સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે (27 જાન્યુઆરી, 2024) X પર એક પોસ્ટ કરીને નવી જ ચર્ચાઓને વેગ આપ્યો છે. તેમણે એલાન કર્યું કે, તેમણે ઉત્તર પ્રદેશમાં તેઓ કોંગ્રેસને 11 બેઠકો આપશે. પરંતુ કોંગ્રેસ આ નિર્ણયથી ખુશ ન હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે હજુ તો બંને પાર્ટીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ત્યાં અખિલેશે જાહેર કરી દીધું છે.
અખિલેશ યાદવે પોસ્ટમાં લખ્યું, ‘કોંગ્રેસ સાથે 11 મજબૂત બેઠકોથી અમારા સૌહાર્દપૂર્ણ ગઠબંધનની સારી શરૂઆત થઈ રહી છે…આ સિલસિલો જીતના સમીકરણ સાથે હજુ આગળ વધશે. ‘ઇન્ડિયા’ની ટીમ અને PDAની રણનીતિ ઇતિહાસ બદલી નાખશે.’
कांग्रेस के साथ 11 मज़बूत सीटों से हमारे सौहार्दपूर्ण गठबंधन की अच्छी शुरुआत हो रही है… ये सिलसिला जीत के समीकरण के साथ और भी आगे बढ़ेगा।
— Akhilesh Yadav (@yadavakhilesh) January 27, 2024
‘इंडिया’ की टीम और ‘पीडीए’ की रणनीति इतिहास बदल देगी।
ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો છે. જેમાંથી અખિલેશ યાદવ કોંગ્રેસને માત્ર 11 બેઠકો આપવા માટે રાજી થયા છે. જેનાથી કોંગ્રેસ સંતુષ્ટ ન હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ આ ફોર્મ્યુલા સાથે સહમત નથી અને સંભવતઃ વધુ બેઠકોની માંગ કરી છે. દરમ્યાન, કોંગ્રેસ નેતા જયરામ રમેશનું પણ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે, હજુ વાતચીત ચાલી રહી છે અને ફોર્મ્યુલા નક્કી થઈ જાય એટલે જણાવવામાં આવશે.
એક તરફ અખિલેશ યાદવે જાહેર કરી દીધું છે કે તેઓ કોંગ્રેસને 11 બેઠકો આપશે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ કહે છે કે હજુ વાતચીત ચાલી રહી છે. બંને પાર્ટીનાં નિવેદનોમાં જોવા મળતા વિરોધાભાસને જોતાં આવનાર દિવસોમાં વધુ એક રાજ્યમાં કોંગ્રેસને સીટ શેરિંગમાં તકલીફ વેઠવી પડશે તેમ લાગી રહ્યું છે.
Constructive seat-sharing talks on between Cong's Ashok Gehlot and SP's Akhilesh Yadav, will inform when formula is decided: Jairam Ramesh
— Press Trust of India (@PTI_News) January 27, 2024
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરી ચૂક્યાં છે. એટલું જ નહીં, તેમની સરકારે સિલીગુડીમાં રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન સભા કરવાની પરવાનગી પણ આપી ન હતી. એવું પણ સાથે કહ્યું હતું કે INDI ગઠબંધનના સભ્ય હોવા છતાં તેમને યાત્રા વિશે જણાવવામાં ન આવ્યું.
બીજી તરફ, પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભગવંત માન તમામ 13 બેઠકો પર લોકસભા ચૂંટણી લડવાનું અને કોંગ્રેસ સાથે કોઇ સંબંધ ન હોવાનું એલાન કરી ચૂક્યા છે. આ જોતાં કોંગ્રેસ માટે આ ગઠબંધન આવનાર દિવસોમાં માથાનો દુખાવો બની રહે તો નવાઈ નહીં રહે.