Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણ‘કોંગ્રેસ સાથે મળીને લડીશું 2024ની લોકસભા ચૂંટણી’: વિધાનસભા ચૂંટણીમાં ઊંધે માથે પછડાટ...

    ‘કોંગ્રેસ સાથે મળીને લડીશું 2024ની લોકસભા ચૂંટણી’: વિધાનસભા ચૂંટણીમાં ઊંધે માથે પછડાટ ખાધા બાદ AAPની જાહેરાત, ઈસુદાને કહ્યું- ગુજરાતમાં પણ લાગુ પડશે I.N.D.I.A ગઠબંધન

    આ પહેલાં ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ-અલગ લડી હતી. પરંતુ બેમાંથી એકેય પાર્ટી કંઈ ઉકાળી શકી ન હતી.

    - Advertisement -

    ભાજપને હરાવવા માટે કેન્દ્રમાં વિપક્ષી પાર્ટીઓ એક થવા મથી રહી છે ત્યાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી કોંગ્રેસ સાથે મળીને લડવાની જાહેરાત કરી છે. 

    આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સોમવારે (7 ઓગસ્ટ, 2023) આ જાહેરાત કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં કહ્યું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું I.N.D.I.A ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ છે. (લોકસભા ચૂંટણી માટે) ગુજરાતમાં પણ અમે બેઠકોની વહેંચણી માટે વિચારી રહ્યા છીએ.” ભાજપને હરાવવાના દાવા કરતાં તેમણે કહ્યું કે, “ભાજપ I.N.D.I.Aથી ડરી રહ્યું છે અને તેમને ખબર છે કે 2024માં આ ગઠબંધન NDAને હરાવી દેશે. આ ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. અમે અહીં બેઠકોની વહેંચણી કરીને લડવાના છીએ.”

    ઈસુદાન ગઢવીએ ઉમેર્યું કે, “આ વિચારણા હજુ પ્રાથમિક તબક્કે છે, આગળ જતાં ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે. I.N.D.I.A ગઠબંધન હેઠળ બેઠકોની યોગ્ય વહેંચણીમાં અમે સફળ રહ્યા તો ભાજપ 26માંથી 26 બેઠકો નહીં લઇ જઈ શકે એ ચોક્કસ છે.”

    - Advertisement -

    આ અંગે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી હોય તેવું જાણવા મળ્યું નથી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ-અલગ લડી હતી. પરંતુ બેમાંથી એકેય પાર્ટી કંઈ ઉકાળી શકી ન હતી. આમ આદમી પાર્ટીએ મોટા ઉપાડે સરકાર બનાવવાની જાહેરાતો કરી હતી પરંતુ આખરે પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે કોંગ્રેસ, જેને 2017ની વિધાનસભા ચૂંટણીમાં 65 બેઠકો મળી હતી, તે આ ચૂંટણીમાં માત્ર 17 બેઠકોમાં સમેટાઈ ગઈ. 

    વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા ન હતા તો બીજી તરફ પાર્ટીનાં મોટાં માથાં પણ પોતપોતાની બેઠકો પરથી હારી ગયા હતા. મુખ્યમંત્રી ઉમેદવાર ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી લડ્યા હતા જ્યારે ગોપાલ ઇટાલિયાને પાર્ટીએ સુરતની કતારગામ બેઠક પરથી ટિકિટ આપી હતી. બંને નેતાઓએ મોટા માર્જિનથી હાર ચાખવી પડી હતી. કોંગ્રેસ અને AAPના ગઠબંધનની વાત થઇ રહી છે તો એ પણ ઉલ્લેખનીય છે કે પંજાબ અને દિલ્હી, જ્યાં ‘આપ’ની સરકાર છે ત્યાં અગાઉ કોંગ્રેસની જ સરકારો હતી. કોંગ્રેસને હરાવીને આપે સત્તા મેળવી હતી.

    વિધાનસભા ચૂંટણીમાં હાર ચાખી ચૂકેલી બંને પાર્ટીઓ હવે લોકસભા ચૂંટણી સાથે લડશે તેવું આમ આદમી પાર્ટી તરફથી જાણવા મળ્યું છે. જોકે કોંગ્રેસ હજુ મૌન છે. બીજી તરફ, છેલ્લી બે લોકસભા ચૂંટણીઓની વાત કરવામાં આવે તો બંને ચૂંટણીઓમાં ભાજપને કુલ 26માંથી 26 બેઠકો મળી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં