તાજેતરમાં જ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી શારજાહની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. વેપારીઓ માટે આ એક આશીર્વાદરૂપ સેવા છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો આ સેવાનો દુરુપયોગ દાણચોરી માટે કરી રહ્યા છે. જે અંતર્ગત આજે કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પર બુરખાધારી બે વિદેશી મહિલાઓને ઝડપી પાડી છે.
સુરત એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શારજાહ શરૂ થયા બાદ દાણચોરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. કસ્ટમ વિભાગથી બચવા માટે શારજાહથી સુરત સોનુ સંતાડીને લાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આજે શારજાહથી બુરખા પહેરી આવેલી બે મહિલાઓ એક કિલો સોના સાથે ઝડપાઈ ગઈ હતી.
શારજાહથી સુરતની ફ્લાઇટમાં આવેલી બે બુરખાધારી મહિલાઓને કસ્ટમ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. લાખો રૂપિયાના સોનાની દાણચોરી કરીને સુરતમાં લાવવાનો તેમનો પ્રયાસ કસ્ટમ વિભાગે નિષ્ફળ કરી નાખ્યો હતો.
બુરખાધારી દાણચોર મહિલાઓ સુદાનની નાગરિક
પકડાયેલી બંને મહિલા મૂળ સુદાન દેશની હોવાનું બહાર આવ્યું છે. મહિલાઓ સોનાની જ્વેલરી સાથે ઝડપાયા બાદ અધિકારીઓ પૂછતાછ કરતા તેમણે પોતે સુરતમાં કાપડ ખરીદી કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે કસ્ટમ વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ કરતા દાણચોરી કરીને શારજાહથી સુરત સોનુ લાવી રૂપિયા કમાવવી લેવાના લાલચે કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
નોંધનીય છે કે શારજાહ ફ્લાઇટથી સુરત આવતા દાણચોરીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. દાણચોરો અલગ અલગ પ્રયોગો અજમાવીને સોનુ સુરતમાં લાવવાનો પ્રયાસ કરે છે. થોડા દિવસ અગાઉ પણ સુરતના એરપોર્ટ ઉપરથી સોનુ ઝડપાયું હતું.
આ પહેલા પકડાયા હતા સોનાના 10 બિસ્કિટ
મળતી માહિતી મુજબ સુરત અરપોર્ટ પર લગેજ ટ્રોલીમાં બિન વારસી હાલતમાં મોબાઈલ ફોનનું કવર મળી આવ્યું હતું. બનાવની જાણ અમદાવાદ કસ્ટમ એર ઇન્ટેલેજીન્ટ યુનિટને થતા તેઓએ મોબાઈલ ફોનનું કવર તપાસ્યું હતું. જેમાંથી સોનાના 10 બિસ્કીટ મળી આવ્યા હતા.
અધિકારીઓએ આ અંગે એરપોર્ટ પર હાજર લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિએ તેની માલિકીનો દાવો કર્યો નથી. જેથી આ સોનાના બિસ્કીટ કબજે લેવામાં આવ્યા છે. મોબાઈલ ફોનના કવરમાં મળી આવેલા સોનાના 10 બિસ્કીટની કિમંત 68 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહી શારજહાંથી ફ્લાઈટ સુરત એરપોર્ટ પર આવી હતી અને ત્યારબાદ અહીથી સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા.
કસ્ટમ વિભાગ દ્વારા ખૂબ જ સતર્કતાથી કામગીરી કરીને આવા દાણચોરોને ઝડપી પાડવા માટે કામ કરી રહી છે. હાલ કસ્ટમ વિભાગ દ્વારા બંને મહિલાઓ પાસેથી ઝડપાયેલા સોનાને જપ્ત કરી લીધો છે અને બંને વિદેશી મહિલાઓની પૂછપરછ શરૂ કરી છે.