Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: યુવતીને માર મારનાર સ્પા સંચાલક મોહસીન વિરુદ્ધ IPCની વધુ 3 કલમનો...

    અમદાવાદ: યુવતીને માર મારનાર સ્પા સંચાલક મોહસીન વિરુદ્ધ IPCની વધુ 3 કલમનો ઉમેરો, અગાઉ દાણીલીમડા અને નારોલમાં પણ નોંધાયા હતા ગુના

    મોહસીનની ધરપકડ બાદ પોલીસે કરેલી તપાસમાં મોહસીન ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર આ પહેલા મોહસીન વિરુદ્ધ નારોલ, દાણીલીમડા તેમજ વસ્ત્રાપુર સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચુક્યા છે.

    - Advertisement -

    થોડા સમય પહેલાં અમદાવાદના સિંધુભવન ખાતે યુવતીને જાહેરમાં માર મારતો હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સુઓમોટો લઇ યુવતીનું કાઉન્સેલિંગ કરતા પીડિતાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં મોહસીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. તેવામાં હવે પોલીસ દ્વારા સિંધુભવન ખાતે યુવતીને માર મારનાર સ્પા સંચાલક મોહસીન વિરુદ્ધ FIRમાં IPCની વધુ 3 કલમોનો ઉમેરો કર્યો છે.

    અહેવાલો અનુસાર બોડકદેવ પોલીસે યુવતીને જાહેરમાં માર મારનાર સ્પા સંચાલક મોહસીન વિરુદ્ધ FIRમાં IPCની કલમો 354, 354 B અને 509નો ઉમેરો કર્યો છે. આ પહેલા આરોપી મોહસીન વિરુદ્ધ IPCની કલમો 354 A, 294 (B), અને 323 અંતર્ગત ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટના તારીખ 25 સપ્ટેમ્બર 2023ની છે. તે દિવસે મોહસીને નજીવી બાબતમાં પીડિતાને વાળથી ઢસડીને માર માર્યો હતો. આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે પોતે સંજ્ઞાન લઇ એક્શન લીધી હતી.

    આ મામલે બોડકદેવ પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં પોલીસે આરોપી મોહસીન હુસૈન રંગરેઝ વિરુદ્ધ IPCની વધુ 3 કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ અમદાવાદના સ્થાનિક ન્યાયાલયે મોહસીન વિરુદ્ધ 1 દિવસના રિમાન્ડ મંજૂર કરી તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

    - Advertisement -

    મોહસીન વિરુદ્ધ અગાઉ દાણીલીમડા અને નારોલ સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે

    ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં પીડિતા ફરિયાદ કરવા નહોતી માંગતી, પરંતુ પોલીસે તેનું કાઉન્સેલિંગ કરતા પીડિતાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. મોહસીનની ધરપકડ બાદ પોલીસે કરેલી તપાસમાં મોહસીન ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર આ પહેલાં મોહસીન વિરુદ્ધ નારોલ, દાણીલીમડા તેમજ વસ્ત્રાપુર સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે.

    સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વિડીયો

    ઉલ્લેખનીય છે કે સોમવાર (25 સપ્ટેમ્બર)ની ઘટનાનો આ વીડિયો બુધવાર (27 સપ્ટેમ્બર)ના રોજ અચાનક સોશિયલ મીડિયામાં વાઇરલ થવા માંડ્યો હતો.

    વાયરલ થયેલા વીડિયોમાં મોહસીન પીડિતાને લાફો મારતો નજરે પડ્યો હતો. લાફો માર્યા બાદ મહિલા પોતાને બચાવવા માટે મોહસીનને ધક્કો મારે છે. આવું કરવા છતાં મોહસીન તે મહિલાને તમાચા પર તમાચા મારતો જોવા મળી રહ્યો છે. જ્યારે મહિલા ચાલવા માંડે છે તો મોહસીન પણ તેની પાછળ તેને મારવા માટે ચાલતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મોહસીન ફરી તે મહિલાને મારતો નજરે પડે છે. તે મહિલાના વાળ પકડીને ખેંચતો જોવા મળ્યો હતો.

    આ ઘટના જોતો અન્ય એક યુવાન મોહસીનને પકડવા પ્રયાસ કરે છે તો મોહસીન તેને પણ તમાચો મારે છે. જેથી તે યુવાન મોહસીનને છોડી દે છે. ત્યારબાદ મોહસીન મહિલાના વાળ પકડી ખેંચી લાવી નિર્દયતાથી મહિલા પર લાફા વરસાતો જોવા મળ્યો હતો. આ વિડીયો વાયરલ થતાંની સાથે જ અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી અને પીડિત મહિલાને શોધી કાઢી હતી. આ દરમિયાન ફરાર થઇ ગયેલા મોહસીનને પણ ઝડપી લેવામાં આવ્યો અને તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી.

    આ સમગ્ર ઘટના બાદ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી જોઇને યુવતીએ જણાવ્યું કે તે નોર્થ-ઈસ્ટથી છે અને જે રીતે પોલીસે અને મીડિયાએ તેનો સહયોગ કર્યો એ જોઈને તેને ખૂબ હિંમત મળી હતી. તેને લાગ્યું કે આમાં તે એકલી નથી. સાથે જ તેણે મીડિયા અને પોલીસ બંનેનો આભાર માન્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં