Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન: દાણીલીમડાના ચંડોળા તળાવ વિસ્તારમાં કોમ્બિંગ...

    રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન: દાણીલીમડાના ચંડોળા તળાવ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું, ગેરકાયદે વસતા લોકો સામે થશે કાર્યવાહી

    અમદાવાદ પોલીસના આ વિશેષ તપાસ ઓપરેશનમાં 150 જેટલા પોલીસકર્મીઓ જોડાયા હતા અને સમગ્ર ચંડોળા તળાવ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

    - Advertisement -

    અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલાં શહેર પોલીસે પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે ગુરૂવારે શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવની આસપાસના વિસ્તારોમાં આજે તપાસ હાથ ધરવામાં આવી હતી. 

    અમદાવાદ પોલીસના આ વિશેષ તપાસ ઓપરેશનમાં 150 જેટલા પોલીસકર્મીઓ જોડાયા હતા અને સમગ્ર ચંડોળા તળાવ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે ખૂણેખૂણે જઈને લોકોની પૂછપરછ હાથ ધરી હતી અને અમુકને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા હતા. આ તમામ પાસેથી આધાર-પુરાવા માંગવામાં આવ્યા છે. જો તેમની પાસે કોઈ દસ્તાવેજી પુરાવા કે આધાર ન મળે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું. 

    મીડિયા સાથે વાતચીત કરતાં ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. ડી ગોહિલે જણાવ્યું હતું કે, આગામી રથયાત્રા સંદર્ભે આ તહેવાર શાંતિ-સૌહાર્દથી ઉજવાય કે ભાંગફોડિયા તત્વો કે વ્યવસ્થા ખોરવાય તેવી પ્રવૃત્તિ કરતા ઈસમોને કોઈ જગ્યા ન મળે તે માટે શહેર પોલીસ દ્વારા આ કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

    - Advertisement -

    ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલતા સર્ચ ઓપરેશનને લઈને તેમણે કહ્યું કે, અહીં મિલ્લતનગર, ગરીબ નવાઝ મસ્જિદ તેમજ વિસ્તારમાં જ્યાં બાંગ્લાદેશી મુસ્લિમોની વધુ વસ્તી છે ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કોઈ ભાંગફોડિયા તત્વો ધ્યાને આવશે કે ગેરકાયદેસર વસવાટ કરતા લોકો મળી આવશે તો તેમને રાઉન્ડ અપ કરવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે આગામી 20 જૂનના રોજ ભગવાન જગન્નાથ પારંપરિક રીતે અમદાવાદ શહેરમાં નગરચર્યાએ નીકળશે. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસ અને એજન્સીઓ કામ કરી રહી છે. 

    એજન્સીઓના ઇનપુટના આધારે જ અમદાવાદ પોલીસે તાજેતરમાં ઇસનપુર, શાહઆલમ. ચંડોળા તળાવ અને દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા 18 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. તેમના વિઝા પૂરા થઇ ગયા હોવા છતાં અહીં ગેરકાયદેસર રહેતા હોવાનું સામે આવ્યું હતું. તેમને હિરાસતમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. 

    તે પહેલાં ગત 21 મે, 2023ના રોજ એટીએસે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી 4 શકમંદોની ધરપકડ કરી હતી. તેમાંથી ત્રણ યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું. આ આરોપીઓ વર્ષ 2016થી પ્રતિબંધિત અલ કાયદાના સક્રિય સભ્ય હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. તેઓ યુવાનોને કટ્ટરપંથનાં પાઠ ભણાવતા હોવાનું અને આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. તેઓ ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવીને ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન અલ કાયદા સાથે સંકળાયેલું સાહિત્ય તેમજ બાંગ્લાદેશી ચલણ પણ મળી આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં