ઉત્તર પ્રદેશના ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં (Gorakhnath Temple) PAC જવાનો પર હુમલો કરનારા અહમદ મુર્તઝા અબ્બાસીને (Ahmed Murtaza Abbasi) કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ગત 4 એપ્રિલના રોજ તેણે મંદિરની બહાર જવાનો પર હુમલો કર્યો હતો.
ગોરખનાથ મંદિર હુમલાની સુનાવણી ATS-NIA કોર્ટમાં ચાલી રહી હતી. અગાઉ કોર્ટે મુર્તઝાને UAPA અને જીવલેણ હુમલા મામલે દોષી ઠેરવ્યો હતો. સોમવારે (30 જાન્યુઆરી 2023) તેની સજાનું એલાન કરવામાં આવ્યું હતું. સુનાવણી દરમિયાન તેને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મુર્તઝા અબ્બાસીને ફાંસીની સજા સંભળાવી છે.
Death Penalty in Section 121 and life imprisonment in 307 IPC announced to Ahmed Murtaza Abbasi by NIA Court, in the Gorakhnath Temple attack incident in record 60 days of continuous hearing.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 30, 2023
અબ્બાસીને કોર્ટે આઇપીસીની કલમ 121 હેઠળ મૃત્યુદંડ અને કલમ 307 હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ મામલે રેકોર્ડ 60 દિવસ સુધી સુનાવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે અહમદ મુર્તઝા અબ્બાસીએ ગત એપ્રિલ મહિનામાં ગોરખનાથ મંદિરની બહાર સુરક્ષામાં તહેનાત જવાનો પર ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો અને તેમનાં હથિયારો આંચકી લેવાના પણ પ્રયાસ કર્યા હતા.
રિપોર્ટ અનુસાર, અબ્બાસી મંદિરમાં ઘૂસવાના પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે ગેટ પર તહેનાત PACના બે જવાનોને તેની ઉપર શંકા જતાં તેને રોક્યો હતો. ત્યારબાદ અબ્બાસીએ બંને જવાનો પર હથિયાર વડે હુમલો કરી દીધો હતો અને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતો મેઈન ગેટ પર આવ્યો હતો. જ્યાં બે અધિકારીઓએ તેને પકડી લીધો હતો.
અબ્બાસીની ધરપકડ બાદ તેની પાસેથી મળેલાં ડિવાઇસ અને તેનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી જાણવા મળ્યું હતું કે, તે ISIS આતંકવાદીઓ સાથે સંપર્કમાં હતો અને 2014માં બેંગ્લોર પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. તે સોશિયલ મીડિયા મારફતે ISISના આતંકવાદીઓના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, તેણે આતંકી સંગઠનમાં સામેલ થવા માટે શપથ પણ લીધી હોવાનું પછીથી સામે આવ્યું હતું.
મુર્તઝાના ઘરે કરવામાં આવેલ તપાસમાં પોલીસને એરગન તથા જેહાદી સાહિત્ય પણ મળી આવ્યું હતું, જેમાંથી અરબી ભાષામાં લખાયેલ સાહિત્ય પણ સામેલ હતું. તે હંમેશા ઇસ્લામિક કટ્ટરપંથીઓના વિડીયો જોતો હતો એટલું જ નહીં, સીરિયા સહિતના દેશોમાં સક્રિય આતંકવાદી સંગઠનોને પૈસા પણ મોકલતો હતો.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ગોરખનાથ મંદિરની બહાર હુમલો કર્યા બાદ પકડાઈ ગયેલા અહમદ મુર્તઝા અબ્બાસીના પિતાએ કહ્યું હતું કે, તેમનો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ છે. પરંતુ તેની મેડિકલ તપાસ કરનારા ડોક્ટરોએ આ દાવો સદંતર નકારી દીધો હતો અને જણાવ્યું હતું કે તે માનસિક રીતે બિલકુલ સ્વસ્થ છે.