સુપ્રીમ કોર્ટે ફરી એકવાર દિલ્હીની કેજરીવાલ સરકારનો ઉધડો લીધો છે. નિર્માણધીન RRTS એટલે કે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (રેપિડ રેલ) માટે આમ આદમી પાર્ટીએ પોતાના ભાગે આવતા નાણાં હજુ સુધી ન ચુકવતા ઉચ્ચ ન્યાયાલય હવે આકરા પાણીએ જોવા મળી રહી છે. કોર્ટે કેજરીવાલ સરકારને જાહેરાતો પર કરોડો રૂપિયાના ધુમાડા કરવા પર ફટકાર લગાવતા કહ્યું હતું કે જો તેઓ રૂપિયાની ચુકવણી નહીં કરે તો તેમનું જાહેરાત બજેટ રોકી દેવામાં આવશે અને તેમાંથી નાણાંની વસુલાત કરવામાં આવશે.
અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે જો દિલ્હી સરકાર નાણાંની ચુકવણી નહીં કરે તો તેમનું જાહેરાતનું બજેટ કોર્ટ દ્વારા રોકી દેવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે, “તમે ચુકવણી કરવાનું આશ્વાસન આપ્યા બાદ પણ હજુ સુધી રૂપિયા જમા નથી કરાવ્યા. કોર્ટ તમારા જાહેરાતના બજેટને રોકવાનો આદેશ આપે છે. જો એક અઠવાડિયાની અંદર ચુકવણી કરવામાં ન આવી તો આ આદેશ લાગુ કરી દેવામાં આવશે.”
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારનું ત્રણ વર્ષનું જાહેરાતનું બજેટ 1100 કરોડ રૂપિયા છે અને આ વર્ષનું જાહેરાત બજેટ 550 કરોડ રૂપિયા છે, પરંતુ RRTS જેવી જનહિતની પરિયોજનામાટે ચુકવવા પાત્ર 415 કરોડ તેઓ નથી આપી રહ્યા. આ પરિયોજના અંતર્ગત અન્ય રાજ્યોની સરકારોએ પોતાના ભાગના રૂપિયાની ચુકવણી કરી દીધી છે. પરંતુ કેજરીવાલ સરકારે પોતાના ભાગે આવતા નાણાંની ચુકવણી નથી કરી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હીની કેજરીવાલ સરકારને એક અઠવાડિયાનો સમય આપીને રકમ ચૂકવવાના આદેશ કર્યા છે.
જાહેરાતના બજેટમાંથી રૂપિયા ચૂકવવાના આદેશ
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને તેમના જાહેરાતના બજેટમાંથી રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ માટે રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આમ આદમી પાર્ટીની સરકાર તેમ નહીં કરે તો સુપ્રીમકોર્ટ તેમના જાહેરાતના બજેટને રોકી દેશે. કોર્ટે આદેશ આપ્યો છે કે આમ આદમી પાર્ટી પોતાના જાહેરાતના બજેટમાંથી આ પરિયોજના માટે રૂપિયાની ચુકવણી કરે, અન્યથા તેમનું બજેટ રોકી દેવામાં આવશે.
Supreme Court cautions Delhi government for not giving funds for RRTS project. “Why the Delhi government has not complied with court’s order? We will stay your (Delhi government’s) advertising budget. We will attach it and take it here,” observes Supreme Court.
— ANI (@ANI) November 21, 2023
Supreme Court… pic.twitter.com/MUDJKpxSKS
જાહેરાતો માટે 1100 કરોડનો ધુમાડો, પણ જનહિતની યોજના માટે રૂપિયા નથી
નોંધનીય છે કે આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારનો આ મામલે ઉધડો લીધો હતો, 24 જુલાઈ 2023ના રોજ જસ્ટિસ એસ.કે કૌલ અને ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયાની પીઠે કેજરીવાલ સરકારને કહ્યું હતું કે, “જો તમે છેલ્લા 3 વર્ષોમાં માત્ર જાહેરાતો પર ₹1100 કરોડ ખર્ચ કરી શકતા હોવ તો તમારે RRTS પ્રોજેક્ટ માટે પણ પૈસા આપવા જ પડશે, અન્યથા તમારા જાહેરાતના બજેટના પૈસા ફ્રીઝ કરી દઈશું. તમે (કેજરીવાલ સરકાર) RRST પ્રોજેક્ટ માટે પૈસા ન હોવાનું કહેતા ન્યાયાલયે આ આદેશ આપવો પડ્યો છે.”
શું છે RRTS પ્રોજેક્ટ?
નોંધનીય છે કે રિજનલ રેપિડ ટ્રાંસિટ સિસ્ટમ એ એક સેમી-હાઈસ્પીડ રેલ કોરિડોર છે જે હાલ નિર્માણાધીન છે. આ કોરિડોર દિલ્હી, અલવર, ગાઝિયાબાદ અને મેરઠને એકબીજા સાથે જોડશે. આ 82.15 કિલોમીટરના કોરિડોરના નિર્માણમાં કુલ 31 હજાર કરોડનો ખર્ચ થનાર છે. આ માટે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારે તેમના હિસ્સાનું ભંડોળ આપી દીધું છે પરંતુ દિલ્હીની કેજરીવાલ સરકારે ભંડોળ ન હોવાનું કહીને ફંડ ન આપી હાથ અધ્ધર કરી લીધા હતા. જેના કારણે સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી.