ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં ફરી ઇસ્લામી નારા લાગ્યા છે. શુક્રવારે (3 ફેબ્રુઆરી, 2023) જુમ્માની નમાજ બાદ કેટલાક વિદ્યાર્થીઓએ ‘નારા-એ-તકબીર’ અને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
આ વિદ્યાર્થીઓએ AMUના વિદ્યાર્થી વહીદુઝ્ઝમાનું સસ્પેન્શન રદ કરવાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું, જેમાં નારા લાગ્યા હતા. વહીદુઝ્ઝમા એ જ વ્યક્તિ છે જેણે 26 જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસની ઉજવણી બાદ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા.
Watch: AMU में फिर बिगड़ा माहौल, जुमे की नमाज के बाद नारेबाजी @vivekstake | @anchorjiya | @AdarshJha001 https://t.co/smwhXUROiK #AMU #UttarPradesh #India pic.twitter.com/TXD12YpM7n
— ABP News (@ABPNews) February 4, 2023
વિદ્યાર્થીઓએ આ સંદર્ભે યુનિવર્સીટીને એક આવેદન પત્ર પણ સોંપ્યું હતું, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને બનાવવામાં આવેલી અને હાલ વિવાદમાં ઘેરાયેલી BBC ડોક્યુમેન્ટ્રીને યોગ્ય ઠેરવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ AMUમાં પણ BBC ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદ સર્જાયો હતો. યુનિવર્સીટીની દીવાલો પર આ પ્રોપેગેન્ડા ડોક્યુમેન્ટ્રીનાં પોસ્ટરો ચોંટાડવામાં આવ્યાં હતાં અને સાથે ડોક્યુમેન્ટ્રીનો QR કોડ પણ આપવામાં આવ્યો હતો, જે સ્કૅન કરવા પર ડોક્યુમેન્ટ્રી જોઈ શકાય છે.
કેમ્પસમાં અનેક જગ્યાએ આ પ્રકારનાં પોસ્ટરો જોવા મળતાં યુનિવર્સીટી પ્રશાસને ઘણાં ઠેકાણેથી આવાં પોસ્ટરો ફાડી નાંખ્યાં હતાં. ડોક્યુમેન્ટ્રી પ્રતિબંધિત કરવામાં આવી છે અને યુનિવર્સીટીમાં તેને લઈને વિવાદ ન સર્જાય તે માટે પણ આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં આ પોસ્ટરો ક્યાંથી આવ્યાં અને કોણે ચોંટાડ્યાં તેની જાણકારી મળી શકી ન હતી.
આ અંગે AMU પ્રોક્ટર વસીમ અલીએ કહ્યું હતું કે, AMUમાં BBC ડોક્યુમેન્ટ્રી સબંધિત પોસ્ટરો કોઈ બહારના વ્યક્તિએ ચોંટાડ્યાં હતાં. પરંતુ હવે વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ્રીને યોગ્ય ઠેરવ્યા બાદ તેમના આ નિવેદન પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
AMUમાં મઝહબી નારાનો વિવાદ
26 જાન્યુઆરીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીના પરિસરમાં કુલપતિ તારિક મંસૂરના હસ્તે ધ્વજવંદન થયું હતું અને કાર્યક્રમમાં શિક્ષકો-વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થતાં કુલપતિ રવાના થઇ ગયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ એક હોલ નજીક એકઠા થયા હતા અને પહેલાં ભાષણ આપ્યા બાદ ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’ અને ‘AMU ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. વાયરલ વિડીયોમાં કેટલાક NCC યુનિફોર્મ પહેરેલા વિદ્યાર્થીઓ આ નારા લગાવતા નજરે પડે છે. પછીથી મામલો પોલીસના ધ્યાને પણ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે યુનિવર્સીટીનો સંપર્ક કરીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.
ત્યારબાદ યુનિવર્સીટીએ વહીદુઝ્ઝમા નામના એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દીધો હતો.