Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમધ્ય પ્રદેશમાં અશ્લીલ વેબ સિરીઝ પર લાગી શકે છે પ્રતિબંધ: મુખ્યમંત્રી શિવરાજ...

    મધ્ય પ્રદેશમાં અશ્લીલ વેબ સિરીઝ પર લાગી શકે છે પ્રતિબંધ: મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, ‘યુવા પેઢી સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે’

    દેવકીનંદન ઠાકુર ઓટીટી પ્લેટફોર્મ્સના કન્ટેન્ટ સામે સવાલ ઉઠાવતા રહ્યા છે. તેમના મતે આવી વેબ સિરીઝ સામાજિક સંબંધો પર નકારાત્મક અસર કરે છે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશમાં અશ્લીલ કન્ટેન્ટ ધરાવતી વેબ સિરીઝ પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર ‘વાંધાજનક વેબ સિરીઝ’ પર પ્રતિબંધ મૂકવા માટે પગલાં લેશે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કથાકાર દેવકીનંદન ઠાકુરના પ્રવચન કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણે આ વાત ઉચ્ચારી હતી.

    ‘વેબ સિરીઝ પર પ્રતિબંધ માટે આવશ્યક પગલાં લેવામાં આવશે’

    શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, “મહારાજ દેવકીનંદન ઠાકુરજીએ વાંધાજનક વેબ સિરીઝ પર પ્રતિબંધની વાત કરી. યુવા પેઢી સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે. આ માટે રાજ્ય સરકાર અનિવાર્ય પગલાં લેશે.”

    આ ઉપરાંત, શિવરાજ સિંહ ચૌહાણે એવું પણ જણાવ્યું કે, પ્રદેશમાં દારૂ પર નિયંત્રણના પૂરતા પ્રયાસ કરવામાં આવશે. હાલમાં જ મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાણાં બંધ કરવામાં આવ્યા છે, જે આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

    - Advertisement -

    તેમણે એવું પણ ઉમેર્યું કે, મધ્ય પ્રદેશ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વની ભૂમિ છે. દેવકીનંદન ઠાકુર ઓટીટી પ્લેટફોર્મ્સના કન્ટેન્ટ સામે સવાલ ઉઠાવતા રહ્યા છે. તેમના મતે આવી વેબ સિરીઝ સામાજિક સંબંધો પર નકારાત્મક અસર કરે છે.

    મુખ્યમંત્રીએ દશેરા મેદાન, તાત્યા ટોપે નગર પહોંચીને મહારાજ દેવકીનંદન ઠાકુરનું પ્રવચન સાંભળીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે મહારાજ જી ભાગવત કથા કહી રહ્યા છે. હું આજકાલ લાડલી બહેના કથા કહી રહ્યો છું.

    ઉલ્લેખનીય છે કે, શિવરાજ સરકાર લાડલી બહેન યોજના લઈને આવી છે જેના કારણે રાજ્યમાં લાભાર્થીઓની લાંબી લાઈનો લાગી છે. મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં પણ આ લાઈનો જોવા મળી છે. મધ્ય પ્રદેશમાં આ વર્ષાંતે વિધાનસભા ચૂંટણી થવાની છે.

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું- ‘અશ્લીલતા બિલકુલ સ્વીકારવામાં નહીં આવે’

    માર્ચની શરૂઆતમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ પર અશ્લીલતા અને ગાળાગાળીને રોકવા માટે કડક પગલાં લેવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટ અંગેની ફરિયાદોને લઈને ગંભીર છે. જો જરૂર પડશે તો નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. અનુરાગ ઠાકુરે ઉમેર્યું કે, “સર્જનાત્મકતાના નામે અશ્લીલતા સહન નહીં કરવામાં આવે.”

    દિલ્હી હાઈકોર્ટે પણ વેબ સિરીઝની ભાષા પ્રત્યે વાંધો ઉઠાવ્યો હતો

    દિલ્હી હાઈકોર્ટે પણ ગત મહિને ‘કોલેજ રોમાન્સ’ નામની વેબ સિરીઝની અભદ્ર ભાષા પર વાંધો દર્શાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવી વેબ સિરીઝ યુવાનોના મગજ અને ચરિત્રને બગાડશે. તો ગયા વર્ષે XXX વેબ સિરીઝમાં સૈનિકોનું અપમાન કરવા બદલ નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તાજેતરમાં અભિનેતા સલમાન ખાને પણ ઓટીટી સેન્સરશિપની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે, આપણે ભારતમાં રહીએ છીએ. તમારી દીકરી આવું જુએ તો તમને કેવું લાગે?

    ઉલ્લેખનીય છે કે, ભારતની OTT વ્યૂઅરશિપ 4.3 કરોડ છે જે 2023ના અંત સુધીમાં વધીને 5 કરોડ થવાનો અંદાજ છે. કોવિડ દરમિયાન થિએટરો બંધ હોવાના કારણે ઓટીટી કન્ટેન્ટની વ્યૂઅરશિપમાં અનેક ગણો વધારો થયો હતો. પરંતુ, આ પ્લેટફોર્મની વધતી લોકપ્રિયતા અને કન્ટેન્ટને કારણે તેના પર નિયંત્રણની માંગ પણ ઊભી થઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં