EDની ટીમ પર હુમલા અને સ્થાનિક મહિલાઓના યૌનશોષણ અને અત્યાચારના આરોપી TMC નેતા શેખ શાહજહાંને આખરે મમતા બેનર્જીની પાર્ટી TMCએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. ગુરુવારે (29 ફેબ્રુઆરી, 2024) સવારે બંગાળ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેને 10 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો.
EDની ટીમ પર હુમલો થયા બાદ અને ખાસ કરીને સંદેશખાલીમાં શેખ શાહજહાંની કરતૂતો ઉઘાડી પડ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ પર દેશભરમાંથી માછલાં ધોવાયાં હતાં. એક તરફ મહિલાઓ સતત પ્રદર્શન કરી રહી હતી ત્યાં બીજી તરફ બંગાળ પોલીસ શેખ શાહજહાંને શોધી શકી ન હતી. બુધવારે (28 ફેબ્રુઆરી) કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે બંગાળ પોલીસ જ નહીં પરંતુ એજન્સીઓ ED કે CBI પણ શેખ શાહજહાંની ધરપકડ કરી શકશે, ત્યારબાદ ગુરુવારે સવારે તેની ધરપકડ કરી લેવામાં આવી.
"Sheikh Shahjhan suspended from party for six years": TMC's Derek O'Brien
— ANI Digital (@ani_digital) February 29, 2024
Read @ANI Story | https://t.co/ai5ftdxgNC#SheikhShahjhan #TMC #suspension pic.twitter.com/jDJs8yFdYn
શાહજહાંની ધરપકડ બાદ તૃણમૂલ કોંગ્રેસ સાંસદ ડેરેક ઓ બ્રાયને એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, તૃણમૂલ કોંગ્રેસે શેખ શાહજહાંને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, અમુક લોકોએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં નુકસાન ન થાય તે માટે આ પ્રકારનો રાજનીતિક નિર્ણય લેવામાં આવ્યો છે તો ઘણાએ એમ પણ પૂછ્યું કે જો શાહજહાંને પાર્ટી નિર્દોષ માનતી હોય તો આખરે બહાર કરવાની જરૂર કેમ પડી?
શેખ શાહજહાંનું નામ ગત જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં સામે આવ્યું હતું, જ્યારે EDની ટીમ રાશન કૌભાંડ મામલે પૂછપરછ કરવા માટે તેના નિવાસસ્થાને પહોંચી હતી. પરંતુ અહીં અધિકારીઓ પર શાહજહાંના માણસોએ જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં અમુક વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હતી. જેના કારણે એજન્સીની ટીમે તપાસ વગર જ આવવું પડ્યું હતું.
ED પર થયેલા હુમલા બાદથી જ શાહજહાં ફરાર હતો તો બીજી તરફ સંદેશખાલીની મહિલાઓ અને સ્થાનિકોએ તેની અને તેના સાથીઓ ઉપર યૌન શોષણ અને અત્યાચારના આરોપ લગાવ્યા હતા. જેને લઈને ઘણા દિવસો પ્રદર્શન પણ ચાલ્યાં અને મમતા સરકાર પર સવાલો પણ ઘણા ઉઠ્યા. દિવસો સુધી સંદેશખાલીની મહિલાઓ પ્રદર્શન કરતી રહી.
આખરે શેખ શાહજહાંની ધરપકડ કરી લેવામાં આવી અને હવે TMCએ તેને પાર્ટીમાંથી પણ બહાર કરવો પડ્યો છે. જોકે, વિપક્ષ ભાજપનું કહેવું છે કે આ ધરપકડ નહીં પરંતુ પરસ્પર સમજૂતી છે અને શાહજહાં જેલમાં બેઠો વિસ્તાર પર નિયંત્રણ જમાવશે.