અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કારણ કે, ખાલિસ્તાની આતંકીએ ઓડિયો મેસેજ દ્વારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવાની અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાનનો ઝંડો ફરકાવવાની ધમકી આપી હતી.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ ઘણા બધા ભારતીયોને એક વિદેશી નંબરથી કોલ આવ્યા હતા જેમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુનો ધમકીભર્યો ઓડિયો મેસેજ વાગી રહ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, “5 ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પણ ‘ટેરર વર્લ્ડ કપ’ શરૂ થશે”.
અમદાવાદ શહેર પોલીસ આવા સંગઠન કે તેના સમર્થકો દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રવૃત્તિ કે જે ભારત દેશના નાગરિકોમાં ભય પેદા કરે કે દેશની અખંડીતતા કે સાર્વભૌમત્વને નુકશાન પહોંચાડે તેને કયારેય સફળ થવા દેશે નહિ આવી ધમકીઓને પહોંચી વળવા માટે અમદાવાદ શહેર પોલીસ સજ્જ અને સક્ષમ છે.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 29, 2023
જે બાદ હવે અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે જાતે જ ફરિયાદી બનીને આતંકી ગુરપતવંત સિંઘ પન્નુ સામે FIR નોંધીને તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે 28 સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા ફોન નંબરથી કેટલાય લોકોને ધમકીભર્યા કોલ આવ્યા હતા. જેમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની પ્રીરેકોર્ડેડ ક્લિપ વાગી રહી હતી. ઘણા લોકોએ આ બાબતે વિવિધ માધ્યમોથી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ઓડિયો ક્લિપના રેકોર્ડિંગ સાથે તેમનું ધ્યાન દોર્યું હતું.
શું હતી ધમકી?
ફોન નંબર +44 7418343648 પરથી આવેલા કોલમાં પહેલાંથી રેકોર્ડ કરેલા ઓડિયો બોલી રહ્યો હતો. જેમાં ગુરપતવંત સિંઘ પન્નુ કહે છે કે, “શહીદ નિજ્જરની હત્યાને લઈને અમે બુલેટના વિરોધમાં બેલેટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. અમે તમારી હિંસાની વિરુદ્ધમાં વોટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. આ ઓકટોબરમાં ક્રિકેટ વર્લ્ડ કપ નહિ હોય, 5 ઓક્ટોબરે ‘ટેરર વર્લ્ડ કપ’ શરૂ થશે. આ મેસેજ ગુરપતવંત સિંઘ પન્નુ તરફથી છે, SFJ (શીખ ફોર જસ્ટિસ)ના જનરલ કાઉન્સિલ તરફથી.”
Khalistani terrorist Pannu issues threats through recorded call, says cricket world cup will be ‘world terror cup’, ‘advises’ to shut down embassy in Canada.
— JIX5A (@JIX5A) September 27, 2023
Khalistani terrorist Gurpatwant Singh Pannun has threatened the ICC Cricket World Cup, especially the match to be held… pic.twitter.com/tTzX3xsPp9
ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા આ પહેલા પણ ભારત દેશની એકતા-અખંડીતતા, સાર્વભૌમત્વને નુકશાન થાય અને લોકોમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા પ્રકારના અને ભારતના મહાનુભાવોને ચીમકી આપતા જુદા-જુદા વીડિયો અને ટીપ્પણીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે FIRના આધારે આ દિશામાં તપાસ આદરી છે.
5 ઓક્ટોબરથી શરૂ થશે વિશ્વકપ, અમદાવાદમાં પહેલી મેચ
ઉલ્લેખનીય છે કે પૂરા 12 વર્ષો બાદ ફરી એકવાર ભારતની ધરતી પર ક્રિકેટ વિશ્વકપ યોજવા જઈ રહ્યો છે. આ સ્પર્ધાની શરૂઆત 5 ઓક્ટોબરથી થવાની છે.
વિશ્વકપની પહેલી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. નોંધનીય છે કે છેલ્લા વિશ્વકપમાં આ બંને ટીમ જ ફાઇનલ રમી હતી અને તેમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો.