ભારતમાં આ સમયે વેચાતા 99.2% સ્માર્ટફોન ‘મેડ ઇન ઇન્ડિયા’ છે. છેલ્લા 9 વર્ષમાં દેશમાં સ્માર્ટફોનનું પ્રોડક્શન લગભગ 20 ગણું વધી ગયું છે. મોબાઈલ ફોન પ્રોડક્શન ઈન્ડસ્ટ્રી 44 બિલિયન ડોલર (લગભગ ₹3.5 લાખ કરોડ) સુધી પહોંચી ગઈ છે. આ માહિતી કેન્દ્રીય IT અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું છે કે ભારતે 2025-26 સુધીમાં 300 બિલિયન ડોલરની ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમનું કહેવું છે કે ભારતની પ્રગતિ અને ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીમાં નિકાસનો મોટો ફાળો હોય શકે છે.
નોંધનીય છે કે છેલ્લા એક દાયકામાં ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 9 વર્ષમાં ભારતના સ્માર્ટફોન ઉત્પાદનમાં 20 ગણો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2014-15માં આ માર્કેટ માત્ર ₹19,000 કરોડનું હતું. હવે તે વધીને ₹3.5 લાખ કરોડથી ઉપર પહોંચી ગયું છે.
એવું નથી કે ભારતમાં બનેલા સ્માર્ટફોન માત્ર ભારતીય બજારમાં જ વેચાઈ રહ્યા છે. ભારત લગભગ 11 બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ પણ કરી રહ્યું છે. સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ પણ ભારતમાં પોતાના ફોનનું ઉત્પાદન સતત વધારી રહી છે. ભારત હવે વિશ્વનો બીજો સૌથી મોટો સ્માર્ટફોન ઉત્પાદક દેશ છે.
ઉત્પાદન સાથે નિકાસમાં પણ ભારતની હરણફાળ
એક રિપોર્ટ જણાવે છે કે વર્ષ 2022-23માં એપલે ભારતમાં નિર્મિત 5 બિલિયન ડોલરથી વધુ મૂલ્યના ઈલેક્ટ્રોનિક્સની નિકાસ કરી હતી. આ સિલસિલો અવિરતપણે ચાલુ છે. એપલે વર્ષ 2022-23ના સમગ્ર વર્ષ દરમિયાન જેટલી નિકાસ કરી છે તેનાથી વધુ નિકાસ તો તેણે 2023-24ના શરૂઆતી 7 મહિનામાં જ કરી નાખી છે.
એપલે 2023-24ના પ્રથમ 7 મહિનામાં ભારતમાંથી 5 બિલિયન ડોલરથી વધુની નિકાસ કરી છે. એપલ ભારતની સ્માર્ટફોન નિકાસમાં લગભગ 62% હિસ્સો ધરાવે છે. એપલ ઉપરાંત, હવે કોરિયન સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ પણ ભારતની નિકાસમાં મુખ્ય હિસ્સેદાર છે. સેમસંગે 2022-23 દરમિયાન 4 બિલિયન ડોલરથી વધુના સ્માર્ટફોનની નિકાસ કરી હતી.
Met Mobile industry to review progress.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 25, 2023
📱Industry has grown 20 times in 9 years.
👉2014: 78% import dependent
👉2023: 99.2% of all mobiles sold in India are ‘Made In India’. pic.twitter.com/SxUeDwNjsn
એપલ, સેમસંગ, ગૂગલ બધા જ ભારતમાં
હવે ગૂગલ પણ ભારતમાં પોતાના સ્માર્ટફોન Pixel બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. એપલ પણ પોતાની ક્ષમતા વધારી રહ્યું છે. એપલ હાલમાં ભારતમાં તાઈવાનની કંપનીઓ ફોક્સકોન અને પેગાટ્રોન સાથે મળીને આઈફોનનું ઉત્પાદન કરી રહી છે. એપલ આગામી દિવસોમાં ટાટા સાથે મળીને પણ આઈફોન બનાવવા જઈ રહી છે. આ માટે એક ફેક્ટરી બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારતીય બજારમાં મોટો હિસ્સો ધરાવતી Xiaomi, Oppo અને OnePlus જેવી બ્રાન્ડ્સ પણ ભારતમાં ઉત્પાદન કરી રહી છે. અગાઉ આ તમામ બ્રાન્ડ્સ ચીનમાંથી આયાત કરીને ભારતમાં સ્માર્ટફોન વેચતી હતી. પ્રોડક્શનના ક્ષેત્રે આ પરિવર્તનનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારની નીતિઓ પણ છે.
કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમનો ચાલ્યો જાદુ
કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ ભારતમાં સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓને ઘણી રાહતો આપવા માટે બનાવવામાં આવી છે. આ સ્કીમ સ્માર્ટફોન સિવાય ભારતમાં સમગ્ર ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિસ્તારવામાં આવી છે. તેની અસર પણ જોવા મળી રહી છે.
જે રાજ્યોમાં સ્માર્ટફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવવાની ફેક્ટરીઓ સ્થપાઈ રહી છે ત્યાં રાજ્ય સરકારો તેમને જમીન અને વીજળીમાં રાહત જેવી સુવિધાઓ પણ પૂરી પાડી રહી છે. ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોનમાં વિદેશી કમ્પોનેટ પણ ઘટી રહ્યા છે અને ભારતીય કમ્પોનેટની ટકાવારી વધી રહી છે.
એક અહેવાલ મુજબ, PLI હેઠળ, કેન્દ્ર સરકાર ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓને તેમના વધતા વેચાણ અનુસાર સબસિડી આપશે. આ સબસિડી વિવિધ કેટેગરી માટે અલગ-અલગ રાખવામાં આવી છે. PLI ઉપરાંત, ઘણા રાજ્યોએ તેમના શ્રમ કાયદામાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે, જેથી કંપનીઓને સસ્તા અને કુશળ શ્રમિકો મળી શકે.
વર્ષ 2018-19માં દેશમાંથી ₹61,090 કરોડના ઈલેક્ટ્રોનિક્સની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે 2022-23માં ₹1.9 લાખ કરોડના ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે. આ પાંચ વર્ષમાં લગભગ 3 ગણો વધારો છે. વર્ષ 2023-24માં તેમાં હજુ વધુ વધારો થવાની શક્યતા છે. વર્ષ 2023-24માં ભારતમાં બનેલા સ્માર્ટફોન દુનિયામાં એક સ્થાન પ્રાપ્ત કરશે અને દેશના સ્માર્ટફોનનું પ્રોડક્શન ગતિભેર આગળ વધશે.