વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ હવે બીજા એક મોટા નેતા પાર્ટી છોડશે તેવી અટકળો શરૂ થઇ ગઈ છે. આ નેતા છે અશોક ચવ્હાણ. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ગુરુવારે (1 સપ્ટેમ્બર) મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. જે બાદ અશોક ચવ્હાણની ભાજપમાં જોડાવા અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ બંને નેતાઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઓએસડી આશીષ કુલકર્ણીના નિવાસસ્થાને મળ્યા હતા. આશીષ કુલકર્ણીએ રાજ્યસભા ચૂંટણી અને એમએલસી ચૂંટણી દરમિયાન રણનીતિકાર તરીકે અગત્યની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત, તેઓ કોંગ્રેસ અને શિવસેના સાથે પણ કામ કરી ચૂક્યા છે.
કોંગ્રેસ નેતા અને પાર્ટી બંનેએ અફવા ગણાવી
પોતે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે કે કેમ તેવા સવાલ પર અશોક ચવ્હાણે કહ્યું હતું કે, આ તમામ બાબતો પાયાવિહોણી છે અને તેઓ માત્ર આશીષ કુલકર્ણીના ઘરે ગણેશજીના દર્શને ગયા હતા, ત્યાં દેવેન્દ્ર ફડણવીસ પણ આવી ગયા હતા. તેમણે કહ્યું કે, તે બંને વચ્ચે મૈત્રીપૂર્ણ મુલાકાત થઇ હતી, તેના રાજનીતિક અર્થ કાઢવા યોગ્ય નથી. તેઓ દિલ્હીમાં યોજાનારી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ પણ થશે તેમ પણ જણાવ્યું હતું.
બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે કોઈ પણ કોંગ્રેસ નેતા પાર્ટી છોડી રહ્યા નથી. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નાના પાટોલેએ કહ્યું કે, તહેવારોના સમયમાં આ રીતે મૈત્રીપૂર્ણ મુલાકાતો કરવી એ મહારાષ્ટ્રના નેતાઓની પરંપરા રહી છે. તેમણે ભાજપ પર સાચા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાના આરોપ લગાવ્યા હતા.
અટકળો અને ચર્ચાઓનાં કારણો કયાં?
મહારાષ્ટ્રમાં શિવસેના નેતા એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ તેમને બહુમતી ધારાસભ્યોનું સમર્થન મળી જતાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો અને જે બાદ રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો આદેશ આપતાં મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ મતદાન કર્યું ન હતું, જેમાંથી અશોક ચવ્હાણ એક હતા.
મહારાષ્ટ્રના સીએમ રહી ચૂક્યા છે ચવ્હાણ
અશોક ચવ્હાણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમના પિતા શંકરરાવ ચવ્હાણ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હતા. અશોક ચવ્હાણ વર્ષ 2008 થી 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હતા. જોકે, તેમનું નામ આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડમાં સામે આવતાં પાર્ટી હાઈકમાન્ડે રાજીનામું લઇ લીધું હતું.