સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ મોટી રાજકીય હલચલ શરૂ થઈ છે. નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ સુરતના અન્ય વિપક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા સુરત લોકસભા બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે હવે અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નિલેશ કુંભાણીનો કોઈ સંપર્ક થઈ શકતો નથી અને તેઓ સુરતમાંથી ગાયબ થઈ ગયા છે. કુંભાણી ભાજપમાં જોડાઈ જશે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રસના કાર્યકર્તાઓ તેમના ઘરની બહાર વિરોધ કરી રહ્યા છે.
ફોર્મ રદ થયા બાદ સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા હોવાનો અહેવાલોમાં દાવો થઈ રહ્યો છે. કુંભાણી સંપર્કવિહોણા બનતા કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વહેલી સવારથી જ કોંગ્રેસના કાર્યકરો કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર’ અને ‘લોકશાહીનો હત્યારો’ જેવા બેનરો લગાવી વિરોધ કરી રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેમના ઘરની બહાર હોબાળો કર્યો હતો. જોકે, સરથાણા વિસ્તારમાં આવેલા તેમના ઘરની બહાર પણ તાળું મારેલું જોવા મળ્યું હતું અને તેમનો કોઈ સંપર્ક પણ થઈ શકયો નથી. સાથે કહેવાય રહ્યું છે કે, કુંભાણી ભાજપમાં જોડાશે.
અહેવાલો અનુસાર, વહેલી સવારથી જ કુંભાણી સંપર્કની બહાર છે. તેમના ઘરે પણ તાળું મારેલું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ જ તેમનો વિરોધ કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે, કુંભાણી ભાજપમાં જોડાશે અને તેઓ પહેલાંથી જ ભાજપ માટે કામ કરી રહ્યા હતા. તેથી અહેવાલોમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે, કુંભાણી થોડા સમયમાં જ ભાજપમાં જોડાશે. તેમના ઘરની બહાર હોબાળો વધતાં પોલીસે સ્થિતિને કાબુમાં લેવાની ફરજ પડી હતી. દરમિયાન, કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
ભાજપ ઉમેદવાર જીત્યા બિનહરીફ
નોંધનીય છે કે, 22 એપ્રિલના રોજ સુરત લોકસભા બેઠકને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી. સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની સામે કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી તેમને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. સુરત દેશની પ્રથમ બિનહરીફ લોકસભા બેઠક બની હતી. સાથે ભાજપે પણ ઇતિહાસ રચી દીધો હતો. જોકે, તે પહેલાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું હતું. તેમનું ફોર્મ રદ થયા બાદ એકાએક 8 અન્ય પાર્ટી અને અપક્ષના ઉમેદવારોએ પણ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જેને લઈને સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.