ભારતના કર્મઠ વૈજ્ઞાનિકોની સિદ્ધિ વિશ્વભરમાં ગુંજી ઉઠી છે. ચંદ્રયાન-3 મિશનની ભવ્ય સફળતા બાદ વૈજ્ઞાનિકોમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા મહત્વના પ્રોજેક્ટ્સ પર સ્પેસ એજન્સી ISRO કામ કરી રહી છે. આ દરમિયાન તાજેતરમાં જ મોદી સરકારે 23 ઓગસ્ટને દરવર્ષે ‘રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ’ તરીકે મનાવવાનું એલાન પણ કરી દીધું છે. કારણ કે આ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે ભારત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો હતો. તેવા સમયે ISROના અધ્યક્ષ એસ સોમનાથે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે અમેરિકા ઈચ્છે છે કે ભારત ‘ચંદ્રયાન-3‘ની ટેકનોલોજી તેની સાથે શેર કરે. તેમણે ભારતની ક્ષમતા વિશે વાત કરતાં જણાવ્યું કે કેવી રીતે હવે સમય બદલાઈ ગયો છે.
ISRO પ્રમુખે કહ્યું કે અમેરિકાના મોટા-મોટા રોકેટ મિશનોને અંજામ આપનારા વિશેષજ્ઞોએ જ્યારે ‘ચંદ્રયાન-3’ મિશન પર ભારતીય વૈજ્ઞાનિકોને કામ કરતાં જોયા તો તેમણે ચંદ્રયાન-3 સાથે જોડાયેલી ટેકનોલોજી અમેરિકા સાથે શેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એસ સોમનાથે કહ્યું કે, હવે સમય બદલાઈ ગયો છે અને ભારત સર્વશ્રેષ્ટ ઉપકરણો અને રોકેટો બનાવવા માટે સક્ષમ છે. આ દરમિયાન તેમણે એ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે ખાનગી કંપનીઓ માટે પણ સ્પેસ સેક્ટર ખોલી દીધું છે. તેનાથી ઘણો ફાયદો થશે.
ISRO Chairman S. Somanath revealed that US experts expressed interest in India sharing its cost-effective space technology, impressed by the developments in Chandrayaan-3. Somanath emphasized the transformation, noting that India now possesses the capability to construct top-tier…
— Paras Chawla (@dataexplorer91) October 15, 2023
અમેરિકન નિષ્ણાંતોએ કહ્યું અમેરિકાને કેમ નથી વેચતા ટેકનોલોજી?
દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન અબ્દુલ કલામની 92મી જન્મજયંતી નિમિત્તે ‘ડૉ APJ અબ્દુલ કલામ ફાઉન્ડેશન’ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ISRO ચીફ એસ સોમનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, “નોલેજ અને ઇન્ટેલિજન્સની દ્રષ્ટિએ આપણાં દેશનું સ્તર વિશ્વના શ્રેષ્ટ દેશોમાંનું એક છે.” તેમણે જણાવ્યું કે ‘ચંદ્રયાન-3’ મિશન માટે ‘જેટ પ્રોપલ્શન લેબોરેટરી, નાસા-જેપીએલ’ને પણ રોકેટ નિર્માણ માટે બોલાવવામાં આવી હતી. તેમના 5-6 લોકો ISROના હેડક્વાટર્સમાં આવ્યા અને તેમને ‘ચંદ્રયાન-3’ વિશે સમજાવવામાં આવ્યું.
આ સોફ્ટ લેન્ડિંગ પહેલાંની વાત છે. તે સમયે અમેરિકન નિષ્ણાંતોને ચંદ્રયાન-3ની ડિઝાઇન અને લેન્ડિંગ પક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારે તેમણે કહ્યું કે બધુ સારું થવા જઈ રહ્યું છે. NASA દ્વારા સ્થાપિત JPLને CALTECH (કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) દ્વારા ચલાવવામાં આવે છે. ISRO ચીફના જણાવ્યા અનુસાર, અમેરિકન નિષ્ણાંતોએ આ દરમિયાન કહ્યું હતું કે, “આ વૈજ્ઞાનિક ઉપકરણોને જુઓ. આ ખૂબ જ સસ્તા છે. બનાવવા માટે સરળ અને ટેકનોલોજીમાં ખૂબ જ સમૃદ્ધ. તમે આ કેવી રીતે બનાવ્યા? તમે આ ટેકનોલોજી અમેરિકાને કેમ નથી વેચતા?”
‘સૂતી વખતે નહીં જાગતી વખતે સપના જુઓ અને પૂરા કરો’
આ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં ISRO અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે, તમે બધા પણ રોકેટ અને સેટેલાઈટ બનાવવા માટે આગળ આવો. તેમણે આ દરમિયાન ચેન્નાઈની કંપની Agnikul અને હૈદરાબાદની કંપની Skyroot નામ લેતા કહ્યું કે, ભારતમાં આ સમયે 5 કંપનીઓ રોકેટ અને સેટેલાઈટ બનાવી રહી છે. તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે વડાપ્રધાન મોદીએ તેમને પૂછ્યું હતું કે “તમે ચંદ્ર પર ભારતીયને ક્યારે મોકલશો?” એસ સોમનાથે કહ્યું કે અહી બેઠેલા વિદ્યાર્થીઓમાંથી પણ કોઈ હોય શકે છે. આ દરમિયાન તેમણે કલામની પંક્તિઓ દોહરાવતા કહ્યું કે, “આપણે સૂતી વખતે નહીં, જાગતી વખતે મોટા સપના જોવા જોઈએ અને તેને પૂરા કરવા જોઈએ.”