બે દિવસ અગાઉ દિલ્હીથી હ્રદય હચમચાવી મુકે તેવી ઘટના સામે આવી હતી, જાહેરમાં લુંટ અને ચેન સ્નેચિંગ કરતા માથાભારે અનીસ નામના આપરાધિને પકડવા ગયેલા દિલ્હીના બાહોશ પોલીસ કર્મચારી ASI શંભુ દયાલ વીરગતી પામ્યા હતા. તેઓ માયા પૂરી ખાતે અનીસને પકડવા ગયા હતા તે દરમિયાન આરોપીએ તેમને ઉપરા-છાપરી ધારદાર છરાના ઘા જીક્યાં હતા અને લોકો માત્ર જોઈ રહ્યા હતા. અનેક ઘા વાગવા અને લોહીનું ખાબોચિયું ભરાઈ જવા છતાં બહાદુર ASI શંભુ દયાલે વધુ ફોર્સ ન આવી ત્યાં સુધી અનીસને પોતાના હાથોથી દબોચી રાખ્યો હતો. પણ અહી વિચારવા જેવી બાબત તે છે કે જો હાજર લોકોના ટોળાએ થોડી હિમ્મત કરીને આરોપીને અટકાવ્યો હોત તો આજે શંભુ દયાલ આપની વચ્ચે હોત.
મળતી મહીરી અનુસાર માયાપુરી વિસ્તારમાં એક સ્નેચરને પકડવાનો પ્રયાસ કરતી વખતે છરીના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનામાં ગંભીર રૂપે ઘાયલ થયેલા દયાલને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ રવિવારે સવારે તેમણે દેહ ત્યાગી દીધો હતો. જે બાદ દિલ્હીના ASI શંભુ દયાલ વીરગતી પામ્યા હોવાની દિલ્હી પોલીસે જાહેરાત કરી હતી, ત્યારે આજે એમની અંતિમ યાત્રામાં પશ્ચિમ જિલ્લા ડેપ્યુટી કમિશનર ઓફિસ, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા અને અન્ય અધિકારીઓએ તેમને સંપૂર્ણ સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપી અને તેમના પાર્થિવ દેહ પર ફૂલ અર્પણ કરી અંતિમ યાત્રામાં કાંધ આપી હતી.
ASI દયાલ મૂળ રાજસ્થાનના રહેવાસી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી પોલીસનો આખો કાફલો ડીસીપી હેડક્વાર્ટરમાં વીરગતિ પામેલા શંભુ દયાલની અંતિમ વિદાય માટે આવ્યો હતો. આ દરમિયાન કમિશનર સંજય અરોરા પોતે હાજર રહ્યા હતા. તેમણે એએસઆઈના મૃતદેહને કાંધ આપતા વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું હતું. જ્યારે શંભુ દયાલનો પાર્થિવ દેહ રાજસ્થાનના સીકર જિલ્લામાં તેમના વતન ગવલી બિહારીપુર પહોંચ્યો ત્યારે લોકોએ પાર્થિવ દેહ પર પુષ્પોની વર્ષા કરી હતી. આ દરમિયાન દેશભક્તિના નારા પણ લગાવવામાં આવ્યા હતા. મૂળ રાજસ્થાનના સીકરના ગવલી બિહારીપુર ગામના રહેવાસી શંભુદયાલના પરિવારમાં પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે.
ગામમાં અંતિમ સંસ્કાર વખતે હજારો લોકોની ભીડ જોવા મળી હતી. દિલ્હી પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. શહીદ શંભુ દયાલના મૃતદેહને શોભાયાત્રાના રૂપમાં લઈ જવામાં આવ્યો હતો જે દરમિયાન રસ્તાની બંને બાજુએ ઉભેલા લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
દરમિયાન ASI શંભુ દયાલ પર હુમલાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ઝપ્તમાર અનીસ ભીડમાં ઘણા લોકો વચ્ચે તેને છરીઓ વડે હુમલો કરતો જોવા મળે છે. શંભુ દયાલે અનેક ઘા કર્યા બાદ પણ અનીસને જમીન પર પછાડી દીધો હતો. હુમલા દરમિયાન ભીડમાંથી કોઈએ ASIને મદદ કરી ન હતી. વીડિયોમાં અનીસ હુમલાથી સર્જાયેલી અરાજકતાનો ફાયદો ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. જોકે બાદમાં તેને પકડી લેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસની કસ્ટડીમાં પકડાયેલા અનીસનો ફોટો પણ સાર્વજનિક થઈ ગયો છે.
⚠️ #DisturbingVideo
— Sachin Gupta (@sachingupta787) January 10, 2023
दिल्ली में 4 जनवरी को स्नेचर अनीस ने ASI शंभूदयाल की चाकू मारकर हत्या कर दी।
भीड़ तमाशा देखती रही, लेकिन बहादुर जवान ने आखिरी सांस तक आरोपी को छोड़ा नहीं।
Video– @lavelybakshi pic.twitter.com/84RMVnyRh7
ઉલ્લેખનીય છે કે હુતાત્મા એએસઆઈ શંભુ દયાલ દિલ્હી પોલીસમાં 1993 બેચના કોન્સ્ટેબલ હતા, જેમણે બાદમાં તેમની કાર્યદક્ષતાથી સહાયક સબ-ઇન્સ્પેક્ટરના પદ પર પ્રમોશન મેળવ્યું હતું. 5 જાન્યુઆરી, 2022ના રોજ મહિલાનો ફોન લુંટાયો હોવાની ફરિયાદ મળતા તેઓ આરોપી અનીસની ધરપકડ કરીને લાવી રહ્યા હતા. આ દરમિયાન અનીસે તેમના પર ચાકુથી હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા ASI શંભુ દયાળ લાંબી સારવાર બાદ વીરગતિને પ્રાપ્ત થયાં હતા.