અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઇડને વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદે ભારતીય મૂળના અજય બંગાને મનોનીત કર્યા છે. હાલમાં આ જવાબદારી ડેવિડ માલપાસ નિભાવી રહ્યાં છે. બંગા 63 વર્ષનાં છે અને હાલમાં તેઓ એક ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકમાં વાઈસ ચેરમેનની જવાબદારી પર કાર્યરત છે. ગઈકાલે વ્હાઈટ હાઉસ તરફથી અજય બંગાના મનોનીત થવાની જાહેરાત કરવામાં આવી હતી.
વર્લ્ડ બેંકનાં હાલનાં અધ્યક્ષ ડેવિડ માલપાસે હાલમાં જ પોતે પદ નિવૃત્ત થઇ રહ્યાં હોવાની જાહેરાત કરી હતી. આ સંજોગોમાં અમેરિકાએ આ અત્યંત મહત્વની જવાબદારી ઇન્ડો-અમેરિકન અજય બંગાને આપવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ બેંક હાલમાં પોતાનાં અગામી પ્રમુખ માટે ઉમેદવારોનું નામાંકન સ્વીકારી રહી છે. આ પ્રક્રિયા માર્ચ 29 2023 સુધી ચાલશે.
સામાન્યતઃ વર્લ્ડ બેંકના અધ્યક્ષ અમેરિકન રાષ્ટ્રપતિ જ મનોનીત કરતાં હોય છે. તો સામે પક્ષે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશ એટલેકે International Monetary Fund નાં પ્રમુખ પરંપરાગત રીતે એક યુરોપિયન હોય છે. આવા સંજોગોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે અજય બંગાનું વર્લ્ડ બેંકના આગામી પ્રમુખ તરીકે પસંદ થવું લગભગ નક્કી જ છે.
President Joe Biden has announced that the United States is nominating former CEO of Mastercard Ajay Banga to be President of the World Bank: The White House
— ANI (@ANI) February 23, 2023
(File photo) pic.twitter.com/C7eEnn3w4R
અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા મનોનીત અજય બંગા આ અગાઉ જાણીતી ક્રેડિટ કાર્ડ કંપની માસ્ટર કાર્ડનાં CEO રહી ચૂક્યાં છે. હાલમાં જેમ અગાઉ આપણે જાણ્યું તેમ અજય બંગા ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકમાં વાઈસ ચેરમેનનું પદ સાંભળી રહ્યાં છે પરંતુ તેની સાથે સાથે તેઓ નેધરલેંડ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની એક્સોરનાં અધ્યક્ષ પણ છે.
કોણ છે અજય બંગા?
અજય બંગાનો પરિવાર મૂળ પંજાબના જલંધરનો નિવાસી છે. તેમનો જન્મ 10 નવેમ્બર 1959નાં દિવસે પુણેમાં આવેલા ખડકી છાવણીનાં એક સિખ પરિવારમાં થયો હતો. અજય બંગાના પિતા હરભજન સિંહ બંગા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ રહી ચુક્યા છે. અજય બંગાએ દિલ્હીની સેન્ટ સ્ટિફન્સ કોલેજમાંથી બીએ ઓનર્સ (અર્થશાસ્ત્ર) ની ડિગ્રી લીધી છે. ત્યારબાદ તેમણે IIM અમદાવાદમાં પણ મેનેજમેન્ટનું જ્ઞાન લીધું છે.
ભણતર પૂરું કર્યા બાદ અજય બંગાએ નેસ્લે ઇન્ડિયા અને સિટી બેંક સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. 1996માં બંગા પેપ્સિકો સાથે જોડાયા અને અમેરિકા જતાં રહ્યાં. ત્યારબાદ 2009માં તેઓ માસ્ટર કાર્ડનાં પ્રેસિડેન્ટ તરીકે પસંદ થયાં અને CEOનાં પદ સુધી પહોંચ્યાં. ભારત સરકારે પણ અજય બંગાનાં કાર્યકાળને સન્માન આપતાં તેમને 2016માં પદ્મશ્રીથી નવાજ્યાં હતાં.
અમેરિકામાં ઓબામા શાસન દરમ્યાન અજય બંગાને સાયબર સિક્યોરીટી કમિશનનાં અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યાં હતાં. હવે અજય બંગા વર્લ્ડ બેંકના પ્રમુખ બને તેવા પૂરાં સંજોગો છે.