Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત45 દિવસો સુધી અયોધ્યા રામ મંદિરમાં ગુજરાત ફેલાવશે સુગંધ: પંચદ્રવ્યોથી બનેલી 108...

    45 દિવસો સુધી અયોધ્યા રામ મંદિરમાં ગુજરાત ફેલાવશે સુગંધ: પંચદ્રવ્યોથી બનેલી 108 ફૂટની અગરબત્તીનું વડોદરાથી થયું પ્રસ્થાન

    તેમાં 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી, 376 કિલો શુદ્ધ ગુગળ ધૂપ, 280 કિલો જવ, 280 કિલો તલ, 376 કિલો કોપરાનું છીણ, 425 કિલો હવનની સામગ્રી (જે યજ્ઞમાં હોમવામાં આવે) અને 1475 કિલો ગાયના છાણનો ભૂકો ઉમેરવામાં આવ્યો છે.

    - Advertisement -

    અયોધ્યામાં રામ મંદિરના મહોત્સવને લઈને દેશના તમામ લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જે રીતે લોકો દિવાળીની રાહ જોતાં હોય છે, તેવી જ રીતે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર શ્રીરામના આગમનની રાહ જોવાઈ રહી છે. 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા રામ મંદિરનો ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાતના રામભક્તો પણ તન, મન, ધનથી સહયોગ આપી રહ્યા છે અને અવનવી વસ્તુઓ પ્રભુ માટે અયોધ્યા મોકલી રહ્યા છે. તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે, ગુજરાતના એક રામભક્તે 6 મહિનાની અથાગ મહેનત બાદ પંચદ્રવ્યોથી બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તીનું 111 ફૂટના વિશાળ રથમાં વડોદરાથી રામ મંદિર અયોધ્યા માટે પ્રસ્થાન થયું છે.

    કેલેન્ડર વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરના રોજ, 108 ફૂટ લાંબી અગરબત્તીનું વડોદરાથી રામ મંદિર અયોધ્યા માટે પ્રસ્થાન થયું છે. આ કાર્યક્રમ વડોદરાના પાંજરાપોળ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રી સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ રંજન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી, 3500 કિલોના વજનની અગરબત્તીનું 111 ફૂટના વિશાળ રથમાં અયોધ્યા માટે પ્રસ્થાન કરાવ્યું છે.

    પંચદ્રવ્યોના ઉપયોગથી બની છે દિવ્ય અગરબત્તી

    વડોદરાના ભરવાડ સમાજના આગેવાન અને ગૌરક્ષક રામભક્ત વિહાભાઈ ભરવાડે આ અગરબત્તી 6 મહિનાના અથાગ પરિશ્રમ બાદ બનાવી છે. આ અગરબત્તી 45 દિવસ સુધી રામ જન્મભૂમિ પર ગુજરાતની સુગંધ પ્રસારવશે. તેમાં ખૂબ જ સુગંધ ફેલાવે તેવા પવિત્ર પાંચ દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી, 376 કિલો શુદ્ધ ગુગળ ધૂપ, 280 કિલો જવ, 280 કિલો તલ, 376 કિલો કોપરાનું છીણ, 425 કિલો હવનની સામગ્રી (જે યજ્ઞમાં હોમવામાં આવે) અને 1475 કિલો ગાયના છાણનો ભૂકો ઉમેરવામાં આવ્યો છે. અગરબત્તી તૈયાર કરનાર રામભકત વડોદરાના તરસાલી વિસ્તારમાં રહે છે અને મૂળ ખેતીના કામ સાથે સંકળાયેલા છે.

    - Advertisement -

    વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં નોંધાયું નામ

    અગરબત્તીના અયોધ્યા પ્રસ્થાન માટેના કાર્યક્રમનું આયોજન વિહાભાઈ ભરવાડ અને તેમના સમાજના અગ્રણી તથા વડોદરાના સાંસદ રંજન ભટ્ટની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ ભવ્ય 108 ફૂટ લાંબી અગરબત્તીનું સ્થાન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ નોંધવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન હજારોની સંખ્યામાં રામભકતો હાજર હતા. વિશેષ ઉપસ્થિતિમાં સાધુ, સંતો, મહંતો, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત સાંસદ, ધારાસભ્યો, મેયર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં