ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી હજુ તો માંડ બેઠી થઇ રહી છે ત્યાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. ‘આપ’ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ગઠબંધનનું એલાન કર્યું હતું પરંતુ હવે તે ટકશે કે કેમ તેની સામે સવાલો ઉભા થયા છે. કારણ કે બીટીપી દ્વારા તમામ 182 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરવામાં છે.
‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટીએ બીટીપી સાથે ગઠબંધનનું એલાન કર્યું હોવા છતાં ‘આપ’ દ્વારા થતી અવગણનાથી બીટીપી નારાજ છે. આમ આદમી પાર્ટીની રેલીઓ અને અભિયાનમાં ક્યાંય બીટીપીનો ઉલ્લેખ જોવા મળતો ન હોવાના કારણે પાર્ટીના નેતાઓ નારાજ હોવાનું જણાવવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી ગુજરાત ચૂંટણી માટે ભરપૂર પ્રચાર કરી રહી છે પરંતુ ગઠબંધન કર્યું હોવા છતાં આ પ્રચારમાં ક્યાંય બીટીપીનો ઉલ્લેખ કે પાર્ટીના પોસ્ટરોમાં બીટીપીનું ચૂંટણી ચિહ્ન કે પાર્ટીના નેતાઓની તસ્વીરો પણ જોવા મળી રહી નથી. જેના કારણે આ ગઠબંધનમાં પોતાનું મહત્વ ઘટી રહ્યું હોવાનું બીટીપીને લાગી રહ્યું છે.
આ અંગે બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાએ કહ્યું હતું કે, એવું નથી કે ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટી જ છે. બીજી પણ પાર્ટીઓ ગઠબંધન માટે છોટુભાઈ (વસાવા)નો સંપર્ક કરી રહી છે. જેથી અમે 182 બેઠકો પર ચૂંટણી લડીશું. તેમણે એમ પણ જણાવ્યું કે બીટીપી 2017 સિવાય ક્યારેય ગઠબંધનમાં લડી નથી.
આમ આદમી પાર્ટી અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, જ્યારે તેમણે સાથે ગઠબંધન કર્યું હતું ત્યારે ‘આપ’નું ગુજરાતમાં બિલકુલ વર્ચસ્વ ન હતું, જ્યારે છોટુભાઈ વસાવા બહુ જાણીતા નેતા છે.
અરવિંદ કેજરીવાલ પોતે આવીને એક સભામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કરવાનું એલાન કરી ચૂક્યા છતાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ ફેરવી તોળ્યું છે. ગુજરાતના ‘આપ’ નેતાઓએ દાવો કર્યો કે તેમણે ક્યારેય બીટીપી સાથે ગઠબંધનનું એલાન કર્યું ન હતું અને માત્ર આદિવાસીઓને લગતા મુદ્દાઓને લઈને સમર્થન કર્યું હતું.
આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જદવાણીએ ‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતાં કહ્યું હતું કે, અમે બીટીપી સાથે ક્યારેય ગઠબંધનનું એલાન કર્યું ન હતું. અમે માત્ર આદિવાસીઓને લગતા મુદ્દાઓને લઈને સમર્થન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મે મહિનાની શરૂઆતમાં ભરૂચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલન યોજ્યું હતું, જેમાં બીટીપીના છોટુ વસાવા, મહેશ વસાવા જેવા નેતાઓ પણ હાજર રહ્યા હતા. દરમિયાન કેજરીવાલે રાજકીય રીતે સાથે મળીને કામ કરવાનું એલાન કર્યું હતું. જોકે, ચૂંટણી પહેલાં જ બંને પાર્ટીઓ અલગ થઇ જાય તેવું લાગી રહ્યું છે.