દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાત અને જાહેર માધ્યમોમાં ઉપલબ્ધ તેમની ડિગ્રીઓ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. આ જ મુદ્દાને લઈને ચાલતા એક કેસમાં ગુજરાત હાઇકોર્ટ કેજરીવાલને ફટકાર પણ લગાવી ચૂકી છે. જોકે, તેમ છતાં તેમણે હજુ આ મુદ્દો પકડી રાખ્યો છે અને હવે આમ આદમી પાર્ટીએ (AAP) નવું અભિયાન લૉન્ચ કર્યું છે- ડિગ્રી દિખાઓ અભિયાન.
AAP નેતા અને મનિષ સિસોદિયા જેલમાં ગયા બાદ તેમના સ્થાને શિક્ષણ મંત્રી બનેલાં આતિશી માર્લેનાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ ડિગ્રી અભિયાન લૉન્ચ કર્યું હતું. તેમણે કહ્યું કે, આજથી દરરોજ આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની ડિગ્રીઓ દેશ સામે રજૂ કરશે.
“डिग्री दिखाओ Campaign”🎓
— AAP (@AamAadmiParty) April 9, 2023
आज से रोज AAP के नेता अपनी Degree देश के सामने रखेंगे
मेरे पास 3 डिग्री है:
1️⃣BA (Delhi University)
2️⃣MA (Oxford University)
3️⃣2nd Master’s (Oxford University)
देश के सभी नेताओं से अपील: अपनी डिग्री दिखाएं, खासकर BJP के वरिष्ठ नेता।
–@AtishiAAP pic.twitter.com/Cj7OA7AGp8
આ ‘ડિગ્રી દિખાઓ કેમ્પેઈન’ની જાહેરાત કરતા આતિશીએ કહ્યું કે તેઓ પોતે આ અભિયાનની શરૂઆત કરી રહ્યાં છે અને ત્યારબાદ પોતાની BA, MA અને 2nd માસ્ટર્સની ડિગ્રીઓ રજૂ કરી હતી. તેમણે દેશના તમામ નેતાઓને તેમજ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પોતાની ડિગ્રીઓ દેશ સામે રજૂ કરવાની અપીલ કરી હતી.
2015માં કેજરીવાલ સરકારના તત્કાલીન મંત્રીની ફેક ડિગ્રી કેસમાં ધરપકડ થઇ હતી
આમ આદમી પાર્ટી આજે ડિગ્રીને લઈને એક કેમ્પેઈન કરી રહી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે તેમની જ પાર્ટીના એક નેતા અને દિલ્હીની કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી ફેક ડિગ્રી કેસમાં પકડાઈ ચૂક્યા છે.
વર્ષ 2015માં આમ આદમી પાર્ટી નેતા અને તત્કાલીન કાયદા મંત્રી જીતેન્દ્ર સિંઘ તોમરની ફેક ડિગ્રી કેસમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમની ઉપર ચૂંટણીમાં ઉમેદવારી કરતી વખતે એફિડેવિટમાં ફર્જી લૉ ડિગ્રી રજૂ કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે તેમની સામે દિલ્હી પોલીસે IPCની કલમ 420, 467, 468, 471 અને 120B હેઠળ ગુનો પણ દાખલ કર્યો હતો.
ફેબ્રુઆરી, 2015માં દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને AAP નેતા ઉપર લૉ સ્ટુડન્ટ તરીકે પ્રવેશ મેળવવા માટે ફેક અન્ડર ગ્રેજ્યુએટ ડિગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. આ અરજીમાં એક RTI જવાબનો આધાર લેવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સીટીએ જણાવ્યું હતું કે, નેતાની ડિગ્રી, માર્કશીટ અને રોલ નંબર બધું જ ફર્જી હતું. ત્યારબાદ આ મામલે બાર કાઉન્સિલે તપાસ શરૂ કરી હતી.
AAP નેતાએ જે બિહારની તિલકા માંઝી ભાગળપુર યુનિવર્સીટીમાંથી આ ડિગ્રી મેળવી હોવાનો દાવો કર્યો હતો તેણે કોર્ટને જણાવ્યું હતું કે, આ પ્રમાણપત્ર સાચું નથી અને તેમના અધિકારીક રેકોર્ડમાં તેનું ક્યાંય નામનિશાન નથી. તેમજ કોર્ટ સામે તપાસ રિપોર્ટ રજૂ કરીને કહ્યું હતું કે, પ્રમાણપત્રમાં જે સિરિયલ નંબર બતાવવામાં આવ્યો છે તેમાં તોમરની જગ્યાએ અન્ય વ્યક્તિનું નામ બતાવે છે.
આ ઉપરાંત તેમણે રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સીટીમાંથી B.SCની ડિગ્રી મેળવી હોવાના પણ દાવા કર્યા હતા, જે પણ ખોટા સાબિત થયા હતા. યુનિવર્સીટીએ આવો કોઈ પણ રેકોર્ડ હોવાની ના પાડી દીધી હતી.