પશ્ચિમ બંગાળમાં શનિવારે (8 જુલાઈ, 2023) પંચાયત ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, આ દરમિયાન મોટા પ્રમાણમાં હિંસા જોવા મળી તો બીજી તરફ ક્યાંક બેલેટ બોક્સ સળગાવી દેવામાં આવ્યાં તો ક્યાંક કોઈએ તેમાં પાણી રેડી દીધું હતું. એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં એક યુવક બેલેટ બોક્સ લઈને ભાગતો જોવા મળે છે. સામાન્ય રીતે ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ બેલેટ બોક્સ ગણતરી માટે સુરક્ષિત રાખવામાં આવે છે પરંતુ બંગાળના મુર્શિદાબાદમાં એક ગટરમાંથી ત્રણ બેલેટ બોક્સ મળી આવ્યાં હતાં.
West Bengal | Three ballot boxes found in a drain in Murshidabad where violence broke out after panchayat elections.
— ANI (@ANI) July 9, 2023
A local said, "The situation is not good after the elections, the general public is also not coming out due to fear. The general public is in panic. If anyone… pic.twitter.com/UA1ELlksid
ANI અનુસાર, મુર્શિદાબાદમાં ચૂંટણી અને હિંસા બાદ એક ગટરમાંથી ત્રણ બેલેટ બોક્સ મળી આવ્યાં હતાં. એક સ્થાનિકે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, સ્થાનિક સ્તરે પરિસ્થિતિ બગડી છે અને સામાન્ય લોકોમાં ભયનો માહોલ છે, તેઓ ઘરની બહાર નીકળતા ડરે છે. તેણે એમ પણ જણાવ્યું કે જો કોઈ બહાર આવે તો TMCના કાર્યકરો તેને ધમકાવે છે. ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) મમતા બેનર્જીની પાર્ટી છે, જે હાલ બંગાળમાં સત્તામાં છે.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ પર બેલેટ બોક્સ બદલવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ આઇટી સેલ હેડ અમિત માલવિયાએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો કે માલદામાં બેલેટ બોક્સ સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચે તે પહેલાં કોન્ટ્રાક્ટર અને સ્થાનિક તંત્રની મદદથી તેની અદલાબદલી કરતા ટીએમસી કાર્યકરોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.
TMC’s change ‘Ballot Box’ operation caught in Malda. @khagen_murmu https://t.co/b0cTrVd10Y pic.twitter.com/9jy0vsFczP
— Amit Malviya (@amitmalviya) July 9, 2023
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટેના મતદાન દરમિયાન સાત જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે ચૂંટણી જાહેર થઇ તે દિવસથી આજ સુધીના એક મહિનાના સમયગાળામાં હિંસામાં કુલ 35 લોકોનાં મોત થયાં છે. શનિવારે જે 16 મોત થયાં હતાં તેમાંથી 13 માત્ર મુર્શિદાબાદ, કૂચબિહાર અને માલદા આ ત્રણ જિલ્લાઓમાં જ નોંધાયાં હતાં. અહીં મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી અને દિવસ દરમિયાન સમાચારો આવતા રહ્યા હતા.
ચૂંટણીમાં મતદાન દરમિયાન છેડેચોક નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક યુવક હાથમાં બેલેટ બોક્સ લઈને ભાગતો જોવા મળ્યો હતો. બીજી તરફ, એક મતદાન મથકે ટોળાએ હુમલો કરી દેતાં મતદાન અટકી પડ્યું હતું. ક્યાંક કોઈએ બેલેટ બોક્સમાં પાણી રેડી દીધું હતું તો ક્યાંક આખું બોક્સ જ સળગાવી દેવાની ઘટનાઓ સામે આવી હતી.