કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં મારજિંગ પોલોની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. પોલો પ્લેયરની પ્રતિમા 120 ફૂટ ઊંચી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી એન.બિરેન સિંહ પણ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. ઇમ્ફાલ પૂર્વમાં ઇબુધોઉ મારજિંગના મંદિર, હિંગાંગ હિલ્સ પર સગોલ કાંગજેઇ (પોલો) પ્લેયરની આ 120 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ ડિસેમ્બર 2022 માં પૂર્ણ થયું હતું.
અમિત શાહે ઈમ્ફાલમાં જે મારજિંગ પોલોની પ્રતિમાનું લોકાર્પણ કર્યું તે સગોલ કંગજેઈ (પોલો)ની સ્થાપના કરનાર અર્ધ-દેવતા ઇબુધોઉ મારજિંગની પ્રતિમા છે. હાઇલેન્ડ્સની પહાડીની ઊંચી ટોચ પર બાંધવામાં આવેલી પોલોની આ વિશાળ પ્રતિમા પોલો રમતની જન્મભૂમિ મણિપુરનું ગૌરવ વધારશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ પર્યટકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બનશે અને પર્યટન ઉદ્યોગોમાં વધારો કરશે, જેના કારણે આ સુંદર પર્યટન સ્થળ સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકોનું સર્જન કરશે.
મળતી માહિતી મુજબ આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચુડાચંદ્રપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે ત્યાર બાદ તેઓ બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવશે. નોંધનીય છે કે આ એ જ ઐતિહાસિક સ્થળ છે જ્યાં ‘ભારતીય રાષ્ટ્રીય સેના’ના બહાદુર સૈનિકોએ ભારતની ધરતી પર પહેલીવાર ધ્વજ ફરકાવ્યો હતો. આ સિવાય અમિત શાહ બિષ્ણુપુર જિલ્લાના ચિંગેઇ લંપક વિસ્તારમાં અન્ય ઘણા પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરવાના છે.
It is believed that Sagol Kangjei, the modern-day Polo game originated in Manipur. Today, inaugurated a 122 feet Marjing polo statue at the Marjing Polo Complex in Imphal. This will surely take the legacy forward and inspire more youngsters toward the game. pic.twitter.com/x1T0xmcF4s
— Amit Shah (@AmitShah) January 6, 2023
કોણ છે માર્જિંગ અને મીટેઈ સંસ્કૃતિમાં તેમનું શું મહત્વ છે
પ્રાચીન મણિપુરી સંસ્કૃતિની મીટેઈ સંસ્કૃતિની પૌરાણિક કથાઓમાં મારજિંગ એક આદિમ દેવતા છે. પોલોની રમતને અનુલક્ષીને આ દેવતાનું ખુબ જ પૌરાણિક અને ધાર્મિક મહત્વ છે. પોનીઝ (અશ્વના બચ્ચા), પોલો, હોકી, અશ્વ સાથે સંકળાયેલી રમતો અને યુદ્ધ આ તમામ બાબતો મારજિંગ નામના દેવતા સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત તેમને ઉત્તર-પૂર્વ દિશાની સીમાઓના રક્ષક (ગુજરાતી લોક બોલીમાં ક્ષેત્રપાળ) પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોલો રમત શોધ પણ તેમણે જ કરી હતી, તેથી આ પૌરાણિક કથા સ્થાનિક લોકવાયકાઓમાં ચાલી આવી છે. કહેવાય છે કે હીંગંગ પહાડીઓની ટોચ પર દેવતા મારજિંગ તેમના દેવતાઈ સાથી સમાદોન અયાંગબા સાથે રહે છે. સમાદોન આયાંગબા એક પાંખો ધરાવતો પવિત્ર ઘોડો છે. એવું માનવામાં આવે છે કે દેવતા માર્જિંગ એ પાંચ તે દેવતાઓમાંથી જ એક છે જે માનવ શરીરની અંદર આત્મા તરીકેનું સ્થાન ધારણ કરે છે.
મીટેઈ સંસ્કૃતિમાં પોલો એ દેવતાઓની રમત છે. આ રમતને બન્ને તરફ સાત-સાત ખેલાડીઓ સાથે રમવામાં આવે છે. આ રમતમાં વાંસના મુળિયામાંથી બનેલા દડાનો ઉપયોગ કરવામાં આવે છે. મીતેઇ દેવતા પણ પોલો પ્લેયરની જેમ જ હાથમાં વાંસની સ્ટીક રાખે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેવતાની જે પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું તે પ્રતિમાના નિર્માણમાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો. તેનું નિર્માણ કાર્ય વર્ષ 2018 માં શરૂ થયું અને વર્ષ 2022 ના અંત સુધીમાં પૂર્ણ થયું હતું.