેલા છે. સની સિંહ હમીરપુર જિલ્લાના કુરારાનો રહેવાસી છે. સનીનું નોએડા ક્ષેત્રના માફિયા સુંદર ભાટી સાથે કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. સનીના ભાઈ અને પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેની મા તેના પિયર ચાલી ગઈ છે. સનીની ક્રાઈમ હિસ્ટ્રી મુજબ તે છેલ્લા દસ વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. હાલ પોલીસ તેના બાકીના નેટવર્ક તપાસી રહી છે.
સની સિંહની ક્રાઈમ હિસ્ટ્રી:
લાઈવ કવરેજ દરમિયાન અતીક પર ગોળી ચલાવી હતી
માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અને અશરફની હત્યા લાઈવ કેમેરા સામે થઈ હતી. અતીક અને અશરફને પોલીસ કસ્ટડીમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. પત્રકારો તેમની બાઈટ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા એવામાં ત્રણ જણા મીડિયાકર્મી હોવાનું નાટક કરીને અતીક અને અશરફની નજીક ધસી ગયા અને ફાયરિંગ કર્યું હતું. આ ચકચારી ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પ્રયાગરાજમાં પોલીસ હાઈ એલર્ટ પર છે અને અહીં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ છે.