આસામમાંથી આતંકવાદીઓ પકડવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. હવે પોલીસે અલકાયદા સાથે સબંધ ધરાવતા 2 સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. આ બંને આતંકવાદી સંગઠનો અલ-કાયદા અને અંસારુલ્લાહ બાંગ્લા ટીમ સાથે સબંધ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. હાલ આ બંનેને હિરાસતમાં લઈને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ અનુસાર, પકડાયેલા બંને સંદિગ્ધ આતંકવાદીઓ મસ્જિદોના ઇમામ હોવાનું સામે આવ્યું છે. જેમાંથી એકની ઓળખ અબ્દુસ સુભાન તરીકે થઇ છે, જે મોરેનોઇ પોલીસ મથક હેઠળ આવતી તીનકુનિયા શાંતિપુર મસ્જિદનો ઇમામ છે, જ્યારે અન્ય એક જલાલુદ્દીન શેખ ગોલપરા પોલીસ મથક હેઠળ આવતી તિલપરા નાતુન મસ્જિદનો ઇમામ છે.
Two suspected terrorists linked with Al-Qaeda Indian Subcontinent (AQIS) and Ansarullah Bangla Team (ABT) were arrested by police in Goalpara district last night: Assam Police
— ANI (@ANI) August 21, 2022
આ બંને ઇમામ બાંગ્લાદેશથી આવતા જેહાદી આતંકવાદીઓને મદદ પૂરી પાડતા હતા તેમજ રહેવા માટે આશ્રયસ્થાન પણ આપ્યું હતું. આ સાથે જ બંનેએ પૂછપરછમાં જિલ્લામાં અલકાયદાના સ્લીપર સેલમાં આતંકીઓની ભરતી કરવાની વાત પણ સ્વીકારી હતી.
પોલીસે એ પણ માહિતી આપી હતી કે, પકડાયેલા આતંકવાદીઓ પૈકીના એકે ડિસેમ્બર 2019માં તિલપરા મસ્જિદ ખાતે એક ધર્મસભાનું આયોજન કર્યું હતું અને જેમાં અલ-કાયદા સાથે સબંધ ધરાવતા ઘણા બાંગ્લાદેશીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેઓ ત્યારબાદ સ્પીકર તરીકે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા. ઉપરાંત, અન્ય પણ બાંગ્લાદેશથી આવતા આતંકવાદીઓને આશ્રય આપવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે.
પોલીસે આ કાર્યવાહી મામલે જણાવ્યું કે, આતંકવાદીઓ અલ-કાયદા ઇન્ડિયન સબ-કોન્ટિનેન્ટ અને અંસારુલ્લાહ બાંગ્લા ટીમના બારપેટા અને મોરીગાંવ મોડ્યુલ સાથે સીધો સબંધ ધરાવે છે. કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓના ઘરની તપાસ કરતાં પોલીસને અલ-કાયદા જેહાદી તત્વો સબંધિત પોસ્ટરો, મોબાઈલ ફોન, સિમ કાર્ડ, આઈડી કાર્ડ અને અન્ય આપત્તિજનક સામગ્રીઓ મળી આવી હતી.
ગોલપરાના એસપી વી.વી રાકેશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, પોલીસને જુલાઈ મહિનામાં જેહાદી તત્વો સાથે સબંધ ધરાવતા અબ્બાસ અલી નામના આતંકી પાસેથી ઇનપુટ મળ્યા હતા. તેમના સબંધ આતંકી સંગઠનો સાથે હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.
પોલીસે આ બંને વિરુદ્ધ મતિયા પોલીસ મથકે આઇપીસીની કલમ 120 (B), 121, અને 121A તેમજ UAPA એક્ટની કલમ 18, 18(B), 19 અને 20 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ બંનેને હિરાસતમાં લઈને વધુ વિગતો મેળવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આસામના બારપેટા અને ગોલપરામાંથી જેહાદી-આતંકવાદી મોડ્યુલ પકડી પાડવામાં આવ્યા હતા, અને જેમાં અનેક સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ જેહાદીઓની ધરપકડ બાદ હવે આ નેટવર્કના અન્ય આતંકવાદીઓને પણ પકડવામાં આવી ર્ય છે.