યુવાનોનો પસંદીદા હિંદુ તહેવાર મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) હવે નજીક આવી રહ્યો છે. પરંતુ આ ઉત્સાહ અને ઉમંગનાં તહેવારને લાંછન લગાવવા પાછલા કેટલાક વર્ષોથી અહીં ચાઈનીઝ દોરીનું આગમન થયું છે. તેની ભયાનકતા સમજીને જ સરકારે તેના વેચાણ અને ઉપયોગ પર રોક લગાવી દીધી છે, પરંતુ તો પણ પૈસાની લાલચમાં હજુ તે ચાલી રહ્યું છે. આ જ બાબતે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગારીયાધારથી 171 ચાઈનીઝ દોરીની રીલ સાથે સલીમ પઠાણ, હનીફ શેખ સમેત 4ની ધરપકડ કરી છે.
અહેવાલો અનુસાર, ગારીયાધારમાં આવેલા નવા ગામ રોડ પર મંડપ સ્ટોલ બાંધી પતંગ-દોરીનો વ્યવસાય કરતા લોકોને ત્યાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો કરી ચાઈનીઝ દોરીના 171 રીલ સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શું છે પુરી ઘટના
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ખાનગી વાહનમાં ગારીયાધારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગારીયાધારના નવાગામ રોડ પર મંડપ સ્ટોલ બાંધી મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ચાઈનીઝ દોરીના રીલનો વ્યવસાય ચાલી રહ્યો છે.
બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી મંડપ બાંધેલા સ્ટોલની અંદર તપાસ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 171 નંગ રીલ મળી આવતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સલીમભાઇ કરીમખાન પાઠાણ, હનીફભાઇ રૂસ્તમભાઇ શેખ, સંજયભાઇ કાળુભાઇ પરમાર, શાહીદભાઇ હારૂનભાઇ ધાનાણીને કુલ રૂપિયા 30,300ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમાં છે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ
ગુજરાતમાં આ ચાઈનીઝ દોરાનું વેચાણ અને તેનો ઉપયોગ પ્રતિબંધિત છે અને આમ કરવા બદલ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકવાનું કારણ એ છે કે તે અનેક કિસ્સાઓમાં જીવલેણ સાબિત થયો છે. આ દોરો પતંગ તો કપાવા નથી દેતો પણ લોકોનાં ગળાં કાપી નાંખે છે. ધારદાર અને મજબૂત હોવાના કારણે ચાઈનીઝ દોરા વટેમાર્ગુઓ અને દ્વિચક્રી વાહન ચાલકોના ગળા સાથે ભેરવાઈ જાય તો તે જીવલેણ સાબિત થઇ શકે છે અને આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે.
તાજેતરમાં પણ ગુજરાતમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ચાઈનીઝ દોરાના કારણે વાહનચાલકોનાં મોત થયાં હોય. ચાર દિવસ પહેલાં વડોદરામાં ચાઈનીઝ દોરીથી એક 30 વર્ષીય યુવકનું ગળું કપાઈ ગયું હતું. ચાલુ બાઇકે દોરી આડે આવી ગઈ હતી અને યુવકના ગળાની નસો કપાઈ ગઈ હતી. તેના બીજા જ દિવસે (2 જાન્યુઆરી 2023) સુરતના કામરેજમાં એક આધેડ ઉંમરના વ્યક્તિ બાઈક ઉપર પરત ફરી રહ્યા હતા ત્યારે દોરી આડે આવી જતાં ગળું કપાઈ ગયું હતું. આ ઉપરાંત, દર વર્ષે ચાઈનીઝ દોરાથી વાહનચાલકોનાં મોત થયાં હોવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે.
ઉત્તરાયણ પહેલાં અમદાવાદ, સુરત સહિત રાજ્યમાં અનેક ઠેકાણેથી ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડીને ગુજરાત પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.