અમદાવાદમાં એક ગૌરક્ષક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. થોડા સમય પહેલાં હિંદુ વ્યક્તિએ અમુક મુસ્લિમ શખ્સો સામે ગૌમાંસ તસ્કરીની ફરિયાદ કરી હતી, જેની અદાવત રાખીને જ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ગૌરક્ષકની ફરિયાદ બાદ પોલીસે આ મામલે મોહમ્મદ હુસૈન સહિત પાંચ ઇસમોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના કારંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા લાલ દરવાજા ખાતે ઘટી હતી. ગૌરક્ષક મનોજ બારિયાએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 21 જાન્યુઆરીની (મંગળવાર) સવારે આઠ વાગ્યાના સુમારે રૂપાલી સિનેમા પાસે તેમના એક મિત્ર સાથે ઉભા હતા. આ દરમિયાન મોઢે બુકાની બાંધીને આવેલા ચારથી પાંચ લોકો તેમના પર તીક્ષ્ણ હથિયાર અને ધોકા-ડંડા લઈને તૂટી પડ્યા હતા.
દરમિયાન એક વ્યક્તિના અવાજ પરથી ફરિયાદી તેને ઓળખી ગયા. વાસ્તવમાં તે મોહમ્મદ હુસૈન ઉર્ફે લાઈટ ઉસ્માન ઘાંચી હતો. બારિયાએ લગભગ ત્રણેક મહિના અગાઉ ગાંધીનગરમાં હુસૈન અને તેના માણસો પાસેથી લગભગ 700 કિલોગ્રામ ગૌમાંસ ઝડપીને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ કાર્યવાહીની અદાવત રાખીને જ હુસૈને તેના સાગરીતો સાથે મળીને ફરિયાદી ગૌરક્ષક પર હુમલો કર્યો હોવાનો આરોપ છે.
આ હુમલામાં તેની સાથે મોહમ્મદ વસીમ કુરેશી, મુબીન ખાન પઠાણ સહિત અન્ય 2 મળીને કુલ 5 જણા સામેલ હતા. આ હુમલાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આરોપીઓએ મોં પર કપડાં બાંધેલાં છે અને તેઓ ગૌરક્ષકને ઘેરીને તેમને માર મારી રહ્યા છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
આરોપીની ધરપકડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું
કારંજ પોલીસ મથકમાંથી ઑપઇન્ડિયાને જાણવા મળ્યું કે, ફરિયાદ મળતાંની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સામે આવેલા CCTV અને ફરિયાદીના વર્ણન અનુસાર પોલીસે આરોપીઓની શોધખોળ કરીને રાત્રે જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. તમામ વિરુદ્ધ BNSની કલમ 189(2), 191(2), 191(3), 190, 115(2), 118(1) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “ઘટનાની રાત્રે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં અન્ય ત્રણની પુષ્ટિ પણ થઈ ગઈ અને વહેલી સવારે જ બીજા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ બાદ પાંચેય વિરુદ્ધ ધારાધોરણો અનુસાર કાર્યવાહી કરીને તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા. રિમાન્ડ મેળવ્યા બાદ અમે આરોપીઓને સાથે રાખીને સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.”