ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે તમામ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 17 દિવસથી ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલી 41 જિંદગીઓ આખરે ભારે જહેમત બાદ બચાવી લેવાઈ છે. કરોડો લોકોની પ્રાર્થના અને રેસ્ક્યુ ઓપરેશન પાર પાડનાર ટીમ થકી આજે તમામ શ્રમિકો સુરક્ષિત બહાર નીકળ્યા છે. CM પુષ્કર સિંઘ ધામીએ સૌને વધાવ્યા છે. ટનલની બહાર જ શ્રમિકોના પરિવારો આતુરતાથી રાહ જોઈને ઊભા છે.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami meets the workers who have been rescued from inside the Silkyara tunnel. pic.twitter.com/5gZHyuhrqF
— ANI (@ANI) November 28, 2023
મંગળવારે (28 નવેમ્બર) ઉત્તરાખંડના ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 17 દિવસની મહામહેનતે આખરે મંગળવારે એ ‘મંગળ ઘડી’ આવી છે, જે ઘડીની રાહ દેશભરના લોકો જોઈ રહ્યા હતા. 400થી વધુ કલાકો સુધી કામ કરીને સતત થાક્યા વગર તમામ પડકારોનો સામનો કરીને રેસ્ક્યુ ટીમે છેક શ્રમિકો સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. કાટમાળમાં 800 MMની પાઈપ નાખીને એક એસ્કેપ ટનલ બનાવવામાં આવી છે, જેની મદદથી તમામ શ્રમિકો બહાર નીકળી શક્યા છે. ટનલની બહાર પહેલાંથી સ્ટેન્ડબાય રાખવામાં આવેલી એમ્બ્યુલસની મદદથી શ્રમિકોને હોસ્પિટલ જઈ જવામાં આવશે.
ભારતીય સેનાનું ચિનૂક હેલિકોપ્ટર ખડે પગે
ન માત્ર એમ્બ્યુલન્સો પરંતુ ભારતીય સેનાનું વિશાળ અને અત્યાધુનિક ચિનૂક હેલિકોપ્ટર પણ બહાર નીકાળાયેલા શ્રમિકોને એટલીફ્ટ કરવા માટે ખડે પગે તૈયાર છે. રેસ્ક્યુ બાદ શ્રમિકોની સારવારમાં કોઇ જ કચાશ ના રહી જાય એ માટે સરકાર પૂર્ણ રીતે તૈયાર દેખાઈ રહી છે.
Uttarkashi tunnel rescue | Chinook helicopter present at Chinyalisaur airstrip to airlift the workers after their rescue from Silkyara tunnel.#uttarkashirescueoperation #UttarakhandTunnel pic.twitter.com/QYclmzhfdh
— Kalinga TV (@Kalingatv) November 28, 2023
CM ધામી રેસ્ક્યુ દરમિયાન ટનલમાં હાજર
નોંધનીય છે કે આજે અંતિમ તબક્કામાં ચાલી રહેલા આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી પોતે હાજર રહ્યા હતા. સાથે જ અંદર ફસાયેલા શ્રમિકોના પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર હતા.
Uttarkashi Tunnel Rescue: મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ટનલની અંદર હાજર
— ABP Asmita (@abpasmitatv) November 28, 2023
#UttarakhandTunnelRescue #UttarkashiRescue #Uttarkashi #uttarkashirescueoperation #UttarkashiRescueUpdate pic.twitter.com/Rd8fu4bkgs
ટનલમાં ફસાયેલ દિકરો જલ્દી બહાર નીકળશે એ જાણીને પિતાની ખુશી ના સમાઈ
આ પહેલા એક વિડીયો ખૂબ વાઈરલ થઈ રહ્યો હતો. જેમાં એક પિતા કે જેમનો દિકરો ટનલમાં ફસાયેલો હતો, તેઓ એ જાણીને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા કે હવે જલ્દી જ તેમના દીકરા સહિત તમામ મજૂરો હેમખેમ બહાર નીકળી જશે.
Listen to the Father of a man who is trapped inside the tunnel react on the news of his son coming out.
— Roshan Rai (@RoshanKrRaii) November 28, 2023
This video will make your day. #UttarakhandTunnelRescue pic.twitter.com/7JuwNfqlNo
ભારે જહેમત બાદ પાર પડ્યું મિશન
41 શ્રમિકો છેલ્લા 17 દિવસથી ઉત્તરકાશીની ટનલમાં ફસાયા હતા. દિવાળીના દિવસથી લઈને આજ સુધી તેઓ ટનલના અંધકારમાં રહ્યા હતા. તમામ સરકારી એજન્સીઓએ તનતોડ મહેનત કરીને રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ રાખ્યું હતું. ઓપરેશન દરમિયાન પણ ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ક્યારેક ભૂસ્ખલન થાય તો કામ અટકાવવું પડતું હતું તો ક્યારેક કામે લાગેલા મશીનો જ બંધ થઈ જતાં હતા. આ દરમિયાન અમેરિકાથી લાવવામાં આવેલું ઓગર મશીન પણ ટેકનિકલ ખામીના લીધે બંધ થઈ રહ્યું હતું. પણ આખરે તમામ સમસ્યાઓનો મક્કમતાથી સામનો કરીને 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. દેશભરના લોકોની પ્રાર્થના આજે ફળીભૂત થયેલી દેખાઈ રહી છે. 41 શ્રમિકોના પરિવારોમાં પણ ખુશીનો માહોલ છે.
મેન્યુઅલી ડ્રિલિંગ કરીને પાર પાડવામાં આવ્યું ઓપરેશન
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે 6 સભ્યોની રેટ માઈનર્સની ટીમ પહોંચી હતી. ટીમે સોમવારે (27 નવેમ્બર) સાંજે 7 વાગ્યે સેનાની મદદથી હાથ વડે ખોદકામ શરૂ કરી દીધું હતું. ઓગર મશીન બગડ્યા બાદ પણ મિશન અટકાવવામાં નહોતું આવ્યું, તેના વિકલ્પ તરીકે મેન્યુઅલી ડ્રિલિંગ પણ કરવામાં આવ્યું હતું.
ટનલની અંદર નાખેલી પાઈપો દ્વારા શ્રમિકોને ભોજન પણ પૂરું પાડવામાં આવી રહ્યું હતું. છેલ્લા 17 દિવસથી સખત મહેનત કરીને રેસ્ક્યુ ઓપરેશન આગળ વધારવામાં આવ્યું હતું. આટલા બધા પડકારો હોવા છતાં પણ બચાવ કામગીરી અટકાવવામાં આવી નહોતી. આ તમામ મેહનત આખરે રંગ લાવી છે. તમામ 41 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.