ભીમા કોરેગાંવ કેસ મામલે તપાસ કમિશને મહારાષ્ટ્રની છ રાજકીય પાર્ટીઓના પ્રમુખને સમન્સ પાઠવ્યા છે. આ તમામે 30 જૂન સુધીમાં કમિશન સમક્ષ સોગંદનામું રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત, તેમણે કમિશન સમક્ષ મૌખિક નિવેદન લખાવવા પણ હાજર રહેવાનું રહેશે. જોકે, તેઓ વ્યક્તિગત રીતે પણ હાજર રહી શકે છે અથવા પ્રતિનિધિ પણ મોકલી શકે છે.
Koregaon Bhima Enquiry Commission has summoned 6 party presidents of Maharashtra & asked them to file an affidavit to the commission before 30th June. They also have to appear for submitting their oral statements before the commission.
— ANI (@ANI) June 9, 2022
ભીમા કોરેગાંવ કેસ મામલે કમિશને જેમને સમન્સ પાઠવ્યા છે તેમાં શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ, વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે, રિપબ્લિક પાર્ટી ઑફ ઇન્ડિયાના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ નાના પાટોલેનો સમાવેશ થાય છે.
The 6 party presidents summoned are from Shivsena, Maharashtra Congress, Maharashtra BJP, Vanchit Bahujan Aghadi, MNS & RPI. All have to respond to summons personally or through a representative. NCP President Sharad Pawar has already filed an affidavit & recorded his statement.
— ANI (@ANI) June 9, 2022
આ કમિશન 1 જાન્યુઆરી 2018 આ રોજ મહારાષ્ટ્રના પુણેમાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણના કેસની તપાસ કરી રહ્યું છે. જે મામલે કમિશને આ નેતાઓને સમન્સ પાઠવીને ભવિષ્યમાં આ પ્રકારની હિંસાની ઘટનાઓથી બચવા માટેના ઉપાયો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કઈ રીતે સારી બનાવી શકાય તે માટે પણ સૂચનો માંગ્યા છે.
કમિશનના વકીલ આશિષ સેતપુતેએ કમિશન ચેરમેન જયનારાયણ પટેલ સમક્ષ અરજી કરીને જણાવ્યું હતું કે, વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રશાસનિક સ્તરે નિર્ણય લેવા પહેલાં રાજકીય પાર્ટીના પ્રમુખોના સૂચનો જાણવા જરૂરી છે. સેતપુતેએ અરજીમાં એ પણ ઉલ્લેખ કર્યો કે વર્ષ 2018 માં પણ તમામ પાર્ટીઓના પ્રમુખોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ NCP ચીફ શરદ પવાર સિવાય કોઈએ પણ જવાબ આપ્યો ન હતો.
કમિશન તરફથી સમન્સ પાઠવવામાં આવ્યા બાદ પાંચ મેના રોજ NCP પ્રમુખ શરદ પવાર કમિશન સમક્ષ હાજર રહ્યા હતા અને નિવેદન નોંધાવ્યું હતું. ઉપરાંત, તેમણે બે સોગંદનામાં પણ રજૂ કર્યાં હતાં. ઉપરાંત, તેમણે વર્ષ 2018 ના ઓક્ટોબરમાં પણ એક સોગંદનામું દાખલ કર્યું હતું.
એનસીપી પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાજકીય લાભ મેળવવા માટે લોકોને ઉશ્કેરવામાં આવ્યા બાદ તોફાનો થયા હતા. રિપોર્ટ અનુસાર, શરદ પવારે પહેલેથી જ નિવેદન આપી દીધું હોવાના કારણે હાલ તેમને સમન્સ પાઠવવામાં આવ્યા નથી.
અહીં નોંધવું જરૂરી છે કે ગત પાંચ મેના રોજ મહારાષ્ટ્ર પોલીસે હિંદુત્વ એક્ટિવિસ્ટ અને શિવ પ્રતિષ્ઠાન હિંદુસ્તાનના સ્થાપક સંભાજી ભીડેને નિર્દોષ જાહેર કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમની સામે કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચને એક રિપોર્ટ મોકલીને જણાવ્યું હતું કે આ કેસમાં ભીડેની સંડોવણી હોવાનું જણાઈ રહ્યું નથી, જેથી કેસમાંથી તેમનું નામ બાદ કરવામાં આવે છે.
પુણે પોલીસે સંભાજી ભીડે અને અન્ય લોકો વિરુદ્ધ ST-SC એક્ટ અને આઈપસીની અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. તેમની વિરુદ્ધ કથિત રીતે ભીમા કોરેગાંવ કેસમાં સામેલ હોવાનો આરોપ હતો. ભીડે ઉપરાંત, હિંદુત્વવાદી નેતા મિલિન્દ એકબોતે વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ દલિત કાર્યકર્તા અનિતા સાવાલેની ફરિયાદના આધારે નોંધાયો હતો.
ભીમા કોરેગાંવ કેસ
1 જાન્યુઆરી, 2018 ના રોજ મહારાષ્ટ્રના પુણે નજીક આવેલ ભીમા-કોરેગાંવ વૉર મેમોરિયલ પાસે દલિત કાર્યકરો દ્વારા કોરેગાંવ-ભીમા લડાઈના 200 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો જ્યારે દસ પોલીસકર્મીઓ સહિત અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી હતી.
તપાસ બાદ પુણે પોલીસ નિષ્કર્ષ પર પહોંચી હતી કે 31 ડિસેમ્બર 2017 ના રોજ શનિવારવાડા ખાતે યોજવામાં આવેલ એલગાર પરિષદમાં અપાયેલા ઉશ્કેરણીજનક ભાષણોના કારણે હિંસા ફાટી નીકળી હતી. પોલીસની તપાસમાં ‘એલગાર પરિષદ’ના આયોજન પાછળ માઓવાદી સંગઠનોનો હાથ હોવાનું સામે આવ્યું હતું.
પરિષદના બીજા દિવસે 1818માં ભીમા-કોરેગાંવની લડાઈમાં પેશ્વાઓ વિરુદ્ધ બ્રિટિશ સેનાએ મેળવેલ વિજયની 200મી વર્ષગાંઠ ઉજવવા માટે લાખો દલિતો ભેગા થયા હતા. જેમાં હિંસા ફાટી નીકળી હતી. જાન્યુઆરી 2020માં આ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને (NIA) સોંપી દેવામાં આવી હતી.