લદાખમાં એક દુર્ઘટનાના કારણે સેનાના 5 જવાન વીરગતિ પામ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, લદાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેના અભ્યાસ દરમિયાન 28 જૂનની રાત્રે એક JCO સહિત 5 જવાન વિરગત થયા છે. આ જવાનો T-72 ટેન્ક સાથે શ્યોક નદી પાર કરી રહ્યા હતા. નદીમાં અચાનક પાણી વધી જવાથી ટેન્ક ફસાઈ ગઈ હતી અને તેના પર સવાર તમામ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ સહિત સેનાના અધિકારીઓએ આ ઘટના વિશેની જાણકારી આપી છે અને જવાનો શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
લેહના ફાયર એન્ડ ફ્યુરી 14 કોર્પ્સ અનુસાર, 28 જૂનની રાત્રે મિલિટ્રી એક્સરસાઈઝ પરથી પરત ફરતા સમયે ઈસ્ટર્ન લદાખમાં આવેલા સાસેર બ્રાંગસામાં એક આર્મી ટેન્ક નદીમાં ફસાઈ ગઈ હતી. રેસ્ક્યૂ કરવા માટે ટીમને મોકલવામાં આવી હતી, પરંતુ નદીના તેજ પ્રવાહને કારણે જવાનોને બચાવી શકાયા નહીં અને અને JCO સહિત 5 જવાન મૃત્યુ પામ્યા છે.
Five Indian Army personnel including one JCO and four jawans lost their lives in a mishap during a river crossing exercise last evening in Daulat Beg Oldie area. All five bodies have been recovered: Defence officials pic.twitter.com/o5pFyxU88F
— ANI (@ANI) June 29, 2024
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના શુક્ર-શનિવારની રાત્રે 1 કલાકે ચીન સરહદે LACના ચુશૂલથી 148 કિલોમીટર દૂર મંદિર મોડ પાસે બની હતી. પાંચેય જવાનોના મૃતદેહને શોધી કઢાયા છે. દુર્ઘટનામાં વિરગત થયેલા જવાનોના નામ RIS એમઆર કે રેડ્ડી, DFR ભૂપેન્દ્ર નેગી, LD અકદુમ તૈયબમ, હવાલદાર એ ખાન, CFN નાગરાજ પીનો છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, “લદાખમાં એક નદીની પાર ટેન્ક લઈ જતાં સમયે એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં આપણાં પાંચ બહાદુર ભારતીય સેનાના જવાનોના મૃત્યુ થયા હોવાથી ખૂબ જ દુઃખ થયું છે. આપણે રાષ્ટ્ર પ્રત્યેની પોતાના વીરોની અનુકરણીય સેવાને ક્યારેય નહીં ભૂલીએ. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. આ દુઃખની ઘડીમાં દેશ તેમની સાથે મજબૂતીથી ઊભો છે.”
Deeply saddened at the loss of lives of five of our brave Indian Army soldiers in an unfortunate accident while getting the tank across a river in Ladakh.
— Rajnath Singh (@rajnathsingh) June 29, 2024
We will never forget exemplary service of our gallant soldiers to the nation. My heartfelt condolences to the bereaved…
નોંધનીય છે કે, ગત વર્ષે પણ લદાખમાં એક દુર્ઘટના બનવા પામી હતી. જેમાં સેનાની એક ગાડી 60 ફૂટ નીચે ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 જવાનો વીરગતિ પામ્યા હતા. સેનાના કાફલામાં 5 ગાડીઓ સામેલ હતી. જેમાં 34 જવાનો સવાર હતા. આ દુર્ઘટના સમયે એક ગાડી ખીણમાં પડી ગઈ હતી. દરમિયાન એક જવાન ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. જ્યારે આ વર્ષે નદીમાં જળસ્તર વધી જવાથી દુર્ઘટના સર્જાઈ છે.