પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના એક નેતાએ આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. આ પાકિસ્તાની નેતા ઇમરાન ખાનની નજીકના માનવામાં આવે છે. તેમણે કહ્યું છે કે, તેમના નેતા ઇમરાન ખાનને કંઈ પણ થયું તો તેઓ પાકિસ્તાનના શાસકો ઉપર સ્યુસાઇડ અટેક કરશે. તેમનો આ બાબતનો એક વિડીયો વાયરલ થયો છે.
વાયરલ વિડીયોમાં પાકિસ્તાની સાંસદ અતાઉલ્લાહ ધમકી આપતા કહે છે કે, “જો ઇમરાન ખાનના એક વાળને પણ નુકસાન થયું તો આ દેશ ચલાવનારા વિચારી લે. ન તમે રહેશો, ન તમારા સંતાનો. તમારી ઉપર સૌથી પહેલાં હું આત્મઘાતી હુમલો કરીશ, તમને છોડીશ નહીં, અને આ જ રીતે અન્ય કાર્યકર્તાઓ પણ તૈયાર છે.” નોંધનીય છે કે અતાઉલ્લાહ પીટીઆઈનની ટિકિટ પર 2018 માં કરાંચીમાંથી ચૂંટણી જીત્યા હતા.
PTI member National Assembly from Karachi declares “ suicide attacks on those running Pakistan”. Vows to be the first suicide attacker in case even a small thing were to happen to Imran. What was the law called under which such threats were taken into account? Oh yes, the ATA! pic.twitter.com/doTC9mXtnX
— Syed Talat Hussain (@TalatHussain12) June 6, 2022
પાકિસ્તાન સાંસદ અતાઉલ્લાહના આત્મઘાતી હુમલાની ધમકી આપ્યાના નિવેદન બાદ પાકિસ્તાન સરકાર દ્વારા આ મુદ્દે ટીકા શરૂ થઇ ગઈ છે. માહિતી-પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું કે, દેશને ધમકી આપનાર લોકોને રાજકારણમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ. તેમની ધરપકડ થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ વિડીયો વાયરલ થયા બાદ અમુક લોકો અતાઉલ્લાહ વિરુદ્ધ આતંકવાદ બદલ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જોકે, આ પહેલીવાર નથી જયારે પીટીઆઈ નેતા તરફથી આત્મઘાતી હુમલાની ધમકી આપતું નિવેદન આપવામાં આવ્યું હોય. આ પહેલાં માર્ચ મહિનામાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સાંસદ શહરયાર આફ્રિદીએ એક રેલી દરમિયાન કહ્યું હતું કે જો ઇસ્લામમાં આત્મહત્યા હરામ ન હોત તો શરીર પર બૉમ્બ બાંધીને પાકિસ્તાનની સંસદમાં બેઠેલા તમેમ દંભીઓને ઉડાવી દીધા હોત. જેનાથી હંમેશ માટે તેમનું નામોનિશાન નાબૂદ થઇ ગયું હોત. તદુપરાંત, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી ગુલામ સરવર ખાને પણ કહ્યું હતું કે, દેશના દુશ્મનોને મારવા માટે સ્યુસાઈડ બૉમ્બર બનવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ પાકિસ્તાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. તેમણે તેમની વિરુદ્ધ રજૂ કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ‘વિદેશી કાવતરું’ ગણાવ્યું હતું અને આ માટે વિદેશથી ફન્ડિંગ પણ થયું હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે આ પાછળ અમેરિકાનો હાથ હોવાનું પણ કહ્યું હતું.
ઇમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદથી જ તેમના સમર્થકો દ્વારા ઇમરાનના જીવને જોખમ હોવાનું રટણ કરવામાં આવતું રહ્યું છે. એપ્રિલમાં પાકિસ્તાનના પૂર્વ માહિતી પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓને ઇમરાન ખાનની હત્યા કરવા માટેનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઇમરાન ખાને પોતે પણ એક રેલી દરમિયાન તેમના જીવને જોખમ હોવાનું કહ્યું હતું. 14 મેના રોજ એક રેલીમાં સમર્થકોને કહ્યું હતું કે, તેમના જીવને જોખમ છે. જોકે, જે બાદ વર્તમાન પાકિસ્તાન સરકારે તેમની સુરક્ષામાં વધારો કર્યો છે અને તેમના નિવાસસ્થાનની બહાર પણ સુરક્ષાકર્મીઓ તહેનાત રાખવામાં આવ્યા છે.