Sunday, April 21, 2024
More
  હોમપેજવગેરે...મનોરંજન'વેબસિરીઝોમાં પરિવાર સાથે ન જોઈ શકાય તેટલી ગંદકી હોય છે': ઓટીટીને સેન્સરશિપ...

  ‘વેબસિરીઝોમાં પરિવાર સાથે ન જોઈ શકાય તેટલી ગંદકી હોય છે’: ઓટીટીને સેન્સરશિપ હેઠળ લાવવા જૈન આચાર્ય રત્નસુંદર સૂરિશ્વરજી કરશે SCમાં અરજી

  ચાતુર્માસ નિમિત્તે સુરત પધારેલા ભાનુશ્વરી સમુદાયના જૈન આચાર્ય રત્નસુંદર સૂરિશ્વરજીએ વેસુ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી. આ પહેલા બોલીવુડ એક્ટર સલમાન ખાનથી લઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સુધી આવી માંગ કરી ચૂકયા છે.

  - Advertisement -

  હાલનો જમાનો ટીવી અને સિનેમાથી ઘણો આગળ નીકળી ગયો છે. હવે જાતજાતનું અને ભાતભાતનું મનોરંજન ગ્રાહકોને આગલીના ટેરવે તેમના જ મોબાઈલમાં મળવા લાગ્યું છે. ઓટીટી (OTT) એ મનોરંજનની પરિભાષા જ બદલી દીધી છે. OTTમાં નિર્માતાઓ એ તમામ વસ્તુઓ બતાવી શકે છે જે સેન્સરશિપના કારણે હમણાં સુધી ટીવી કે સિનેમા પર બતાવવું શક્ય નહોતું. તેના ફાયદાઓની સાથે ગેરફાયદાઓ પણ એટલા જ છે. માટે જ હાલ ચાતુર્માસ નિમિત્તે સુરત પધારેલા પદ્મભૂષણ જૈન આચાર્ય રત્નસુંદર સૂરિશ્વરજીએ ઓટીટી પ્લેટફોર્મ્સને સેન્સરશિપ હેઠળ લાવવામાં માટે હાઇકોર્ટમાં અરજી કરવાની વાત કરી છે.

  દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર ચાતુર્માસ નિમિત્તે સુરત પધારેલા પદ્મભૂષણ જૈન આચાર્ય રત્નસુંદર સૂરિશ્વરજીએ ઓટીટી પ્લેટફોર્મ અને તેના પર પીરસવામાં આવતી સામગ્રીઓ બાબતે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, “ઓટીટી પ્લેટફોર્મ્સ પરની વેબસિરીઝોમાં એટલી ગંદકી હોય છે કે પરિવાર સાથે બેસીને તે જોવી અશક્ય બની જાય છે.”

  તેઓએ આગળ વાત કરતા ઉમેર્યું હતું કે, “જો ફિલ્મોમાં સેન્સર બોર્ડ કામ કરી શકતું હોય તો આ ઓટીટી પર કેમ નહીં. હું આ બાબતે હાઇકોર્ટમાં અરજી કરીશ.”

  - Advertisement -

  કોણ છે આચાર્ય રત્નસુંદર સૂરિશ્વરજી

  ચાતુર્માસ નિમિત્તે સુરત પધારેલા ભાનુશ્વરી સમુદાયના જૈન આચાર્ય રત્નસુંદર સૂરિશ્વરજીએ વેસુ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી. તેઓએ ભાર દઈને જણાવ્યું હતું કે, “વર્તમાન પેઢી પાસેથી જો સારી અપેક્ષા રાખવી હોય તો તેને સારું પીરસવું પડશે. યુવાનોને જેવું પીરસાય છે તેવું જ તેમનામાં ઉગે છે.”

  નોંધનીય છે કે ૭૨ વર્ષીય આચાર્ય રત્નસુંદર સૂરિશ્વરજીએ હમણાં સુધી આ વિષયમાં ૪ પિટિશન દાખલ કરી છે. જેમાંથી એક પિટિશનમાં માંગ કરાઈ હતી કે નાના ભુલકાઓને સેક્સ એજ્યુકેશન ના આપવામાં આવે. તેમની આ પિટિશન સ્વીકારવામાં પણ આવી હતી.

  સલમાન ખાને OTT પર સેન્સરશિપની કરી છે માંગ

  નોંધનીય છે કે માત્ર જૈન આચાર્યએ જ નહીં, આ પ્રકારની માંગ ઘણા લોકો ઉઠાવી ચૂક્યા છે. બોલીવુડના કલાકાર સલમાન ખાને પણ એપ્રિલ મહિનામાં આ જ પ્રકારની માંગ કરી હતી.

  એક એવોર્ડ શૉની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાન ખાનને ડિજિટલ પ્લેટફોર્મના કન્ટેન્ટ વિશે સવાલ પૂછવામાં આવ્યો. તેના જવાબમાં અભિનેતાએ કહ્યું હતું કે– “મારા મતે ઓટીટી પર સેન્સરશિપ હોવી બહુ જરૂરી છે. આ ગાળાગાળી, અશ્લીલતા અને ઇન્ટીમેટ સીન્સ બધું બંધ થવું જોઈએ. 15થી 16 વર્ષના બાળકો પણ ક્યાંકને ક્યાંક આ બધું જુએ છે. જો તમારી દીકરી હોય અને આવું જુએ તો તમને કેવું લાગશે?”

  સલમાન ખાને ઓટીટી સેન્સરશિપ પર ભાર મૂકતાં કહ્યું કે, “આ માટે સેન્સરશિપનું પગલું લેવાય તે યોગ્ય છે. જો સાફસૂથરું કન્ટેન્ટ હશે તો અનેક ગણું ચાલશે અને લોકો પણ તેને જોવાનું પસંદ કરશે.” ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન પહેલાં પણ ઘણાં સેલિબ્રિટી ઓટીટી પર વલ્ગારિટી મામલે વાંધો દર્શાવી ચૂક્યા છે.

  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ પણ ઉઠાવી ચૂક્યા છે અવાજ

  તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં અશ્લીલ કન્ટેન્ટ ધરાવતી વેબ સિરીઝ પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા થઈ હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે રાજ્ય સરકાર ‘વાંધાજનક વેબ સિરીઝ’ પર પ્રતિબંધ મૂકવા માટે પગલાં લેશે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કથાકાર દેવકીનંદન ઠાકુરના પ્રવચન કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણે આ વાત ઉચ્ચારી હતી.

  શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, “મહારાજ દેવકીનંદન ઠાકુરજીએ વાંધાજનક વેબ સિરીઝ પર પ્રતિબંધની વાત કરી. યુવા પેઢી સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે. આ માટે રાજ્ય સરકાર અનિવાર્ય પગલાં લેશે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં