ભોપાલથી આશરે 14 કિલોમીટર દુર આવેલું એક નાનકડું નગર, નામ “ઇસ્લામ નગર”, અનેક મંદિરો, દેવાલયોના ખડેર અવશેષોની ભરમાર વાળા આ નગરમાં એક સમયે પરમારો અને ત્યાર બાદ દેવડા ચૌહાણ રજપૂતોની છત્રછાયામાં “જગદીશપુર” નામથી ઓળખવામાં આવતું. પણ ત્રણ સદીઓ પહેલા એક ગોઝારી રાત એવી આવી જેણે આ હસતા રમતા નગર પર એવું રક્તરંજિત ગ્રહણ લગાવ્યું કે, તે સમયની “બેસ” અને આજની “હલાલ નદી”માં લોહી વહ્યું કે લોહીમાં નદી..કહેવું મુશ્કેલ થઈ પડ્યું અને જગદીશપુર બની ગયું ઇસ્લામ નગર. ત્યારે હવે 308 વર્ષ બાદ મધ્યપ્રદેશનું ઇસ્લામ નગર ફરી એક વાર બનશે જગદીશપુર.
308 વર્ષ બાદ મધ્યપ્રદેશનું ઇસ્લામ નગર ફરી એક વાર જગદીશપુર બને તેવી માંગ ઉઠયા બાદ હવે કેન્દ્ર સરકારે ગામનું નામ બદલીને જગદીશપુર રાખવાની લીલી ઝંડી આપી દીધી છે. પણ જગદીશપુરના ઇસ્લામ નગર બનવા પાછળ કાળજું કંપાવી દે તેવો રક્તરંજિત ભૂતકાળ છે. ઔરંગઝેબના સેનાપતિ દોસ્ત મુહમ્મદ ખાને 308 વર્ષ પહેલા કાયરતાની તમામ હદો પર કરી આચરેલા રાજપૂતોના હત્યાકાંડ બાદ આ નગરનું નામ ઇસ્લામપુર કરી નાંખ્યું હતું. 3 સદીઓ પહેલાના મૂળ હિંદુઓના આ નગરનું નામ ફરી જગદીશપુર કરવા માટે છેલ્લા 3 દશકાઓથી લડત ચાલી રહી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકારે NOC આપી દેતા 308 વર્ષ બાદ ભોપાલનું ઇસ્લામ નગર ફરી એક વાર બનશે જગદીશપુર.
દોસ્ત મુહમ્મદની ક્રૂર કાયરતા અને બદલાઈ ગયું નગરનું નામ
જગદીશપુરમાં 11 મી સદીના પરમાર કાલીન મંદિરના પથ્થરો અને શિલ્પો મળી આવે છે. જે સાબિતી આપે છે કે પરમાર કાળમાં અહીં મંદિરો હતા. પરમારો બાદ આ વિસ્તાર જબલપુરના ગોંડ રાજા સંગ્રામ શાહના બાવીસ ગઢ પૈકીનો એક હતો, તેથી અહીં ગોંડ મહેલ પણ આવેલો છે. ગોંડ શાસન બાદ આ કિલ્લો અને કિલ્લો દેવરા રાજપૂતોના નિયંત્રણમાં રહ્યો. 1715માં દોસ્ત મુહમ્મદે ખાને જગદીશપુર પર આક્રમણ કર્યું હતું, પરંતુ તેને સફળતા મળી ન હતી.
રાજપૂતો પર હુમલો કરવામાં નિષ્ફળ રહેલા દોસ્ત મુહમ્મદે પોતાના સ્વભાવ મુજબ ષડયંત્રનો સહારો લીધો. તેણે બેસ નદીના કાંઠે રાજપૂત શાસક દેવરા ચૌહાણને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું. દેવરા ચૌહાણ સહિત તમામ રાજપૂત મહેમાન બની જમી રહ્યા હતા ત્યારે કાયર દોસ્ત મુહમ્મદે તંબુના દોરડાં કાપી નાંખ્યા હતા અને તમામ ષડયંત્રથી અજાણ ભોજન કરી રહેલા રાજપૂતોની કાયરતા પૂર્વક હત્યા કરી દેવામાં આવી. કહેવાય છે કે આ હત્યાકાંડમાં એટલું લોહી વહી ગયું કે નદીનું પાણી લાલ થઈ ગયું અને ત્યારથી આ નદી હલાલી તરીકે ઓળખાવા લાગી. આ રીતે જગદીશપુરને કાયર દોસ્ત મુહમ્મદે કપટથી કબજે કરી તેનું નામ બદલીને ઈસ્લામનગર કરી નાખ્યું હતું.
‘જગદીશપુર’માં હિંદુ સ્થાપત્યોની ભરમાર છે
દૈનિક ભાસ્કરે આપેલા રીપોર્ટ મુજબ ભોપાલ નજીક આવેલું આ ગામ સૂકા સેવણિયા થઈને બારાસિયાથી વિદિશા જતા હાઈવેની ડાબી બાજુએ આવેલું છે. રસ્તા પર બે મોટા બોર્ડ લાગેલા છે, એક બોર્ડમાં ધારાસભ્યની તસવીર છે જેના કેપ્શનમાં લખ્યું છે કે ,વેલકમ ટુ જગદીશપુર. બીજું બોર્ડ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું છે, જેના પર ઇસ્લામ નગર સુધીનું અંતર લખેલું છે. ગામ તરફ બે કિલોમીટર આગળ વધતા 17મી સદીમાં બનેલો એક કિલ્લો જોવા મળે છે, જે આ ગામની ઓળખ છે. હાલમાં તે પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ છે.
નામ બદલવા અંગે ગામમાં પણ ચર્ચા ચાલી રહી છે. રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર વન વિભાગના નિવૃત્ત કર્મચારી મનોહર જૈન કરિયાણાની દુકાન ચલાવે છે. જગદીશપુરનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે- આ તેમની ઓળખ છે. ગામના તમામ લોકોની જૂની ઓળખમાં પાછા ફરવાની ઇચ્છા છે. ગામના આમિરનું કહેવું છે કે ગામનું નામ જગદીશપુર હોવું જોઈએ.
જો કે ગામનું નામ બદલવાને લઈને સરકારી ફાઈલો 30 વર્ષથી ચાલી રહી છે. એક સત્તાવાર પત્ર અનુસાર, હુઝુર તહસીલદારે 19 ઓગસ્ટ, 1993 ના રોજ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતે નામ બદલવાનો ઠરાવ પસાર કર્યો હતો. પત્રમાં પણ ખાસ લખ્યું હતું – ગામનું નામ બદલવું એ ગામ લોકોને સ્વીકાર્ય છે. તે ઇચ્છે છે કે ટૂંક સમયમાં નામ બદલવામાં આવે. આમ કરવાથી ગામમાં તણાવની સ્થિતિ નહીં રહે.
રીપોર્ટ અનુસાર બૈરસિયાના ધારાસભ્ય વિષ્ણુ ખત્રી કહે છે, “અમે 2008માં પણ એક પ્રસ્તાવ મોકલ્યો હતો. રાજ્ય સરકારે સંમતિ આપી હતી, પરંતુ તત્કાલીન યુપીએ સરકારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપ્યું ન હતું. 2014માં તેમણે ફરીથી કેન્દ્ર સરકાર પાસે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) માગ્યું હતું. સર્વે ઓફ ઈન્ડિયાએ જુલાઈ ૨૦૨૧ માં અને ગૃહ મંત્રાલયે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેની એનઓસી બહાર પાડી હતી. હવે રાજ્ય સરકારને ઇસ્લામ નગરના નવા નામ જગદીશપુરનું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાનું કહેવામાં આવ્યું છે, જેથી મહેસૂલ, ટપાલ વિભાગ સહિત અન્ય તમામ વિભાગોના દસ્તાવેજોમાં નવું નામ નોંધી શકાય.