દેશભરમાં કૂતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રસ્તા પર રખડતા કૂતરા કરડવાથી મૃત્યુનો આંકડો પણ પાછલા દિવસોમાં વધ્યો છે. સોશિયલ મીડિયા પર એવા વિડીયો અવારનવાર વાયરલ થાય છે જેમાં કૂતરાઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી નાખી હોય. આમાં સૌથી વધુ ભોગ નાના બાળકો બની રહ્યા છે એટલે વાલીઓ બાળકોને રસ્તા પર એકલા મૂકવાથી ડરી રહ્યા છે. એવી જ ઘટના અમદાવાદમાં બની હતી જેમાં કૂતરાઓએ ઘોડિયામાં સૂતેલા બાળકને કરડી ખાધો હતો.
આ હૃદયદ્રાવક ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારમાં સોનલ સિનેમા રોડ પર બની હતી. ચાર જેટલા કૂતરાઓએ ઘોડિયામાં સૂતેલા ત્રણ મહિનાના બાળકને ખેંચીને નિર્દયતાથી બચકાં ભર્યા હતા. રિપોર્ટ્સમાં બાળક સાત મહિનાનું છે અને તેનું નામ પૂજા છે તેવું જણાવવામાં આવ્યું છે. જ્યારે અમુક અહેવાલોમાં તેની ઉંમર 3 વર્ષની જણાવવામાં આવી છે. બાળકને પીંખાતા જોઈને સ્થાનિક લોકો તાબડતોબ દોડી આવ્યા હતા અને નિર્દોષને કૂતરાના મોંમાંથી છોડાવ્યું હતું. રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના જુહાપુરામાં બાગ-એ-નિશાત સોસાયટીમાં આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ ધ્રુજાવી નાખે તેવા છે.
In yet another incident of stray dog menace, a 3-month-old baby of laborers was lifted from cradle, dragged and attacked by a pack of stray dogs in Juhapura area of Ahmedabad; CCTV footage of incident has gone viral pic.twitter.com/CzJSfRpqGf
— DeshGujarat (@DeshGujarat) April 21, 2023
મજૂર પરિવારનું બાળક ઘોડિયામાં સૂતું હતું
મકતમપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર હાજી સિમેન્ટવાલાએ જણાવ્યું હતું કે, ગુરુવારે સરખેજના સોનલ સિનેમા રોડ ઉપર એક સોસાયટીમાં મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. ત્યાં મજૂરી કરતા પરિવારનું નાનું બાળક શાંતિથી ઘોડિયામાં સૂતું હતું. દરમિયાન ત્રણથી ચાર કૂતરાઓ આવ્યા અને બાળકને ઘોડિયામાંથી ખેંચીને બહાર લઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું
કૂતરાઓએ એ નિર્દોષ બાળકના પગ અને કમર સહિતના ભાગોએ બચકાં અને નખ ભર્યા હતા. તેઓ બાળકને ખેંચીને રોડ પર દોડ્યા હતા. બાળક પર તૂટી પડેલા કૂતરાઓને જોઈને ગભરાયેલા સ્થાનિકોએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યું હતું. જોકે, બાળક ગંભીર રીતે ઘાયલ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં કૂતરાના કરડવાથી બાળકનું મૃત્યુ થઈ ગયું હતું.
સીસીટીવી કેમેરામાં કમકમાટીભર્યા દ્રશ્યો જોવા મળ્યા
સોસાયટીના સીસીટીવી કેમેરામાં ઘટનાના કરુણ દ્રશ્યો ઝડપાઈ ગયા હતા. કોર્પોરેટરે જણાવ્યું કે, જો સ્થાનિકોએ બાળકીને બચાવવામાં જરા પણ વિલંબ કર્યો હોત તો તેનું મૃત્યુ થઈ શક્યું હોત. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આરોપ મૂક્યો હતો કે કૂતરાઓના ખસીકરણમાં કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ કોઈ નિયંત્રણ નથી આવ્યું.
અમદાવાદમાં વર્ષ 2022માં કૂતરાઓના કરડવાના 58,668 કેસ નોંધાયા હતા, જે 2021ની સરખામણીમાં 7,457 વધુ છે. AMCના ડેટા મુજબ, 2022માં આવા કેસ સૌથી વધુ ડિસેમ્બરમાં નોંધાયા હતા. જોકે, અધિકારીનું કહેવું છે કે, 2022 નો આંકડો 2019ની સરખામણીમાં ઘણો ઓછો છે.