મે, 2021માં અમેરિકાના ન્યૂજર્સીમાં નિર્માણ પામી રહેલા બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સંચાલિત મંદિર સામે હ્યુમન ટ્રાફિકિંગ અને શ્રમિકોના શોષણના આરોપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. તાજેતરમાં 10થી વધુ કારીગરોએ કેસમાંથી નામ પરત ખેંચી લીધાં છે અને કહ્યું છે કે તેમની ઉપર સંસ્થા સામે આરોપો લગાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં રાજસ્થાન હાઇકોર્ટના એડવોકેટ આદિત્ય સોનીએ ભારતીય મજદૂર સંઘ અને પથ્થર ઘડાઈ સંઘના બેનર હેઠળ આ કારીગરો વતી એક પ્રેસ રિલીઝ જારી કરી હતી અને જણાવ્યું હતું કે, તેમને (કારીગરોને) હિંદુ મંદિરનું નિર્માણ રોકવા માટે રચવામાં આવેલા એક મોટા ષડ્યંત્રનો ભાગ બનવા માટે ધમકાવવામાં આવ્યા હતા.
પ્રેસ રિલીઝમાં એડવોકેટ સોનીએ જણાવ્યું કે તેઓ 25થી વધુ કારીગરો તરફથી આ લખાણ જારી કરે છે અને આ તમામ અમેરિકાના ન્યૂજર્સીના રોબિન્સવિલે શહેરમાં બની રહેલા BAPS હિંદુ મંદિરના નિર્માણમાં કામ કરી ચૂક્યા છે. શ્રમિકો અનુસાર, તેમને દબાણ કરીને મંદિરનું કામ અટકાવવા માટેના આ ષડ્યંત્રનો ભાગ બનાવવામાં આવ્યા હતા પરંતુ કાવતરાની ગંધ આવી જતાં તેમણે જ બળવો પોકારી દીધો છે અને હિંદુ મંદિર વિરુદ્ધ અમેરિકાની કોર્ટમાં દાખલ થયેલા કેસમાંથી પોતાનું નામ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.
#BIGBREAKING: 🧵
— CoHNA (Coalition of Hindus of North America) (@CoHNAOfficial) July 15, 2023
Remember the case against @BAPS Hindu temple in 2021 that alleged "caste discrimination"? #JUSTIN: A dozen artisans claim coercion, promise of US citizenship and large sums of money to testify against BAPS, are withdrawing the case. pic.twitter.com/0obQmSm9eL
આ શ્રમિકો પૈકીના 10થી વધુ લોકોને ન્યૂ જર્સીની કોર્ટમાં સંસ્થા સામે દાખલ થયેલા કેસમાં ફરિયાદી બનવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદ બાદ 11 મે, 2021ના રોજ અમેરિકાના ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટીગેશનના અધિકારીઓ મંદિરમાં દરોડા પાડીને હ્યુમન ટ્રાફિકિંગનો આરોપ લગાવીને અમુક શ્રમિકોને પોતાની સાથે લઇ ગયા હતા. કોર્ટમાં થયેલ ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારતથી શ્રમિકોને લાવીને ગોંધી રાખીને, પૂરતો આરામ ન આપીને તેમજ પૂરતું મહેનતાણું પણ ન ચૂકવીને તેમની પાસે કામ કરાવવામાં આવતું હતું. તેમજ તેમની પાસેથી પાસપોર્ટ પણ લઇ લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમાંથી અમુક કારીગરોએ એડવોકેટ સોનીનો સંપર્ક કરીને તેમને જણાવ્યું કે અમેરિકાનાં સ્વાતિ સાવંત નામનાં એક વકીલે તેમને ગેરમાર્ગે દોર્યા હતા અને હવે તેઓ ફરિયાદ પરત ખેંચવા માંગે છે.
પ્રેસ રિલીઝ જણાવે છે કે આ કારીગરોએ સ્પષ્ટ દાવો કર્યો છે કે સ્વાતિ સાવંત અને તેમના સાથીઓએ તેમને પ્રલોભનો આપીને મંદિર અને સંસ્થા સામે ફરિયાદ કરવા માટે ગેરમાર્ગે દોર્યા હતા. જ્યારે એમ પણ જણાવવામાં આવ્યું કે તેમણે ઘણાં વર્ષો સુધી ભારત અને અમેરિકાનાં અનેક BAPS મંદિરોમાં સેવા આપી છે પરંતુ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું દબાણ કે જાતિગત ભેદભાવોનો સામનો કરવો પડ્યો નથી.
સંસ્થાએ ક્યારેય અમારી સાથે ભેદભાવ કર્યો નથી, પરિવારથી માંડીને તમામ ખ્યાલ રાખવામાં આવ્યો: કારીગરો
પ્રેસ રિલીઝમાં કારીગરોએ જણાવ્યું કે, BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા તેમની સાથે ખૂબ આદરપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો હતો અને ફ્લાઇટ ટિકિટ્સથી માંડીને અમેરિકામાં રહેવા-જમવા તેમજ સ્વાસ્થ્ય અને અન્ય તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. એટલું જ નહીં તેમના પરિવારના સભ્યોને પણ સંસ્થાએ મદદ પૂરી પાડી હતી અને તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે પરિવારને મળવા માટે અમેરિકા આવી શકતા હતા. તેઓ તેમની ઈચ્છા અનુસાર ભારત આવતા અને પરિવારને મળીને પરત ફરી શકતા હતા અને સંસ્થાએ ક્યારેય કોઈ દબાણ કર્યું ન હતું.
કોર્ટમાં ખોટા આરોપો લગાવવા માટે પ્રલોભનો અપાયાં હતાં
વધુમાં જણાવવામાં આવ્યું કે, કારીગરો આટલો સમય સત્ય બહાર લાવતાં ડરતા હતા કારણે કે કથિત રીતે સ્વાતિ સાવંતે તેમને પોલીસ કાર્યવાહી અને જેલના સળિયા ગણતા કરવાની ધમકી આપી હતી. તેમણે કારીગરોને પૈસાની અને પરિવારને અમેરિકી નાગરિકત્વ આપવાની લાલચ આપીને કોર્ટમાં ખોટા આરોપો લગાવવા માટે પણ માનવી લીધા હતા. ત્યારબાદ લાલચમાં આવીને કારીગરો FBI સાથે ગયા પણ ખરા પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેમણે મંદિર સામે ખોટા આરોપો લગાવવા પડશે ત્યારે તેમણે વિચાર બદલી નાંખ્યો હતો. ત્યારબાદ તેમણે ભેગા થઈને વકીલની મદદ લેવાનો નિર્ણય કર્યો.
આ અંગે ભારતીય પથ્થર ઘડાઈ આવામ નિર્માણ મજદૂર સંઘના મહામંત્રી પ્રભુરામ મીણાએ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં કારીગરોએ ફરિયાદમાંથી નામ પરત લઇ લીધાં હોવાની પુષ્ટિ કરી હતી. જ્યારે એડવોકેટ સોનીએ જણાવ્યું કે તેમણે તેમના ક્લાયન્ટ વતી આ પ્રેસ રિલીઝ જારી કરી હતી. ઑપઇન્ડિયાએ પ્રતિક્રિયા મેળવવા માટે BAPSનો પણ સંપર્ક કર્યો છે, જવાબ મળતાં જ રિપોર્ટ અપડેટ કરી દેવાશે.