છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને કેનેડા જેવા દેશોમાં આશરો લઈને બેઠેલા અને ભારતવિરોધી કારસ્તાનો કરતા રહેતા આતંકવાદીઓનો ખાત્મો થઈ રહ્યો છે. આ જ ક્રમમાં હવે પાકિસ્તાનમાં વધુ એક આતંકવાદીને ઠાર મરાયો છે. આ કામ પણ ‘અજાણ્યા બંદૂકધારીઓ’એ જ કર્યું છે.
લશ્કર-એ-તૈયબાનો સહ-સ્થાપક અને આતંકવાદી હાફિઝ સઈદનો અત્યંત નજીકનો ગણાતો મુફ્તી કૈસર ફારૂક પાકિસ્તાનમાં માર્યો ગયો છે. તે કરાંચીમાં રહેતો હતો. શનિવારે (30 સપ્ટેમ્બર, 2023) અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળીએ દીધો હતો. તેની સાથે અન્ય પણ બે-ત્રણ ઇસમો હતા, તેમને પણ ઈજા પહોંચી છે.
આતંકવાદી અન્ય કેટલાક શખ્સો સાથે પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી અજાણ્યા હુમલાખોરોએ આવીને અચાનક ગોળીબાર કરી દીધો હતો. ગોળીનો અવાજ સંભળાતા બાકીના ભાગી છૂટ્યા જ્યારે કૈસર ત્યાં જ ઢળી પડ્યો હતો. પાકિસ્તાન મીડિયાનો રિપોર્ટ જણાવે છે કે, ત્યારબાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. તેની સાથેના અન્ય એક શખ્સને પણ ગોળી વાગી છે. કરાંચી પોલીસે હુમલાની પુષ્ટિ કરી છે.
#BREAKING
— TIMES NOW (@TimesNow) October 1, 2023
Another Lashkar operative killed in Pakistan's Karachi by unidentified gunmen.
The deceased has been identified as Mufti Qaiser Farooq, a most wanted terrorist.@deepduttajourno shares details with @anchoramitaw#Pakistan #Karachi pic.twitter.com/Cmakxr5pGr
મુફ્તી કૈસર આતંકવાદી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો અને ભારતમાં મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓની યાદીમાં તેનું નામ સામેલ હતું. તે લશ્કરના સ્થાપક અને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો નજીકનો વ્યક્તિ ગણાતો હતો. તેને ઠાર મારવાની સાથે પાકિસ્તાનમાં માર્યા ગયેલા ભારતવિરોધી આતંકવાદીઓની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીનનું અપહરણ થઈ ગયું છે. બે દિવસ બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી હતી કે કમાલુદ્દીનને પણ ઠાર મારવામાં આવ્યો છે અને પહાડી વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેના શરીર પર ઈજાનાં નિશાન મળ્યાં હતાં, જેથી અનુમાન છે કે માર્યા પહેલાં તેને ટોર્ચર કરવામાં આવ્યું હોય. જોકે, પાકિસ્તાન પોલીસ કે મીડિયામાં આ બાબતની પુષ્ટિ થઈ શકી નથી.
બીજી તરફ, છેલ્લા છ મહિનામાં વિદેશની ધરતી પર અનેક ભારતવિરોધી આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં કેનેડાના સરે શહેરમાં માર્યા ગયેલા હરદીપ નિજ્જરનો પણ સમાવેશ થાય છે, જેની હત્યાનો આરોપ કેનેડાની સરકારે ભારત પર લગાવી દીધો હતો. જોકે, ભારત સરકારે આ આરોપો ફગાવી દીધા હતા. આ મુદ્દો ચર્ચામાં છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોનો ખાતમો અવિરત ચાલી રહ્યો છે.